સમયસાર ગાથા-૧૭૨ ] [ ૨૭૯ વડે જેનું અનુમાન થઈ શકે છે એવા અબુદ્ધિપૂર્વક કર્મકલંકના વિપાકનો સદ્ભાવ હોવાથી, પુદ્ગલકર્મનો બંધ થાય છે.’
આગળની ગાથામાં એમ લીધું હતું કે યથાખ્યાતચારિત્ર થયા પહેલાં જ્ઞાની જઘન્યભાવે પરિણમે છે તેથી તેને રાગ છે અને બંધ પણ છે. અહીં એમ કહ્યું કે જ્ઞાની જ્ઞાનને એટલે શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ ભગવાન આત્માને જ્યાં સુધી જઘન્યભાવે જ દેખે છે, જાણે છે અને આચરે છે અને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને, જાણવાને અને આચરવાને સમર્થ નથી ત્યાં સુધી તેને રાગ છે અને તેથી બંધ પણ છે. જ્ઞાની જે સર્વોત્કૃષ્ટ ભાવે આત્માને દેખવા-જાણવા અને આચરવામાં અશક્તપણે વર્તે છે તે અશક્તપણું કોઈ કર્મને લઈને છે એમ નથી પણ પોતાની પર્યાયનું વીર્ય એટલું જ કામ કરે છે એમ વાત છે. અને ત્યાં સુધી તેને કિંચિત્ રાગ છે અને બંધ પણ છે.
અસમર્થપણું પોતાના પુરુષાર્થની નબળાઈથી છે, કર્મના ઉદયનું જોર કે બળજોરી છે માટે છે એમ નથી. શાસ્ત્રમાં કોઈ ઠેકાણે એમ આવે કે-જ્ઞાનીને કર્મના ઉદયનું જોર છે તેથી રાગ-દ્વેષમાં જોડાય છે પણ તેનો અર્થ એટલો જ છે કે જ્ઞાનીને હોંશ વિના-રુચિ વિના રાગ- દ્વેષમાં જોડાવું થાય છે. રાગની જ્ઞાનીને રુચિ નથી એમ બતાવવા માટે કર્મના ઉદયનું જોર કહેવામાં આવે છે. ઇષ્ટોપદેશમાં ‘‘જીવો બળિયો, કમ્મો બળિયો’’ કોઈ વખતે જીવ બળવાન અને કોઈ વખતે કર્મ બળવાન-એવો પાઠ આવે છે. પર તરફના લક્ષે જીવ પરિણમે છે ત્યારે કર્મનું બળ કહેવામાં આવે છે અને સ્વ તરફના એટલે ભગવાન આત્માના લક્ષે પરિણમે ત્યારે જીવનું બળ કહેવામાં આવે છે. જડ કર્મ તો આત્માને અડતુંય નથી તો એનું બળ કયાંથી આવ્યું? પરદ્રવ્યને અને આત્માને કોઈ સંબંધ નથી તેથી કર્મ જીવને રાગ કરાવે કે રખડાવે એ વાત ત્રણકાળમાં સંભવિત નથી. પોતાને પર્યાયમાં પુરુષાર્થની હીણતાના કારણે નિમિત્તના આશ્રયે રાગાદિ-પરિણમન થાય છે તે ભાવકર્મનું બળ છે તો ત્યાં ઉપચારથી દ્રવ્યકર્મનું બળ છે એમ કહેવામાં આવે છે; બાકી દ્રવ્યકર્મ બળ કરીને જીવને રાગાદિ ભાવે પરિણમાવે છે એ વાત નથી.
પ્રશ્નઃ– કર્મની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તો છે ને?
ઉત્તરઃ– અરે ભાઈ! એનો અર્થ શું? કે કર્મના ઉદયમાં પોતાના પુરુષાર્થની કમજોરીના કારણે જોડાય ત્યારે કર્મની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કહેવાય. (નિશ્ચયથી સંબંધ છે નહિ). લોકોને નિમિત્ત-નૈમિત્તિક સંબંધમાં અત્યારે મોટા ગોટા ઉઠયા છે; એમ કે નિમિત્ત કર્મ નૈમિત્તિક રાગને કરાવે છે; પણ એમ છે નહિ.
અહીં કહે છે-જ્ઞાની પોતાના આત્માને જઘન્ય ભાવે દેખે, જાણે અને આચરે છે ત્યાં સુધી તેને અબુદ્ધિપૂર્વક રાગ છે અને એટલો બંધ પણ છે. ક્ષાયિક શ્રદ્ધાનમાં