૨૬૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ શુભરાગને વ્યવહાર પ્રભાવના કહે છે. બહારમાં જડની ક્રિયામાં તો એનું કાંઈ કર્તવ્ય નથી. લોકોને એકલો વ્યવહાર ગળે વળગ્યો છે, પણ અજ્ઞાનીનો શુભરાગ કાંઈ વ્યવહાર પ્રભાવના નથી. (એ તો પ્રભાવનાનો આભાસમાત્ર છે) હવે કહે છે-
દ્રવ્યાસ્રવોથી તો સ્વભાવથી જ ભિન્ન એવો ‘अयं ज्ञानी’ આ જ્ઞાની ‘सदा ज्ञानमय–एक–भावः’ કે જે સદા એક જ્ઞાનમયભાવવાળો છે તે ‘निरास्रवः’ નિરાસ્રવ જ છે.
અહાહા...! અભેદ એક જ્ઞાન જે શુદ્ધ આત્મા તેને પામેલો જ્ઞાની સદાય જ્ઞાનમયભાવવાળો હોવાથી નિરાસ્રવ જ છે. આ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયના અભાવની અપેક્ષાએ વાત છે. અસ્થિરતાનો જે રાગ છે તેને સ્વભાવના અવલંબને ટાળવાનો પ્રયત્ન છે તેથી તેને ગૌણ કરીને જ્ઞાની નિરાસ્રવ જ છે એમ કહ્યું છે. વળી ‘एकः ज्ञायकः एव’ માત્ર એક જ્ઞાયક જ છે. જ્ઞાની જાણનાર-જાણનાર-જાણનાર જ છે; પરને જાણનાર એમ નહિ, પણ જાણનારને જાણનારો તે જ્ઞાયક જ છે.
‘રાગદ્વેષમોહસ્વરૂપ ભાવાસ્રવનો જ્ઞાનીને અભાવ થયો છે અને દ્રવ્યાસ્રવથી તો તે સદાય સ્વયમેવ ભિન્ન જ છે.’ જડ દ્રવ્યાસ્રવોથી તો અજ્ઞાની પણ ભિન્ન છે, પણ એ માને છે વિપરીત કે-મારે અને દ્રવ્યકર્મને સંબંધ છે. દ્રવ્યાસ્રવ પુદ્ગલપરિણામસ્વરૂપ છે અને જ્ઞાની ચૈતન્યસ્વરૂપ છે તેથી જ્ઞાની દ્રવ્યાસ્રવથી સ્વભાવથી જ ભિન્ન છે.
‘આ રીતે જ્ઞાનીને ભાવાસ્રવ તેમ જ દ્રવ્યાસ્રવનો અભાવ હોવાથી તે નિરાસ્રવ જ છે.’ જ્ઞાની મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયના અભાવવાળો અને સમકિત અને સ્વરૂપસ્થિરતાવાળો હોવાથી તેને અહીં નિરાસ્રવ જ કહ્યો છે. કોઈ એકાંતે પકડી બેસે કે તેને આસ્રવનું અસ્તિત્વ જ નથી તો એમ નથી.
બાપુ! અનંતકાળમાં નહીં કરેલી આ વાત છે. ભગવાન! તું પંચમહાવ્રતધારી દિગંબર સાધુ અનંતવાર થયો પણ સ્વરૂપે ગ્રહ્યા વિના એકલી રાગની ક્રિયાઓમાં વ્યસ્ત રહીને ત્યાં ને ત્યાં (સંસારમાં) જ રોકાઈ રહ્યો. બાકી જ્ઞાન થતાં જ્ઞાની તો નિરાસ્રવ જ હોય છે; તે અલ્પકાળમાં મુક્તિને પામે છે. આવી વાત છે.