૨૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
લોકોને બાહ્ય ત્યાગના મહિમા આગળ સમકિત શું ચીજ છે, અંદરમાં મોહ-મિથ્યાત્વનો ત્યાગ અને વીતરાગતાની પ્રગટતા શું ચીજ છે એની ખબર નથી. ભાઈ! ભવબીજનો નાશ કરનાર સમકિત પરમ મહિમાવંત ચીજ છે. ભવ અને ભવના ભાવરહિત ભગવાન આત્માની રુચિ-પ્રતીતિ જેને થઈ તેને બહારમાં છ ખંડનું રાજ્ય અને છન્નુ હજાર રાણીઓનો સંયોગ હોય તોપણ એને એના ભોગની રુચિ નથી; તેને અભિપ્રાયમાં સર્વ રાગનો ત્યાગ થઈ ગયો છે અને તેથી સમકિતી-જ્ઞાની નિરાસ્રવ જ છે. અહો! સમકિત પરમ અદ્ભુત ચીજ છે!
આવા સમકિતનો વિષય પરિપૂર્ણ ભગવાન આત્મા છે. આત્મશ્રદ્ધાન થયા વિના દેવ- ગુરુ-શાસ્ત્રની કે નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા કાંઈ સમકિત નથી, કેમ કે એ તો બધો રાગ છે. આવું તો અનંતવાર જીવે કર્યું છે; એક માત્ર ભવછેદક એવી આત્માની અંતર્દ્રષ્ટિ દુર્લભ રહી છે.
‘દ્રવ્યાસ્રવોના ઉદયને અને જીવના રાગ-દ્વેષ-મોહના ભાવોને નિમિત્ત-નૈમિત્તિક ભાવ છે.’
શું કહ્યું આ? કે ભગવાન આત્મા સ્વભાવથી જુઓ તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પરમ પવિત્ર સદા વીતરાગસ્વભાવી છે; પણ એની પર્યાયમાં જે વિકાર થાય છે તે ભાવાસ્રવ છે. તેમાં દ્રવ્યાસ્રવ એટલે જડ કર્મનો ઉદય નિમિત્ત હોય છે. જડકર્મનો ઉદય તે નિમિત્ત અને પોતાની અવસ્થામાં જે વિકાર થાય છે તે નૈમિત્તિક છે. પ્રથમ જે કર્મ સત્તામાં હતાં તે પ્રગટ થાય તેને (કર્મનો) ઉદય કહે છે. ત્યાં પોતાની પર્યાયમાં નૈમિત્તિક જે વિકાર તેનું અશુદ્ધ ઉપાદાન તેના પોતાથી જ છે, નિમિત્તથી નહિ. રાગ-દ્વેષ-મોહ આદિ આસ્રવભાવો પોતપોતાના કાળમાં પોતાથી થવાવાળા હોય તે થાય છે. જૂના કર્મનો ઉદય નિમિત્તપણે ભલે હો, પણ નિમિત્તથી તે વિકારી પર્યાય થાય છે એમ નથી. નિમિત્તનો નિમિત્તપણે નિષેધ નથી, પણ નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરે છે એ વાતનો નિષેધ છે.
તો કેટલાક અજ્ઞાનીઓ પોકાર કરે છે કે-કથંચિત્ પોતાથી થાય અને કથંચિત્ નિમિત્તથી થાય એમ અનેકાન્ત કરવું જોઈએ.
અરે ભાઈ! આવું અનેકાન્તનું સ્વરૂપ નથી. એ તો ફુદડીવાદ છે, મિથ્યાવાદ છે. પોતાથી થાય અને નિમિત્તથી ન થાય એ સમ્યક્ અનેકાન્ત છે. આત્મા જેટલા પ્રમાણમાં કર્મના ઉદયમાં જોડાય છે તેટલા પ્રમાણમાં આત્માને મિથ્યાત્વ અને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે અને તેનાથી નવા કર્મનો બંધ થાય છે.