૩૦૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
અહીં સમ્યગ્દ્રષ્ટિની વાત ચાલે છે. અહા! સમ્યગ્દ્રષ્ટિ કોને કહીએ? ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ પરિપૂર્ણ ધ્રુવ સદા પરમાત્મસ્વરૂપે અંદર બિરાજમાન છે. પરંતુ જીવે પોતાના ધ્રુવસ્વભાવનું અવલંબન કદી લીધું નથી; અને ધ્રુવના અવલંબન વિના તેને પરનું- પર્યાયનું જ અવલંબન અનંતકાળથી છે. ત્યાં પર્યાયનું લક્ષ છોડી જે પોતાના ચિદાનંદઘનસ્વરૂપ પરમાત્મદ્રવ્યની અંતર્દ્રષ્ટિ કરી તેમાં લીન થાય છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. અહાહા...! એક સમયની વ્યક્ત પર્યાયથી ભિન્ન ત્રિકાળી ભગવાન જ્ઞાયકદેવ આનંદરસકંદ પ્રભુ સદા જાણવા-દેખવાના સ્વભાવે અંદર રહેલો છે તેના આશ્રયે અનુભૂતિ-રુચિ પ્રગટ કરવી તે સમ્યગ્દર્શન છે.
અહા! જીવને અનાદિથી દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ પરાવલંબી ભાવોની સાવધાનીમાં પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપની સૂઝ-બૂઝ રહી નથી. ભાઈ! એ પરાવલંબી ભાવોની સાવધાની મિથ્યાત્વ છે. વ્રત, તપ, ભક્તિ આદિ પરાવલંબી ભાવોથી ધર્મ થાય એવો મિથ્યાત્વ ભાવ જ અનંત સંસારની જડ છે.
આવું મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગદ્વેષનો જેણે નાશ કર્યો છે તેને સમ્યગ્દ્રષ્ટિ કહીએ. અનંતાનુબંધી એટલે કે અનંત સંસારનું કારણ જે મિથ્યાત્વ છે તેની સાથે અનુબંધ એટલે સંબંધ રાખવાવાળા જે રાગદ્વેષ એનો સમ્યગ્દ્રષ્ટિએ નાશ કર્યો છે. અસ્તિથી કહીએ તો ત્રિકાળી મુક્તસ્વરૂપ જે શુદ્ધ ચૈતન્યસ્વભાવી ભગવાન જ્ઞાયક જાણવા-દેખવાના સ્વભાવે ધ્રુવ- ધ્રુવ-ધ્રુવ અંદર રહેલો છે તેને અનુસરીને જેણે અનુભૂતિ પ્રગટ કરી છે, પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો અનુભવ પ્રગટ કર્યો છે તે સમ્યગ્દ્રષ્ટિ છે.
શુદ્ધ સમકિતના સ્વરૂપને જેઓ જાણતા નથી એવા અજ્ઞાનીઓ કહે છે કે-(બાહ્ય) સંયમ એ જ ચીજ છે. સંયમભાવ મનુષ્યપર્યાયમાં જ હોય છે, બીજી ત્રણ ગતિમાં હોતો નથી. તેથી મનુષ્ય અવસ્થામાં વ્રતાદિ સંયમનાં સાધનનું આચરણ કરવું જોઈએ.
અરે ભાઈ! સંયમ કોને કહીએ એની તને ખબર નથી. જેને શુદ્ધ આત્માના અનુભવપૂર્વક સમ્યગ્દર્શન થયું છે તેને જે આત્મસ્વરૂપમાં લીનતા-રમણતા હોય છે તેનું નામ સંયમ છે. આ વ્રત, તપ આદિ જે શુભરાગ છે તે સંયમ નથી; એ તો (ખરેખર) અસંયમ છે. ભગવાન તો એમ કહે છે કે-મિથ્યાદ્રષ્ટિનાં બધાં વ્રત અને તપ બાળવ્રત અને બાળતપ છે. અરે! પણ એને આ સમજવાની કયાં દરકાર છે?