૩૧૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ શું છે? તો એમ ન ચાલે. (એવો બચાવ કરનાર તો સમકિતી જ નથી). સમકિતીને જે કિંચિત્ અસ્થિરતા છે તે ચારિત્રનો દોષ છે અને તેનું એને અલ્પ બંધન પણ છે. ઠેઠ દસમા ગુણસ્થાને જ્યાં અબુદ્ધિપૂર્વકનો રાગ છે ત્યાં પણ મોહ તથા આયુ કર્મ સિવાય છ કર્મનું બંધન પડે છે. સમકિતીને જ્યાં સુધી શુભરાગ છે ત્યાં સુધી એ દોષ છે; પરંતુ મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગદ્વેષ જેવો એ મહા દોષ નથી.
અરે! જગતમાં અજ્ઞાનીઓ શાસ્ત્ર વાંચવાથી, ભગવાનની પ્રતિમાના દર્શનથી, ભગવાનની ભક્તિથી સમ્યગ્દર્શન થશે એમ માને છે. વળી શુભરાગ કરતાં કરતાં સમકિત પ્રગટશે એમ પરસ્પર આચાર્યપણું કરે છે; આચાર્યપણું એટલે માંહોમાંહે એકબીજાને ઉપદેશે છે. તેઓ કહે છે-પંચમકાળમાં અત્યારે આ જ કરી શકાય અને આ જ (શુભરાગ જ) કરવા જેવું છે. કંઈક (પુણ્યભાવ) કરો, કરો; કંઈક કરશો તો કલ્યાણ થશે.
તેમને અહીં સ્પષ્ટ કહે છે કે રાગથી ભિન્ન પડીને આત્માનુભવ કરે તેને સમ્યગ્દર્શન થાય છે અને સમકિતીને રાગદ્વેષમોહનો અભિપ્રાય હોતો નથી. ભાઈ! પરમાર્થનો આ એક જ પંથ છે. પાંચમા આરામાં રાગથી (ધર્મ) થાય અને ચોથા આરામાં ભેદજ્ઞાનથી થાય-શું એમ છે? (ના). અરે! લોકોએ બહુ ફેરફાર કરી નાખ્યો છે! રાગથી પ્રાપ્તિ થાય એવી વાતો પરસ્પર હોંશથી કરે છે અને હોંશથી સાંભળે છે પણ પોતે નિર્મળાનંદનો નાથ શુદ્ધ ચૈતન્યમય ભગવાન સદા રાગથી ભિન્ન અંદર પડયો છે એની એને ખબર નથી. અરે ભાઈ! એક વાર અંદર ડોકિયું કરી એની શ્રદ્ધા તો કર; તેથી તને લાભ થશે, સમકિત થશે. પણ એને કયાં નવરાશ છે?
બિચારાને આખો દિવસ-ચોવીસે કલાક સંસારમાં-વેપાર-ધંધો અને બાયડી-છોકરાં આદિનું જતન કરવામાં-પાપમાં ચાલ્યો જાય છે. ધર્મ તો કયાંય રહ્યો, પુણ્યેય એને કયાંથી મળે? (પુણ્યનાં પણ એને ઠેકાણાં નથી). આખો દિ આમ રળવું અને આમ કમાવું, માલ આમ લાવવો અને આમ વેચવો, આમ વખારમાં નાખવો અને આમ સંભાળ કરવી-ઇત્યાદિ અનેક વિકલ્પો કરી આખો દિ પાપ જ પાપ ઉપજાવે છે. પાપ, પાપ ને પાપમાં પડેલા તેને ધર્મબુદ્ધિ કેમ થાય?
આત્માનો વેપાર તો રાગરહિત થવું તે છે. મોક્ષના પંથે જવું છે જેને એવા મોક્ષાર્થીએ તો કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિ પ્રગટ કરવાની છે. શું (જેનાથી ભિન્ન થયું છે એવા) રાગને રાખીને ભેદજ્ઞાન થાય? (ન થાય). વીતરાગની વાણીમાં તો રાગથી ભિન્ન પડીને વીતરાગ દશા પ્રગટ કરવાની વાત છે. જન્મ-મરણનો અંત લાવવો હોય તો બાપુ! આ વાત છે. બાકી તો પુણ્યેય અનંતવાર કર્યાં અને એના ફળમાં સ્વર્ગમાં પણ અનંતવાર ગયો. ભગવાનના સમોસરણમાં પણ અનંતવાર