સમયસાર ગાથા-૧૭૩ થી ૧૭૬ ] [ ૩૦૭
અત્યારે તો બસ આ જ-વ્રત, તપ, ભક્તિ, પૂજા, જાત્રા ઇત્યાદિ બધું ખૂબ ચાલ્યું છે. લોકોને બહારના ત્યાગનો અને બાહ્ય ક્રિયાઓનો મહિમા છે; એમ કે પોતે વ્રત પાળે છે, દયા પાળે છે, બ્રહ્મચર્ય પાળે છે, સ્ત્રીનો ત્યાગ કર્યો છે, નગ્ન રહે છે એમ બાહ્ય આચરણના મહિમા આડે અંદર મિથ્યાત્વનું મહા શલ્ય પડયું છે તેને ત્યાગવાનું એને સૂઝતું નથી. અરે ભાઈ! એ બધી બાહ્ય ત્યાગની ક્રિયાઓ તો અભવી પણ અનંતવાર કરે છે. એ કોઈ અંતરની ચીજ નથી. એ ક્રિયાઓમાં ભગવાન આત્મા નથી. વિના સમ્યગ્દર્શન કદાચિત્ ૧૧ અંગ ભણી જાય તોપણ તે અજ્ઞાની છે. લોકોને આકરું લાગે પણ શું થાય? રાગની ક્રિયામાં ધર્મ માને તેને તો મિથ્યાત્વનો બંધ થાય છે. ભગવાન આત્મા અંદર સદા અબંધસ્વરૂપ છે તેનો મહિમા કરી તેમાં અંતર્લીન થવું તે અબંધપરિણામ છે. અહીં કળશમાં જે આવા અબંધ પરિણામને પ્રાપ્ત થયો છે એવા સમકિતી-જ્ઞાનીની વાત છે.
કહે છે–‘यद्यपि’ જોકે ‘समयम् अनुसरन्तः’ પોતપોતાના સમયને અનુસરતા (અર્થાત્ પોતપોતાના સમયે ઉદયમાં આવતા) એવા ‘पूर्वबद्धाः’ પૂર્વબદ્ધ (પૂર્વે અજ્ઞાન-અવસ્થામાં બંધાયેલા) ‘द्रव्यरूपाः प्रत्ययाः’ દ્રવ્યરૂપ પ્રત્યયો ‘सत्तां’ પોતાની સત્તા ‘न हि विजहति’ છોડતા નથી...
શું કહ્યું? કે સમ્યગ્દર્શન પ્રગટ થતાં મિથ્યાત્વ તથા અનંતાનુબંધી સંબંધી કષાયનો નાશ થવા છતાં આઠ કર્મ જે પડયાં છે તે પોતાની સત્તા છોડતાં નથી. સમ્યગ્દ્રષ્ટિને પણ આત્મપ્રદેશે સંબંધમાં રહેલાં આઠ જડકર્મનું અસ્તિત્વ છે અને તેઓ સમયે સમયે ઉદયમાં પણ આવે છે. ‘तदपि’ તોપણ ‘सकलरागद्वेषमोहव्युदासात्’ સર્વ રાગદ્વેષમોહનો અભાવ હોવાથી ‘ज्ञानिनः’ જ્ઞાનીને ‘कर्मबन्धः’ કર્મબંધ ‘जातु’ કદાપિ ‘अवतरति न’ અવતાર ધરતો નથી- થતો નથી. જ્ઞાનીને (દ્રષ્ટિ અપેક્ષાએ) કોઈ પણ રાગદ્વેષમોહ થતા નહિ હોવાથી તેને નવાં કર્મ બંધાતા નથી એમ કહે છે. અહીં અનંત સંસારનું કારણ એવાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો નાશ થયો છે તે અપેક્ષાએ વાત છે. અસ્થિરતાનો અલ્પ ચારિત્ર-દોષ અહીં ગણવામાં આવ્યો નથી. ચારિત્ર-દોષ એ તો અતિ અલ્પ દોષ છે. તેને ગૌણ કરીને અહીં કહે છે કે જ્ઞાનીને-ધર્મીને કર્મબંધ કદાપિ અવતરતો-થતો નથી.
વળી કેટલાક કહે છે કે-જ્ઞાની કોઈ જુદી ચીજ છે અને ધર્મી કોઈ જુદી ચીજ છે. તેઓ કહે છે કે અમે ધર્મી છીએ પણ જ્ઞાની નથી. પરંતુ એ વાત બરાબર નથી. જ્ઞાની ન હોય તે વળી ધર્મી કેવો? ભાઈ! જ્ઞાની કહો કે ધર્મી કહો-બંને એક જ છે; ધર્મી જ્ઞાની છે અને જ્ઞાની ધર્મી છે. નિર્વિકલ્પ આત્માનો જેને અનુભવ છે તે સમ્યગ્દ્રષ્ટિ ધર્મી છે, જ્ઞાની છે. ભાઈ! આ અપૂર્વ વાત છે.