Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1717 of 4199

 

૨પ૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ નામ આવે છે તે ભગવાન કુંદકુંદાચાર્યની આ વાણી છે. તેનો ભગવાન અમૃતચંદ્રાચાર્યે દોહન કરીને અર્થ કાઢયો છે તે આ છે. સમજાણું કાંઈ...?

પ્રશ્નઃ– આમાં બીજા આચાર્યો અને મહામુનિવરોનો અનાદર તો નથી થતો ને?

ઉત્તરઃ– ભાઈ! કુંદકુંદાચાર્યની શૈલી વસ્તુસ્વરૂપને શાસ્ત્ર દ્વારા સંક્ષેપમાં યથાર્થ સ્પષ્ટ કરવાની રહી છે તેથી તેઓ પ્રસિદ્ધ છે. બીજા મુનિવરો પોતાનું કલ્યાણ કરી ગયા અને કેટલાક તો એમાંથી મોક્ષ પણ ગયા; ભગવાન કુંદકુંદાચાર્ય હવે મોક્ષ જશે. પણ એમની અર્થગંભીર અતિ સ્પષ્ટ વાણી રહી ગઈ. તેથી પોતાને થયેલો ઉપકાર જાણીને તેમનો મહિમા કર્યો એમાં બીજાના અનાદરની વાત કયાં આવી?

આચાર્ય દેવસેને ‘દર્શનસાર’ ગ્રંથની રચના કરી છે. તેમાં તેઓએ કહ્યું છે કે - મહાવિદેહક્ષેત્રમાં વર્તમાન તીર્થંકરદેવ શ્રી સીમંધરસ્વામી પાસેથી મળેલા દિવ્યજ્ઞાન વડે શ્રી પદ્મનંદીદેવે (કુંદકુંદાચાર્યદેવે) બોધ ન આપ્યો હોત તો મુનિઓ સાચા માર્ગને કેમ જાણત? આચાર્ય શ્રી દેવસેન જ્ઞાની હતા અને એમના ગુરુ પણ જ્ઞાની હતા. છતાં પોતે કુંદકુંદાચાર્યનો ઉપકાર માને છે. તેમાં શું તેમના ગુરુનો અને બીજા મુનિવરોનો અનાદર થયો કહેવાય? એમ અર્થ ન થાય ભાઈ! અરે! લોકોને પોતાની મોટાઈ આગળ સત્ શું છે તે દેખાતું નથી. ગૌતમ ગણધર પછી કેટલાક મુનિઓ મોક્ષ પધાર્યા છે. પણ ગૌતમ ગણધર પછી કુંદકુંદાચાર્યનું નામ આવ્યું તે પરંપરામાં આવેલું છે, કોઈએ નવું કરેલું નથી.

શ્રીમદ્ રાજચંદ્રે પણ કહ્યું છે કે-હે કુંદકુંદાદિ આચાર્યો! તમારા વચનો પણ સ્વરૂપના અનુસંધાનને વિશે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.

હવે કહે છે-‘આ રીતે ઉત્પન્ન થયેલો, રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ સદાકાળ રહે છે. પછી જીવ અસ્થિરતારૂપે રાગાદિકમાં જોડાય તે નિશ્ચયદ્રષ્ટિમાં જોડાણ છે જ નહિ અને તેને જે અલ્પ બંધ થાય તે પણ નિશ્ચયદ્રષ્ટિમાં બંધ છે જ નહિ, કારણ કે અબદ્ધસ્પૃષ્ટરૂપે પરિણમન નિરંતર વર્ત્યા જ કરે છે.’

એકત્વબુદ્ધિ છૂટી ગઈ છે તે અપેક્ષાએ જ્ઞાનીને રાગમાં જોડાણ છે જ નહિ. અસ્થિરતા છે તેને તે ભિન્ન રાખીને જાણે છે. દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ જે અલ્પ બંધ થાય છે તે ગૌણ છે, કેમકે અબદ્ધસ્પૃષ્ટરૂપે પરિણમન નિરંતર વર્ત્યા જ કરે છે. જ્ઞાનમય ભાવ નિરંતર વર્ત્યા જ કરે છે.

‘વળી તેને મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી અને અન્ય પ્રકૃતિઓ સામાન્ય સંસારનું કારણ નથી; મૂળથી કપાયેલા વૃક્ષનાં લીલાં પાંદડાં જેવી તે પ્રકૃતિઓ શીઘ્ર સુકાવાયોગ્ય છે.’