સમયસાર ગાથા-૧૭૩ થી ૧૭૬ ] [ ૨૯૭ રાગ-દ્વેષ-મોહ છે નહિ. માટે તેના અભાવમાં જ્ઞાનીને દ્રવ્યપ્રત્યયો બંધનાં કારણ થતાં નથી. અહીં આ મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગદ્વેષની અપેક્ષાએ વાત છે. પોતાના આત્માના આનંદના સ્વાદના આસ્વાદી જ્ઞાનીને બંધનના કારણભૂત એવા મિથ્યાત્વ સહિત રાગદ્વેષમોહ થતા જ નથી. તેની દ્રષ્ટિ સમ્યક્ આત્મા ઉપર છે અને સ્વરૂપાચરણ પણ છે તેથી જ્ઞાનીને નિરાસ્રવ કહ્યો છે.
અસ્થિરતાનો અલ્પ રાગ જ્ઞાનીને છે અને દ્રવ્યકર્મમાં પણ અલ્પ બંધન, અલ્પ સ્થિતિ પડે છે પણ સંસારમાં દીર્ઘ પરિભ્રમણ કરવું પડે એવું કર્મનું બંધન હોતું નથી.
અહા! રાગનો કર્તા હું છું એવો મિથ્યાત્વભાવ જ (મુખ્યપણે) આસ્રવભાવ છે, અને એ જ દીર્ઘ સંસાર છે, મહાપાપ છે, અનંત ભવનું કારણ છે. એથી વિપરીત જેને મિથ્યાત્વનો નાશ થઈને સમકિત થયું તે માનો ભવરહિત થઈ ગયો. ‘ભરતજી ઘરમાં વૈરાગી’-એમ આવે છે ને? એનો અર્થ જ એ છે કે દ્રષ્ટિ સ્વભાવ ઉપર હોવાથી કર્મના ઉદયમાં પણ તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગ ઉત્પન્ન થાય એટલું જોડાણ તો થતું જ નથી.
શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ ત્રણે તીર્થંકર ચક્રવર્તી અને કામદેવ હતા. તેઓ સંસારમાં રાગ મારું કર્તવ્ય છે અને રાગથી મને લાભ છે એ બુદ્ધિનો નાશ કરીને રહેતા હતા. રાગ થતો હતો ખરો, પણ એ પોતાને લાભદાયક છે એવી દ્રષ્ટિ ઉડી ગઈ હતી. મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગ-દ્વેષનો તેમને અભાવ હતો. આ અપેક્ષાએ તેમને (ગૃહસ્થદશામાં પણ) નિરાસ્રવ કહ્યા છે; અસ્થિરતાનો અલ્પ રાગ હતો તે અહીં ગૌણ છે.
અહા! મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો જેને અભાવ થયો છે એવા સમ્યગ્દ્રષ્ટિને શ્રદ્ધા અપેક્ષાએ જોવામાં આવે તો કર્મની એકસો અડતાલીસે પ્રકૃતિનો બંધ નથી પછી ભલે તે સમ્યગ્દ્રષ્ટિ બહારમાં ચક્રવર્તી હો કે બલદેવ. સમયસાર નાટકમાં આવે છે ને કે-
જ્ઞાનીને રાગ મારું કર્તવ્ય-કર્મ છે એ વાત છૂટી ગઈ છે. તેને રાગ થાય છે પણ તે એનું કર્મ બનતું નથી, જ્ઞાની એનો કર્તા થતો નથી. જે રાગનો કર્તા બને વા રાગ જેનું કર્મ- કર્તવ્ય બને છે એ જ્ઞાની નહિ પણ મિથ્યાદ્રષ્ટિ છે.