સમ્યગ્દર્શન પ્રગટયું તે આત્માનું જ પરિણામ છે, આત્માથી ભિન્ન નથી તેથી આત્મા જ છે, અન્ય કાંઈ નથી.
હવે ઝીણો ન્યાય આવે છે. વસ્તુનું જેવું સ્વરૂપ છે તેમ જ્ઞાનને દોરી જવું તે ન્યાય છે. આ તો સર્વજ્ઞભગવાને કહેલા ન્યાય છે.
અહીં એટલું વિશેષ જાણવું કે-નય છે તે શ્રુતપ્રમાણનો અંશ છે, તેથી શુદ્ધનય પણ શ્રુતપ્રમાણનો જ અંશ થયો. શ્રુતપ્રમાણ એટલે? જે જ્ઞાનની પર્યાય દ્રવ્ય-ગુણ-પર્યાય બધાને જાણે તે શ્રુતજ્ઞાનપ્રમાણ કહેવાય. એ પ્રમાણનો એક ભાગ શુદ્ધનય છે. તે ત્રિકાળી શુદ્ધ ધ્રુવ આત્માને જુએ છે. તેનો બીજો ભાગ વ્યવહારનય છે. તે વર્તમાન પર્યાય, રાગાદિને જાણે છે. જે ધ્રુવ, નિત્યાનંદ જ્ઞાયકભાવ તેને જોનાર શ્રુતજ્ઞાનના અંશને શુદ્ધનય કહે છે. એ નય એકલા શુદ્ધ ત્રિકાળીને જુએ છે તેથી શુદ્ધનય કહેવાય છે.
હવે શ્રુતપ્રમાણ છે તે પરોક્ષ પ્રમાણ છે. એમાં આત્મા પ્રત્યક્ષ ન દેખાય. જેમ કેવળજ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ જણાય એમ શ્રુતજ્ઞાનમાં પ્રત્યક્ષ ન જણાય. શ્રુતજ્ઞાન પરોક્ષ પ્રમાણ છે કારણ કે ત્યાં વસ્તુને સર્વજ્ઞના આગમના વચનથી જાણી છે. વસ્તુ જે છે ભગવાન આત્મા એ તો અરૂપી છે, તેમાં રૂપ, રસ, ગંધ, વર્ણ નથી. તે તો અનંત ગુણોનો પિંડ ચૈતન્યઘન અરૂપી છે. એ વસ્તુને સર્વજ્ઞના આગમના વચનથી જાણી છે. પાંચમી ગાથામાં આવ્યું હતું ને કે આગમની ઉપાસનાથી નિજવિભવ પ્રગટયો છે. એટલે આગમના વચનોથી આત્મા પૂર્ણ શુદ્ધ વસ્તુ જાણી છે. ત્યાં આગમ કોને કહેવું? કે જે ત્રિકાળી આત્મા આનંદનો નાથ પ્રભુ પ્રગટ સર્વજ્ઞદશાને પ્રાપ્ત છે એની જે ૐકાર દિવ્યધ્વનિ નીકળી તેને આગમ કહે છે. અજ્ઞાનીએ કહેલાં હોય તે આગમ નહીં. સર્વજ્ઞની વાણીને શાસ્ત્ર અથવા પરમાગમ કહેવાય છે. વસ્તુ પ્રત્યક્ષ જોઈને જાણેલી નથી પરંતુ સર્વજ્ઞના આગમથી જાણી છે કે આ જ્ઞાયક પૂર્ણ છે તે આ છે. શ્રુતજ્ઞાન પરોક્ષ કેમ છે તે સિદ્ધ કરે છે. સર્વજ્ઞના આગમથી લક્ષમાં આવ્યું કે વસ્તુ અખંડ આનંદરૂપ પૂર્ણ ચૈતન્યરૂપ છે. શ્રીમદે કહ્યું છે ને? ‘લક્ષ થવાને તેહનું, કહ્યાં શાસ્ત્ર સુખદાયી’ ગુરુ પણ સર્વજ્ઞની વાણી અનુસાર શાસ્ત્ર કહે છે.
નય છે તે શ્રુતપ્રમાણનો અંશ છે. તેથી શુદ્ધનય પણ શ્રુતપ્રમાણનો અંશ થયો. શ્રુતપ્રમાણ તે પરોક્ષ પ્રમાણ છે. તેથી આ શુદ્ધનય, સર્વ દ્રવ્યોથી જુદા, આત્માની સર્વ પર્યાયોમાં વ્યાપ્ત, પૂર્ણ ચૈતન્ય કેવળજ્ઞાનરૂપ-સર્વ લોકાલોકને જાણનાર, અસાધારણ ચૈતન્યધર્મને પરોક્ષ દેખાડે છે. અહીં કેવળજ્ઞાન એટલે વ્યક્ત પર્યાય નહીં પણ એકલું જ્ઞાન, જ્ઞાન, ત્રિકાળ ધ્રુવ જ્ઞાન સમજવું. જેમ આત્મા ત્રિકાળધ્રુવ છે એમ એનો જ્ઞાનગુણ