સમયસાર ગાથા-૧૭૨ ] [ ૨૭૭ પરિણમન છે ત્યાં સુધી જ્ઞાનીને રાગ છે અને તેથી બંધ પણ છે તો આ કેવી રીતે છે? જ્ઞાની નિરાસ્રવ કઈ રીતે છે?
સમ્યગ્દ્રષ્ટિ-જ્ઞાની સર્વથા નિરાસ્રવ હોય તો તેને કેવળજ્ઞાન હોવું જોઈએ; પણ એ તો છે નહિ માટે તેને હજુ આસ્રવ છે, બંધ છે; છતાં તે નિરાસ્રવ છે એમ કહેવું એ તો વિરુદ્ધ છે. તો કઈ અપેક્ષાએ તેને નિરાસ્રવ કહેવામાં આવે છે તેનો ખુલાસો કરે છે-
‘જે ખરેખર જ્ઞાની છે તે, બુદ્ધિપૂર્વક (ઇચ્છાપૂર્વક) રાગદ્વેષમોહરૂપી આસ્રવભાવોનો તેને અભાવ હોવાથી નિરાસ્રવ જ છે.’
જુઓ, ‘જે ખરેખર જ્ઞાની છે’ એમ કહીને આ સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાનીની વાત કરે છે. હવે આમાંથી કોઈને એમ થાય કે જેને સમ્યગ્દર્શન નથી તેણે પહેલાં શું કરવું?
ઉત્તરઃ– સમ્યગ્દર્શન થયા પહેલાં-આત્મા અખંડ પૂર્ણ શુદ્ધ છે, પર્યાયમાં મલિનતાનો અંશ છે પણ વસ્તુમાં મલિનતા નથી-એવો પ્રથમ વિકલ્પ દ્વારા નિર્ણય કરવો. રાગની ભૂમિકામાં એવો નિર્ણય હોય છે (આવે છે) છતાં તે વાસ્તવિક નિર્ણય નથી. આ વાત ગાથા ૭૩ માં આવી ગઈ છે. ત્યાં કહ્યું છે કે-જેમ વહાણ વમળમાં પકડાઈ ગયું હોય તે વમળ છૂટતાં છૂટી જાય છે તેમ વિકલ્પથી છૂટીને નિર્વિકલ્પ અનુભવ કરવો. સમુદ્રમાં વમળ એની મેળે છૂટે છે અને રાગ તો પોતે પુરુષાર્થ કરીને છોડે તો છૂટે છે એટલો દ્રષ્ટાંત અને સિદ્ધાંતમાં ફેર છે. ગાથા ૧૪૪ માં પણ આવે છે કે-આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ પ્રથમ નિર્ણય કરવો.
આત્મામાં એક વીર્ય ગુણ છે; તે દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેમાં વ્યાપેલો છે. આથી પર્યાયમાં પણ વીર્ય છે તે વિકલ્પ દ્વારા પ્રથમ એમ નિર્ણય કરે છે કે-હું શુદ્ધ બુદ્ધ અખંડ ચૈતન્યઘન છું, સદા અબદ્ધસ્પૃષ્ટ સામાન્ય એકરૂપ છું. આવો નિર્ણય (પ્રથમ) આવે પણ એ વિકલ્પરૂપ નિર્ણય અનુભવને આપે એમ નહિ. જેને નિર્વિકલ્પ અનુભવ થાય તેને પ્રથમ આવો નિર્ણય હોય છે બસ એટલું જ. સર્વજ્ઞ પરમેશ્વરે જે રીતે આત્મા કહ્યો છે તે રીતે આત્માને યથાર્થ જાણવા માટે તેને વિકલ્પ આવે પરંતુ વાસ્તવિક નિર્ણય તો ત્યારે જ થાય જ્યારે વસ્તુની અંતર્દ્રષ્ટિ કરવાથી વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ અનુભવ થાય. ભાઇ! ખરેખર તો પહેલાં-પછી છે જ કયાં? (કેમકે નિર્વિકલ્પ અનુભવ એ જ નિર્ણય છે) તે નિર્ણયને વિકલ્પરૂપ નિર્ણયની અપેક્ષા જ કયાં છે? છતાં હોય છે. જેને વિકલ્પપૂર્વક પણ શુદ્ધ આત્માનો નિર્ણય નથી એને તો અંતરમાં જવાનાં ઠેકાણાં જ નથી. માર્ગ આવો છે, ભાઇ! વસ્તુ તો અંતર્મુખ છે; આખી વસ્તુ પર્યાયમાં કયાં છે? ત્યાં અંતરમાં દ્રષ્ટિ પડે ત્યારે નિર્વિકલ્પ નિર્ણય થાય છે. આવી વાત છે.