૩૧૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
સમાધાનઃ– હા, પરંતુ એ વ્રત કોને હોય? ભાઈ! જેને અંતરના અવલંબને આત્મજ્ઞાન થયું છે એની ત્યાં વાત છે. વિના આત્મજ્ઞાન અવ્રતના પરિણામ તડકો અને વ્રતના પરિણામ છાંયો-એમ છે નહિ. જેને આત્માના અનુભવસહિત સમ્યગ્દર્શન થયું છે એવા સમકિતીને અવ્રતના અશુભભાવમાં રહેવું એ તડકો છે. જ્યારે તે વ્રતના શુભમાં આવે છે ત્યારે તે વ્રત- પરિણામ છાંયા સમાન છે. જ્યારે સમકિતીને અંદર વીતરાગી શાંતિ વધી જાય છે, વૈરાગ્યના પરિણામ દ્રઢતર થાય છે ત્યારે તેને સાથે વ્રતના વિકલ્પ આવે છે એની ત્યાં વાત છે.
અહીં હવે વિશેષ ખુલાસો કરે છે કે-‘અહીં સકળ રાગદ્વેષમોહનો અભાવ બુદ્ધિપૂર્વક રાગદ્વેષમોહની અપેક્ષાએ સમજવો.’ મતલબ કે જ્ઞાનીને જે સર્વ રાગદ્વેષમોહનો અભાવ કહ્યો તે બુદ્ધિપૂર્વક એટલે રુચિપૂર્વકના રાગદ્વેષમોહની અપેક્ષાએ સમજવું. પંડિત રાજમલજીએ ‘બુદ્ધિપૂર્વક’નો બીજો અર્થ ‘જાણવામાં આવે તે’-એમ કર્યો છે પરંતુ એ વાત અહીં નથી. અહીં તો અભિપ્રાયમાં જ્ઞાનીને સર્વ રાગદ્વેષમોહનો અભાવ છે એની વાત છે.
લોકો પૂછે છે ને કે-રાગ કેમ ટળે? ભાઈ! પોતે ચિદાનંદઘનસ્વરૂપ પરમાત્મા છે તેને સ્પર્શ કરતાં એટલે કે તેમાં એકાગ્ર થઈ પરિણમતાં રાગનો નાશ થઈ જાય છે. આ સિવાય રાગના નાશનો બીજો કોઈ ઉપાય નથી.
અરે! સંસારના કામ આડે એને આ સાંભળવા અને સમજવાની કયાં નવરાશ છે? ઘરે પોતાને દીકરો ન હોય તો કોઈ બીજાનો દીકરો ગોદમાં લે પણ સંસારનું લપ તો અંદર રાખે જ. અરે! આ સંસારીઓની કેવી રીત! બીજાના દીકરાને ગોદે લેવા કરતાં જે પૈસા હોય તે ધર્મકાર્યમાં ખર્ચે તો શુભભાવ થાય, અને સમય તત્ત્વ-વિચારમાં કાઢે તો આત્મકલ્યાણ પણ થાય.
હા, પણ ગોદમાં લેવાથી પોતાનો વંશ રહે ને? પૈસા ધર્મકાર્યમાં ખર્ચે એમાં વંશ કયાં રહે?
સમાધાનઃ– કોનો વંશ ભાઈ? આ જડ દેહનો વંશ? ભારે વિચિત્ર સંસાર! ભાઈ! એ દેહના વંશની રુચિ અનંત જન્મ-મરણના દુઃખમાં નાખનારી છે. એ બધા લપને છોડી આ શાસ્ત્ર શું કહે છે એનું શ્રવણ, ચિંતન અને મનન કરવાની ફુરસદ લેવી જોઈએ.
હવે આ જ અર્થ દ્રઢ કરનારી બે ગાથાઓ આવે છે તેની સૂચનિકારૂપ શ્લોક કહે છેઃ-