૩૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ દ્રષ્ટિપૂર્વક સ્વભાવની રુચિમાં રાગનો અભિપ્રાય છૂટી જાય છે તેથી દ્રષ્ટિનો મહિમા દર્શાવવા જ્ઞાનીના ભોગને નિર્જરાનું કારણ કહ્યું છે; અન્યથા જે પંચમહાવ્રતના શુભ પરિણામને બંધનું કારણ કહે તે શું ભોગના અશુભ પરિણામને નિર્જરાનું કારણ કહે? ભાઈ! તું અપેક્ષા ન સમજે અને (એકાંતે) તાણે તો એ ન ચાલે બાપા!
નિર્જરા અધિકારમાં એક બીજી વાત આવે છે કે-‘‘હે સમકિતી! તું પરદ્રવ્યને ભોગવ.’’ હવે આત્મા જ્યાં પરદ્રવ્યને ભોગવી શકતો નથી ત્યાં તું એને ભોગવ એમ કહે એનો અર્થ શું? ભાઈ! ત્યાં પરદ્રવ્યના કારણે તને અપરાધ છે એવી વિપરીત દ્રષ્ટિ છોડાવવાની વાત છે. એમ કે પરદ્રવ્યના કારણે તને અપરાધ-નુકશાન થાય છે એવી મિથ્યા માન્યતા છોડી દે. તારા અપરાધથી તને બંધ છે એમ ત્યાં સિદ્ધ કરવું છે.
જ્ઞાનીને કિંચિત્ રાગ હોય છે પણ એ તો અસ્થિરતાનો દોષ છે, અને તે સ્વરૂપના ઉગ્ર અવલંબને ક્રમશઃ મટી જાય છે. શાસ્ત્રમાં કહ્યું છે ને કે-
‘સિજ્ઝંતિ ચરિયભટ્ટા દંસણભટ્ટા ણ સિજ્ઝંતિ’ (દર્શનપાહુડ) મતલબ કે વ્રત, તપ આદિરૂપ પુણ્યભાવથી ધર્મ થાય એમ જે માને છે તે આત્મા દર્શનથી ભ્રષ્ટ છે અને તેનો મોક્ષ થતો નથી કેમકે જે દર્શનથી ભ્રષ્ટ છે તે જ્ઞાન અને ચારિત્રથી પણ ભ્રષ્ટ છે. મિથ્યાદ્રષ્ટિને આત્માનાં રુચિ, જ્ઞાન કે ચારિત્ર એકેય હોતાં નથી. જ્યારે સમકિતી ચારિત્રથી રહિત હોય છતાં તેને સમ્યક્દર્શન છે એટલે વર્તમાનમાં પુરુષાર્થની ઓછપના કારણે કિંચિત્ અસ્થિરતાનો દોષ છે તેને તે (હેયપણે) જાણે છે અને ક્રમે અંતરના ઉગ્ર અવલંબનના પુરુષાર્થ વડે તેનો તે નાશ કરી દે છે.
ભાઈ! વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિના પરિણામ શુભભાવ છે અને તે દોષ છે. સમયસારમાં આલોચનનો જ્યાં પાઠ છે ત્યાં શુભભાવ છે તે વર્તમાન દોષ છે એમ કહ્યું છે; માટે તો તેનું (આત્માના આશ્રયે) આલોચન કરે છે. પરંતુ અત્યારે બહુ ફેરફાર થઈ ગયો! લોકોએ વીતરાગના માર્ગને ચુંથી ચુંથીને રાગમાં રગડી નાખ્યો છે.
ભાઈ! ભગવાન કેવળી પરમાત્માનો માર્ગ વીતરાગતાનો માર્ગ છે, અને તે વીતરાગ પર્યાયથી ઉત્પન્ન થાય છે. રાગની પર્યાય વડે વીતરાગ માર્ગ કદીય ઉત્પન્ન ન થાય. ચોથે ગુણસ્થાને સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનો જે અંશ છે તે વીતરાગ પર્યાય છે અને તે પર્યાય રાગના આશ્રયે ઉત્પન્ન થઈ નથી, પણ પોતાના ત્રિકાળી વીતરાગસ્વભાવના આશ્રયે ઉત્પન્ન થઈ છે.