સમયસાર ગાથા ૧૭૩ થી ૧૭૬ ] [ ૩૧૧
અસંભવ છે ‘ततः एव’ તેથી ‘अस्य बंधः न’ તેને બંધ નથી.
જુઓ તો ખરા! આ શું કહે છે? કે ચોથે ગુણસ્થાનકે સમકિતીને-જ્ઞાનીને રાગદ્વેષમોહ એટલે કે દુઃખ નથી. ખરેખર તો અહીં મિથ્યાત્વનો નાશ થયો છે તેથી તે સંબંધી રાગદ્વેષમોહ નથી એમ કહેવું છે. આથી કોઈ એમ સમજી લે કે સર્વથા રાગદ્વેષ કે દુઃખ નથી અર્થાત્ એકલું સુખ જ સુખ છે તો એમ નથી. સાચા ભાવલિંગી સંત કે જેને આત્મજ્ઞાન સહિત પ્રચુર સ્વસંવેદન વર્તે છે તેને પણ છઠ્ઠે ગુણસ્થાનકે કિંચિત્ રાગ, અશુદ્ધતા અને દુઃખ છે. અહીં આ કળશમાં તો બુદ્ધિપૂર્વક એટલે રુચિપૂર્વકના આસ્રવના અભાવની અપેક્ષાએ વાત છે.
અઢી દ્વીપની બહાર સ્વયંભૂરમણ સમુદ્રમાં એક સમકિતીએ અસંખ્ય મિથ્યાદ્રષ્ટિ-એ રીતે અસંખ્ય સમકિતી પાંચમે ગુણસ્થાનકે છે. એવી જ રીતે અવિરત સમ્યગ્દ્રષ્ટિ તિર્યંચ પણ ત્યાં અસંખ્ય છે. તે બધા જ્ઞાની છે તેથી તે બધાને અહીં જે અપેક્ષાએ કહેવામાં આવે છે તે અપેક્ષાએ રાગદ્વેષમોહનો અભાવ છે, અને તેથી તેમને બંધ નથી. તે પાણીમાં એક હજાર જોજન એટલે ચાર હજાર ગાઉ લાંબોં મગરમચ્છ રહે છે. તે દરિયાનું પાણી પીવે છે જે પાણીના બિંદુમાં અસંખ્ય જીવ રહેલા છે; ત્યાં ગરણું નથી કે પાણી ગળીને પીવે. છતાં તેને એનું પાપ અલ્પ છે અને બંધન પણ અલ્પ છે. સમ્યગ્દર્શનની અપેક્ષાએ (દ્રષ્ટિની મુખ્યતાએ) તેને આસ્રવ અને બંધ નથી અને ચારિત્રની અલ્પ અસ્થિરતા છે તેની અપેક્ષાએ જોવામાં આવે તો અલ્પ અસ્થિરતા છે અને અલ્પ બંધ પણ છે. કોઈને એમ થાય કે આ કેવું? ઘડીકમાં છે ને ઘડીકમાં નથી! ભાઈ! જ્યાં જે અપેક્ષાએ વાત હોય તે યથાર્થ સમજવી જોઈએ.
જ્ઞાનીને રાગદ્વેષમોહનો અસંભવ છે તેથી તેને બંધ નથી-એ પરથી કોઈ એમ સમજે કે જ્ઞાની કરોડો પૂર્વ મોટા રાજપાટમાં અને હજારો સ્ત્રીઓના ભોગમાં રહે, જેનો એક કોળિયો છન્નું કરોડનું પાયદળ ન પચાવી શકે એવા બત્રીસ કોળિયાનું ભોજન કરે છતાં તેને બંધ નથી તો તે બરાબર નથી. તેને અલ્પ અસ્થિરતાનો રાગ છે અને તેટલું બંધન પણ છે. ચક્રવર્તી છન્નુ હજાર રાણીઓને ભોગવે છતાં તેના ભોગને નિર્જરાનું કારણ કહ્યું છે માટે તેને સર્વથા બંધ થતો જ નથી એમ કોઈ માને તો તે યથાર્થ નથી. તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય નથી અને અનંત સંસારના કારણભૂત બંધ એ જ હોવાથી એના (મિથ્યાત્વાદિના) અભાવની અપેક્ષાએ બંધ નથી, નિર્જરા છે એમ કહ્યું છે. ત્યાં કોઈ પકડી લે કે-લ્યો, ભોગને નિર્જરાનું કારણ કહ્યું છે તો ભાઈ! તું અપેક્ષા સમજ્યો નથી. ભાઈ! તું ધીરજથી સાંભળ.