પર્યાયને ગૌણ કરી આ એકનો જ અનુભવ અમને હો, અમને પૂર્ણ વીતરાગતા થાઓ એમ પ્રાર્થના છે.
ભગવાન આત્મામાં જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણો છે-શક્તિઓ છે. તેની વર્તમાન સ્વાભાવિક અવસ્થાઓ તથા કર્મના નિમિત્તથી થતા દયા, દાન આદિ વા હિંસા જૂઠ, આદિના ભાવો તે વિકારી અવસ્થાઓ છે. એ બધા પોતાના ગુણ- પર્યાયોરૂપ ભેદોમાં આત્મા વ્યાપેલો છે, રહેલો છે, પ્રસરેલો છે. આવો આત્મા શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો એટલે શુદ્ધનયથી એક જ્ઞાયકમાત્ર આત્મા દેખાડવામાં આવ્યો. તેને સર્વ અનેરાં દ્રવ્યો અને દ્રવ્યોના ભાવોથી ન્યારો દેખવો, શ્રદ્ધવો તે નિયમથી સમ્યગ્દર્શન છે. શરીર, મન, વાણી તથા કર્મ અને તેના નિમિત્તથી થતા જે પર્યાયગત રાગાદિ ભાવો તે સર્વથી ભિન્ન અખંડ એક જ્ઞાયકમાત્રની શ્રદ્ધા-પ્રતીતિ કરવી તે નિશ્ચય સમ્યગ્દર્શન છે.
વ્યવહારનય, વસ્તુને ભેદરૂપ જોનારું જ્ઞાન, આત્માને અનેકરૂપ બતાવે છે. એ આત્માને ગુણભેદવાળો, પર્યાયવાળો, રાગવાળો, નવતત્ત્વવાળો એમ કહી સમ્યગ્દર્શનને અનેક ભેદરૂપ કહે છે. પણ એ સાચું સમ્યગ્દર્શન નથી, કેમકે ત્યાં વ્યભિચાર (દોષ) આવે છે. ભગવાન આત્મા એકરૂપ ચૈતન્યસ્વરૂપ છે. એમાં નવતત્ત્વની શુદ્ધ-અશુદ્ધ પર્યાય ભેળવીને શ્રદ્ધા કરે તો તે વ્યવહાર સમકિત છે, તે રાગ છે. તે યથાર્થ સમ્યગ્દર્શન નથી કેમકે ત્યાં વ્યભિચારનો દોષ આવે છે. એમાં નિશ્ચય સમ્યગ્દર્શન હોવાનો નિયમ નથી. વ્યવહારથી નવતત્ત્વની શ્રદ્ધાનો વિકલ્પ કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ હોતાં નિશ્ચય સમ્યગ્દર્શન હોવાનો નિયમ નથી. શુદ્ધનયની હદે પહોંચતાં રાગ અને ભેદ દેખાતા નથી, પણ નિર્વિકલ્પ અનુભવ થાય છે, એકલો જ્ઞાયક ચૈતન્યમૂર્તિ પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્મા, જણાય છે. ત્યાં વ્યભિચાર નથી તેથી નિયમથી તે સમ્યગ્દર્શન છે. નવતત્ત્વની શ્રદ્ધા, જ્ઞાયકદ્રવ્ય અને તેની વર્તમાન પર્યાય સહિત વસ્તુની શ્રદ્ધા એ બધું વ્યવહાર સમકિત છે એમ વ્યવહારનય સમકિતના અનેક ભેદ પાડે છે. ત્યાં વ્યભિચાર છે તેથી તે યથાર્થ સમ્યગ્દર્શન નથી. (શ્રદ્ધાનો બાહ્ય વિકલ્પ અને નિર્વિકલ્પ શ્રદ્ધા બે જુદી જુદી ચીજ છે.)
ક્ેવો છે શુદ્ધનયનો વિષયભૂત તે આત્મા? પૂર્ણજ્ઞાનઘન છે. જ્ઞાનનો પિંડ છે જેમાં શરીર, મન, વચન, કર્મનો તો પ્રવેશ નથી, પણ પર્યાયમાં જે દયા, દાન આદિ વિકલ્પરાગ ઊઠે તેનો પણ પ્રવેશ નથી. શુદ્ધનયની હદે પહોંચતાં આત્મા લોકાલોકને જાણવાની શક્તિવાળો સર્વજ્ઞસ્વભાવી જણાય છે. આવા આત્માનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. એ