૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
પુણ્ય-પાપના ભાવમાં રોકાવાથી નવો બંધ થાય છે. સંત કહેતાં સાધુ પુરુષો શુભાશુભભાવનો નિરોધ કરીને નવા બંધને હણી દે છે, અટકાવે છે; અને પૂર્વના ઉદયમાં સમ એટલે સમતાભાવપણે રહે છે. આનું નામ નિર્જરા છે. પંડિત શ્રી જયચંદજી કહે છે- આવા નિર્જરાવંત સંત પુરુષોને હું નમસ્કાર કરું છું.
હવે, ‘પ્રથમ ટીકાકાર આચાર્ય મહારાજ કહે છે કે-“હવે નિર્જરા પ્રવેશ કરે છે”. અહીં તત્ત્વોનું નૃત્ય બતાવવું છે ને? આત્મા શુદ્ધપણે પરિણમે તે સંવર તત્ત્વનું નૃત્ય છે અને શુદ્ધિની વૃદ્ધિપણે પરિણમે તે નિર્જરા તત્ત્વનું નૃત્ય છે. તેથી કહે છે-‘જેમ નૃત્યના અખાડામાં નૃત્ય કરનાર સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે છે તેમ અહીં રંગભૂમિમાં નિર્જરાનો સ્વાંગ પ્રવેશ કરે છે.’ ભાઈ! આ જેટલી પર્યાય છે તે બધીય જુદા જુદા સ્વાંગ છે; પર્યાય છે તે દ્રવ્યનો સ્વાંગ છે.
હવે, સર્વ સ્વાંગને યથાર્થ જાણનારું જે સમ્યગ્જ્ઞાન છે તેને મંગળરૂપ જાણીને આચાર્યદેવ મંગળ અર્થે પ્રથમ તેને જ-નિર્મળ જ્ઞાનજ્યોતિને જ-પ્રગટ કરે છેઃ-
‘परः संवरः’ પરમ સંવર, ‘रागादि–आस्रव–रोधतः’ રાગાદિ આસ્રવોને રોકવાથી ‘निजधुरां धृत्वा’ પોતાની કાર્યધુરાને ધારણ કરીને ‘समस्तम् आगामि कर्म’ સમસ્ત આગામી કર્મને ‘भरतः दूरात् एव’ અત્યંતપણે દૂરથી જ ‘निरुन्धन् स्थितः’ રોકતો ઊભો છે.
શું કહ્યું? આત્મામાં રાગનો અભાવ થઈને વીતરાગી પરિણતિનું થવું તે પરમ સંવર છે. ભાઈ! આ વીતરાગી માર્ગ છે અને તેથી એમાં આત્માના આશ્રય જેટલી વીતરાગ પરિણતિ પ્રગટ થાય છે તેને સંવર નામ ધર્મ કહે છે. આસ્રવને રોકતાં સંવર થાય છે. કોઈ પંચમહાવ્રતના પરિણામને ધર્મ-સંવર કહે તો તે બરાબર નથી કેમકે એ તો આસ્રવભાવ છે. પુણ્યના સઘળા પરિણામ આસ્રવ છે અને બધાય રાગાદિ આસ્રવોને રોકવાથી સંવર થાય છે-એમ કહે છે.
આવો સંવર પોતાની કાર્યધુરાને ધારણ કરે છે અર્થાત્ પોતાના કાર્યને (-ફરજને) બરાબર સંભાળે છે. જેમ પગારદાર માણસને તેની ડયુટી (-ફરજ) હોય છે ને? તેમ સંવરની આ ડયુટી (-ફરજ) છે કે-શુદ્ધ ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિપૂર્વક પુણ્ય-પાપના ભાવને રોકીને નિર્મળ વીતરાગ પરિણતિ પ્રગટ કરવી. સંવરની આ કાર્યધુરા છે અને