૩૦૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
જુઓ, ‘ભરત ચક્રી ઘરમાં વૈરાગી’ એમ આવે છે ને? ભરત ચક્રવર્તીને ૯૬ હજાર રાણીઓ અને તે સંબંધી વાસના હતી. પણ એ તો ચારિત્રનો અલ્પ દોષ હતો. તેને ગૌણ કરીને ‘ભરત ઘરમાં વૈરાગી’ એમ કહ્યું છે. જ્યારે કોઈ લાખો કરોડ કે અબજ વર્ષ સુધી વ્રત, તપ કરે અને બ્રહ્મચર્યાદિ પાળે અને એનાથી પોતાને ધર્મ થવાનું માને તો તેને મિથ્યાત્વનો મહાદોષ ઉપજે છે જે અનંત સંસારનું કારણ થાય છે.
વિપરીત માન્યતા (મિથ્યાત્વ) અને તેને અનુસરીને થવાવાળા રાગદ્વેષનો જેણે આત્માના અંતર-અનુભવ દ્વારા નાશ કર્યો છે એવી આઠ વર્ષની બાલિકા પણ સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાની છે. સમ્યગ્દર્શન થયા પછી કદાચિત્ લગ્ન કરે તોપણ તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનાં રાગદ્વેષ છે નહિ. અલ્પ ચારિત્રના દોષને ગૌણ કરીને અહીં કહ્યું કે તેને નવીન કર્મબંધ અવતરતો નથી. ભાઈ! સમ્યગ્દર્શન કોઈ અદ્ભુત ચીજ છે.
‘જ્ઞાનીને પણ પૂર્વ અજ્ઞાન-અવસ્થામાં બંધાયેલા દ્રવ્યાસ્રવો સત્તા-અવસ્થામાં હયાત છે અને તેમના ઉદયકાળે ઉદયમાં આવતા જાય છે.’ જુઓ, કળશમાં પોતપોતાના સમયને અનુસરતા’’-એમ જે કહ્યું હતું તેનો આ અર્થ કર્યો કે જ્ઞાનીને સત્તામાં રહેલાં પૂર્વનાં જડકર્મો પોતાના કાળમાં ઉદયમાં આવે છે. હવે કહે છે-
‘પરંતુ તે દ્રવ્યાસ્રવો જ્ઞાનીને કર્મબંધનું કારણ થતા નથી, કેમકે જ્ઞાનીને સકળ રાગદ્વેષમોહ ભાવોનો અભાવ છે.’ જેને અંદર રહેલા સચ્ચિદાનંદમય ભગવાન આત્માના અવલંબને સમ્યગ્દર્શન થયું તેને મિથ્યાત્વ અને તેને અનુસરીને થનારા રાગદ્વેષ નાશ પામી ગયા. તેથી તેને પૂર્વ દ્રવ્યાસ્રવોનો ઉદય નવીન કર્મબંધનું કારણ થતા નથી. અહીં જે સકળ રાગ-દ્વેષ-મોહનો અભાવ કહ્યો ત્યાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગદ્વેષમોહ સમજવા. સંસારનું મૂળ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય છે. તેથી જે અપેક્ષાએ વાત છે તે યથાર્થ સમજવી. મૂળ-જડનો જ જેણે નાશ કર્યો છે તેવા સમકિતીને રાગદ્વેષમોહ થતા જ નથી અને તેથી તેને પૂર્વ દ્રવ્યાસ્રવો નવા કર્મબંધનું કારણ થતા નથી એમ કહે છે.
ભરત ચક્રવર્તી છ લાખ પૂર્વ ચક્રવર્તી-પદે રહ્યા. એક પૂર્વમાં ૭૦ લાખ પ૬ હજાર કરોડ વર્ષ થાય. એવા છ લાખ પૂર્વ ચક્રવર્તી-પદે રહેવા છતાં તેમને કર્મબંધન થતું ન હતું કારણ કે તેઓ સમકિતી હતા.
ત્યારે કોઈ વળી કહે છે કે તે તો એ જ ભવે મોક્ષ જનાર મહાન પુરુષ હતા, પણ બીજાને તો કર્મબંધન થાય જ ને!
સમાધાનઃ– ભાઈ! મહાન તો આત્મા છે અને તેનો એમને અનુભવ હતો. અનંત સંસારની જડ એવાં મિથ્યાત્વ અને તે પ્રકારના રાગદ્વેષ એમને હતા નહિ.