૨૭૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
એમ શબ્દ છે; એટલે કે શાસ્ત્રના વાંચનથી જાણપણું કર્યું, ધારણા કરી કે વિકલ્પથી નિર્ણય કર્યો તે જ્ઞાની-એમ નહિ. અંતર્દ્રષ્ટિ કરવાથી જેને નિર્વિકલ્પ અનુભવ થયો છે, ભગવાન આનંદના નાથનું જેને સ્વસંવેદન-જ્ઞાન પ્રગટ થયું છે તે જ્ઞાની છે. સ્વ નામ પોતાના સંવેદન એટલે પ્રત્યક્ષ જ્ઞાનના અવલંબનથી (વેદનથી) જેને આત્મા જણાયો છે તે જ્ઞાની છે. સમજાણું કાંઈ...!
પ્રશ્નઃ– તો વિદ્વાન અને જ્ઞાનીમાં શું ફરક છે?
ઉત્તરઃ– જે ઘણાં શાસ્ત્ર ભણેલો હોય તે વિદ્વાન છે. જેને નિશ્ચયતત્ત્વ ભગવાન પૂર્ણાનંદસ્વરૂપ આત્માનું જ્ઞાન નથી અને શાસ્ત્રમાં વ્યવહારનાં (નિમિત્તાદિનાં) જ્ઞાન કરાવવા માટેનાં જે લખાણ હોય તેને પકડીને તેમાં વર્તે તે વિદ્વાન છે. જ્યારે નિર્વિકલ્પ વસ્તુ અનાકુળ આનંદસ્વરૂપ વીતરાગમૂર્તિ પ્રભુ આત્માના આશ્રયે જેને સમ્યગ્દર્શન-જ્ઞાન અને સ્વરૂપાચરણ પ્રગટ થયાં છે તે જ્ઞાની છે. જેને વાસ્તવિક આત્મજ્ઞાન પ્રગટયું છે તે જ્ઞાની છે.
અહીં કહે છે-જે ખરેખર જ્ઞાની છે તે, બુદ્ધિપૂર્વક એટલે રુચિપૂર્વક-ઇચ્છાપૂર્વક- અજ્ઞાનપૂર્વક તેને અજ્ઞાનમય એવા રાગદ્વેષમોહરૂપી આસ્રવભાવોનો અભાવ હોવાથી નિરાસ્રવ જ છે. અભિપ્રાયમાં આસ્રવની ભાવનાનો ધર્મીને અભાવ હોવાથી તથા તેનો સ્વામી નહિ થતો હોવાથી જ્ઞાનીને નિરાસ્રવ કહ્યો છે. જડ દ્રવ્યાસ્રવોનો તો તેને સ્વભાવથી જ અભાવ છે અને આસ્રવભાવોના કર્તાપણાનો તેને અભિપ્રાય-શ્રદ્ધાન નથી તેથી જ્ઞાની નિરાસ્રવ છે એમ કહ્યું છે. જે આસ્રવ થાય છે તેમાં જ્ઞાનની જઘન્ય-હીણી પરિણતિ જ કારણ છે.
અબુદ્ધિપૂર્વક રાગના બે અર્થ થાય છે-(૧) અબુદ્ધિપૂર્વક એટલે રુચિ વિના જે રાગ થાય તે-જે અર્થ અહીં કર્યો છે અને (૨) રાજમલજીએ અબુદ્ધિપૂર્વક રાગ એટલે જે રાગ જાણવામાં ન આવે તે રાગ-એમ અર્થ કર્યો છે.
જ્ઞાનીને પાપના પરિણામની તો શું પુણ્યના પરિણામની પણ રુચિ નથી. પુણ્ય- પરિણામને જ્ઞાની ભાવતો નથી. આનંદસ્વરૂપ ભગવાન આત્મામાં એકાગ્રતાની જેને ભાવના છે અને રાગાદિ આસ્રવભાવની જેને ભાવના નથી એવો જ્ઞાની નિરાસ્રવ જ છે. હવે કહે છે-
‘પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે-તે જ્ઞાની જ્યાં સુધી જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને, જાણવાને અને આચરવાને અશક્ત વર્તતો થકો જઘન્ય ભાવે જ જ્ઞાનને દેખે છે, જાણે છે અને આચરે છે ત્યાં સુધી તેને પણ, જઘન્ય ભાવની અન્યથા ઉપપત્તિ