સમયસાર ગાથા-૧૭૩ થી ૧૭૬ ] [ ૩૦પ બંધક કહેવામાં આવે છે.’ દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય શુદ્ધ નિર્મળ છે એ અપેક્ષાએ નિર્મળ દ્રષ્ટિવંત જ્ઞાનીને મિથ્યાત્વ અને અનંતાનુબંધીના પરિણામ નહિ હોવાથી તે પ્રકારનું બંધન નથી અને તેથી તેને અબંધક કહેવામાં આવ્યો છે. બીજી બાજુ (પર્યાયનું) જ્ઞાન કરાવવું હોય ત્યારે એમ કહે છે કે દશમા ગુણસ્થાન સુધી જે રાગ થાય છે એ પોતાનો અપરાધ છે અને પોતે એને કરે છે, કર્મને લઈને એ રાગ થાય છે એમ નહિ. રાગના સ્વામીપણા અને કર્તાપણા વિના એ રાગ પોતાથી થાય છે. આવી વાત છે.
હવે કહે છે-‘જ્ઞાની-અજ્ઞાનીનો અને બંધ-અબંધનો આ વિશેષ જાણવો. વળી શુદ્ધ સ્વરૂપમાં લીન રહેવાના અભ્યાસ દ્વારા કેવળજ્ઞાન પ્રગટવાથી જ્યારે જીવ સાક્ષાત્ સંપૂર્ણજ્ઞાની થાય છે ત્યારે તો તે સર્વથા નિરાસ્રવ થઈ જાય છે એમ પહેલાં કહેવાઈ ગયું છે.’
જુઓ, જ્ઞાનીને શુદ્ધ સ્વરૂપ જે અનુભવમાં આવ્યું છે તેમાં લીન રહેવાના અભ્યાસ દ્વારા તેને કેવળજ્ઞાન પ્રગટે છે. કેવળજ્ઞાન પ્રગટવાનો આ એક જ ઉપાય છે; વ્રત, તપ, ભક્તિ આદિ પણ ઉપાય છે એમ છે નહિ. શાસ્ત્રમાં જ્યાં એવું કથન હોય ત્યાં તે આરોપથી કરેલું કથન છે એમ સમજવું. જીવને જ્યારે શુદ્ધાત્માના અનુભવ વડે સમ્યગ્દર્શન પ્રગટ થાય ત્યારે તે જ્ઞાની થાય છે અને એ જ અનુભવના અભ્યાસ દ્વારા તે કેવળજ્ઞાન પ્રગટ કરે છે ત્યારે તે સાક્ષાત્ જ્ઞાની થાય છે. ચોથે ગુણસ્થાનકે જ્ઞાનીને દ્રષ્ટિ અપેક્ષાએ નિરાસ્રવ કહ્યો છે અને કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ જ્ઞાની થયો થકો તે સર્વથા નિરાસ્રવ થઈ જાય છે. લ્યો, હવે આ બધું સમજવું પડશે હોં.
અરે! આ બધું સમજવાની વાણિયાઓને ફુરસદ કયાં છે? બિચારા વેપાર ધંધામાં અને બૈરાં-છોકરાંની માવજતમાં ગુંચવાઈ ગયા છે. માંડ કલાક સાંભળવા મળે તો એમાં આવી સૂક્ષ્મ વાત બિચારાઓને પકડાય નહિ! કરે શું? ભાઈ! આ તો ફુરસદ લઈને સમજવા જેવું છે. સમજણ-જ્ઞાન તો પોતાનો સ્વભાવ છે. એને ન સમજાય એ તો છે નહિ; પોતાની રુચિની દિશા બદલવી જોઈએ. ભાઈ! એ બધી દુનિયાદારીની વાતો કાંઈ કામ આવશે નહિ હોં. તથા ઘણા બધા બીજું માને છે માટે એ સાચું-એવી આંધળી શ્રદ્ધા પણ કામ નહિ આવે. સત્ય જે રીતે છે એ રીતે માન્યું હશે તો સત્ય એને જવાબ આપશે. લાખો-કરોડો લોકો માને છે માટે તે સત્ય છે એમ નથી. સત્યને સંખ્યાથી શું સંબંધ છે? સત્યને તો અંતરની સમજણની જરૂર છે, સંખ્યાની નહિ.