Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1916 of 4199

 

સમયસાર ગાથા-૧૯૩ ] [ સામગ્રી પ્રત્યે રાગ નથી. તે જાણે છે કે “આ (ભોગની સામગ્રી) પરદ્રવ્ય છે, મારે અને તેને કાંઇ નાતો નથી; કર્મના ઉદયના નિમિત્તથી તેનો અને મારો સંયોગ-વિયોગ છે”. જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય આવીને પીડા કરે છે અને પોતે બળહીન હોવાથી પીડા સહી શકતો નથી ત્યાં સુધી-જેમ રોગી રોગની પીડા સહી શકે નહિ ત્યારે તેનો ઔષધિ આદિ વડે ઇલાજ કરે છે તેમ-ભોગોપભોગસામગ્રી વડે વિષયરૂપ ઇલાજ કરે છે; પરંતુ જેમ રોગી રોગને કે ઔષધિને ભલી જાણતો નથી તેમ સમ્યગ્દ્રષ્ટિ ચારિત્રમોહના ઉદયને કે ભોગોપભોગસામગ્રીને ભલી જાણતો નથી. વળી નિશ્ચયથી તો, જ્ઞાતાપણાને લીધે સમ્યગ્દ્રષ્ટિ વિરાગી ઉદયમાં આવેલા કર્મને માત્ર જાણી જ લે છે, તેના પ્રત્યે તેને રાગદ્વેષમોહ નથી. આ રીતે રાગદ્વેષમોહ વિના જ તેના ફળને ભોગવતો હોવાથી તેને કર્મ આસ્રવતું નથી, આસ્રવ વિના આગામી બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ તો પોતાનો રસ દઇને ખરી જ જાય છે કારણ કે ઉદયમાં આવ્યા પછી કર્મની સત્તા રહી શકે જ નહિ. આ રીતે તેને નવો બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ નિર્જરી ગયું તેથી તેને કેવળ નિર્જરા જ થઇ. માટે સમ્યગ્દ્રષ્ટિ વિરાગીના ભોગોપભોગને નિર્જરાનું જ નિમિત્ત કહેવામાં આવ્યો છે. પૂર્વ કર્મ ઉદયમાં આવીને તેનું દ્રવ્ય ખરી ગયું તે દ્રવ્યનિર્જરા છે.

*
નિર્જરા અધિકાર

હવે નિર્જરા અધિકાર કહે છે. ત્યાં સંવરપૂર્વક અશુદ્ધતાનો નાશ થવો, શુદ્ધતાની વૃદ્ધિ થવી તથા તે કાળે દ્રવ્યકર્મનું સ્વયં ખરી જવું-નિર્જરી જવું તેને નિર્જરા કહે છે. નિર્જરાના ત્રણ પ્રકારઃ-

૧. આત્મજ્ઞાન થતાં સ્વરૂપમાં રમણતા થવા વડે જે દ્રવ્યકર્મનો નાશ થાય છે તે દ્રવ્યનિર્જરા છે.

૨. ત્યારે જે અશુદ્ધતાનો નાશ થાય છે તે ભાવનિર્જરા છે; આ નાસ્તિથી નિર્જરાનું સ્વરૂપ છે. તથા ત્યાં

૩. જે શુદ્ધતાની વૃદ્ધિ થાય છે તે અસ્તિ સ્વરૂપથી ભાવનિર્જરા છે. શુદ્ધોપયોગ તે ભાવનિર્જરા છે.

જે કર્મનો નાશ થાય છે તે સ્વયં તેના કારણે થાય છે; તે કાંઈ વાસ્તવિક નિર્જરા નથી; પર્યાયમાં અશુદ્ધતાનો નાશ થઈ શુદ્ધિની વૃદ્ધિ થવી તે વાસ્તવિક નિર્જરા છે. સંવર એટલે આત્મામાં શુદ્ધિની ઉત્પત્તિ થવી અને નિર્જરા એટલે શુદ્ધિની વૃદ્ધિ થવી. આત્મામાં શુદ્ધિની ઉત્પત્તિ થાય તે સંવર, શુદ્ધિની વૃદ્ધિ થાય તે નિર્જરા અને શુદ્ધિની પૂર્ણતા થવી તે મોક્ષ છે.