૩૦૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ પણ જે કિંચિત્ રાગ થાય છે તેનો તે સ્વામી કે કર્તા થતો નથી. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ બારમી ગાથામાં જે આવે છે તે પ્રમાણે ધર્મી રાગને માત્ર જાણે જ છે. ખરેખર જ્ઞાની રાગનો સ્વામી નથી પણ પોતાની નિર્મળ પર્યાયનો સ્વામી છે. આત્મામાં સ્વસ્વામિત્વનો એક ગુણ છે જેને લઈને શુદ્ધ દ્રવ્ય, શુદ્ધ ગુણ અને નિર્મળ શુદ્ધ પર્યાય એ ધર્મીનું સ્વ છે અને આત્મા તેનો સ્વામી છે. આત્મા રાગનો સ્વામી નથી. સમયસાર પરિશિષ્ટમાં શક્તિઓના વર્ણનમાં દ્રવ્ય-ગુણ અને પર્યાય ત્રણે નિર્મળ લીધાં છે. ગુણનો ધરનાર ગુણી આત્માનો આશ્રય બનતાં ગુણનું જે નિર્મળ પરિણમન થાય તેનો આત્મા સ્વામી છે, રાગનો નહિ.
સમ્યગ્દ્રષ્ટિ ચારિત્રમોહના ઉદયમાં માત્ર અસ્થિરતારૂપે જોડાય છે, એટલે કે તે તે સમયે તે અસ્થિરતારૂપ પર્યાય થવાની થાય છે પણ અસ્થિરતારૂપ જોડાણ તે નિશ્ચયદ્રષ્ટિમાં જોડાણ જ નથી. અસ્થિરતાના રાગની અહીં ગણત્રી નથી; અહીં તો મિથ્યાત્વ સહિતના રાગદ્વેષને જ આસ્રવ-બંધમાં ગણ્યો છે. માટે સમ્યગ્દ્રષ્ટિને રાગદ્વેષમોહનો અભાવ કહેવામાં આવ્યો છે.
‘જ્યાં સુધી કર્મનું સ્વામીપણું રાખીને કર્મના ઉદયમાં જીવ પરિણમે ત્યાં સુધી જ જીવ કર્મનો કર્તા છે.’ દયા, દાન, વ્રત, તપ આદિના પરિણામ તે તે કાળમાં જ્ઞાનીને આવે છે પણ જ્ઞાની તેના સ્વામીપણે થતો નથી; જ્યારે અજ્ઞાની શુભરાગના સ્વામીપણે થઈને-પરિણમીને રાગનો કર્તા થાય છે. ભાઈ! ચરણાનુયોગનું જેટલું વ્યવહારરૂપ આચરણ છે તેના કર્તા થઈને પરિણમવું તે અજ્ઞાન છે એમ અહીં કહે છે.
‘ઉદયનો જ્ઞાતાદ્રષ્ટા થઈને પરના નિમિત્તથી માત્ર અસ્થિરતારૂપે પરિણમે ત્યારે કર્તા નથી, જ્ઞાતા જ છે.’ જુઓ, ધર્મીને જે કાંઈ અસ્થિરતારૂપ રાગાદિ પરના નિમિત્તથી માત્ર એટલે પરના-નિમિત્તના લક્ષે થાય છે તેનો તે જ્ઞાતા જ છે, કર્તા નથી. ‘પરના નિમિત્તથી’ એમ કહ્યું ત્યાં પર-નિમિત્તના કારણે રાગ થાય છે એમ નહિ પણ પર-નિમિત્તમાં પોતે જોડાય છે તો રાગ થાય છે એમ વાત છે. જડ નયમાં એક ઈશ્વરનય છે. ત્યાં કહ્યું છે-‘આત્મદ્રવ્ય ઈશ્વરનયે પરતંત્રતા ભોગવનાર છે’. એટલે કે આત્મા પોતે પરને આધીન થઈને પરિણમે એવી એની પર્યાયની યોગ્યતા છે; પર નિમિત્ત એને આધીન કરે છે એમ નહિ, પણ પોતે નિમિત્તને આધીન થાય છે. આમાં બહુ મોટો ફેર છે. જુઓ, ભાષા-કે ‘પરના નિમિત્તથી માત્ર’ મતલબ કે નિમિત્ત તો નિમિત્તમાત્ર છે. જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવે પરિણમતો જ્ઞાની જે અસ્થિરતાનો રાગ થાય તેનો જ્ઞાતા જ રહે છે કર્તા નહિ.
‘આ અપેક્ષાએ, સમ્યગ્દ્રષ્ટિ થયા પછી ચારિત્રમોહના ઉદયરૂપ પરિણમવા છતાં તેને જ્ઞાની અને અબંધક કહેવામાં આવ્યો છે. જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય છે અને તેમાં જોડાઈ ને જીવ રાગદ્વેષમોહભાવે પરિણમે છે ત્યાં સુધી જ તેને અજ્ઞાની અને