સમયસાર ગાથા-૧૭૩ થી ૧૭૬ ] [ ૩૦૯ અલ્પ રાગ હતો તેને કારણે કર્મની સ્થિતિ અને રસ પડયો તે પણ અલ્પ હતો. ભરત ચક્રવર્તી મોક્ષગામી હતા પરંતુ કોઈ તે ભવે મોક્ષ ન જાય અને સ્વર્ગમાં જાય તોપણ સમકિતીને દીર્ઘ સંસારના કારણરૂપ એવા રાગદ્વેષમોહ હોતા નથી.
અહીં સમકિતીને રાગદ્વેષમોહ છે જ નહિ એમ કહ્યું ત્યાં અસ્થિરતાના અલ્પ રાગને ગણ્યો નથી એમ સમજવું. બાકી સમકિતીને અસ્થિરતાના કારણે શુભાશુભ બંને ભાવ આવે છે, પરંતુ તેમાં વિશેષતા એ છે કે જ્યાં સુધી તેને અશુભભાવ રહે છે ત્યાં સુધી તેને ભવિષ્યના આયુષ્યનો બંધ પડતો નથી; જ્યારે તે શુભભાવમાં આવે છે ત્યારે ભવિષ્યના આયુષ્યનો બંધ પડે છે. ભરત ચક્રવર્તી તો તે જ ભવે મોક્ષ ગયા એટલે એમને ભવિષ્યના આયુના બંધનો સવાલ નથી, પરંતુ બીજા ચક્રવર્તી કે બળદેવ આદિ કે જે સ્વર્ગમાં વૈમાનિક દેવમાં જાય છે તેને જ્યાં સુધી અશુભ ભાવનો કાળ છે ત્યાં સુધી ભવિષ્યના આયુનો બંધ પડતો નથી.
ચોથે ગુણસ્થાનકે ધર્મીને આર્ત્ત અને રૌદ્ર બન્ને ધ્યાન હોય છે. ઘણા શુભભાવ તેમ જ ઘણા અશુભભાવ આવે છે. સ્ત્રી-સેવનનો અશુભ રાગ પણ આવે છે. પરંતુ તે કાળે ધર્મીને ભવિષ્યના આયુનો બંધ ન પડે એટલું કોઈ ગજબનું સમ્યગ્દર્શનનું જોર છે. અહો! સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનો કોઈ અચિંત્ય અલૌકિક મહિમા છે!
લોકોને કોઈ બહારમાં રાજ્ય, દુકાન કે કુટુંબપરિવાર છોડી દે કે શરીરથી બ્રહ્મચર્ય પાળે તો તેનો મહિમા આવે છે. પરંતુ એમાં શું છે ભાઈ? એમાં તો જો કષાય મંદ હોય તો પુણ્યભાવ છે, પણ મિથ્યાત્વ તો ઊભું જ છે. એમાં ત્યાગ તો જરાય નથી કેમકે મિથ્યાત્વનો જ્યાં ત્યાગ નથી ત્યાં બીજો ત્યાગ જરાય સંભવિત નથી. મિથ્યાત્વનો ત્યાગ થતાં સર્વ રાગ- દ્વેષ-મોહનો ત્યાગ થઈ જાય છે. અહીં કહ્યું ને કે-જ્ઞાનીને સમસ્ત રાગ-દ્વેષ-મોહનો અભાવ છે. ભાઈ! આચાર્ય ભગવાન કઈ શૈલીથી વાત કરે છે તે યથાર્થ સમજવી જોઈએ.
અરે! પણ એને કયાં પડી છે? આખો દિવસ બાયડી-છોકરાં અને વેપાર-ધંધાનું જતન કરવામાં જ ગૂંચાયેલો રહે છે. ત્યાં વળી થોડો વખત મળે તો એવું સાંભળવા મળે કે-વ્રત કરો, તપ કરો, ભક્તિ કરો ઇત્યાદિ; તે વડે તમારું કલ્યાણ થઈ જશે. પરંતુ ભાઈ! એ તો ઊંધી શ્રદ્ધારૂપ મિથ્યાત્વને પોષક-અજ્ઞાનને પોષક પ્રરૂપણા છે.
ભગવાન! જ્યાં પોતે સચ્ચિદાનંદસ્વરૂપે ત્રિકાળ બિરાજે છે ત્યાં દ્રષ્ટિ કરવા જેવી છે. પોતે સદા પરમાત્મસ્વરૂપ જ છે તેની પાસે જવા જેવું છે, અને નિમિત્ત, રાગ ને પર્યાય તરફ પીઠ કરવા જેવી છે. સમજાણું કાંઈ...?
ત્યારે કોઈ વળી કહે છે કે-‘સમાધિ શતક’ શાસ્ત્રમાં અવ્રતના પરિણામને તડકાની અને વ્રતના પરિણામને છાયાની ઉપમા આપી છે ને?