૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ અર્થ એ છે કે-પુદ્ગલની જે કર્મરૂપ પર્યાય હતી તે હવે નિર્જરીને અકર્મરૂપે થઈ જાય છે. કર્મનું અકર્મરૂપે થવું તે કર્મ-પુદ્ગલનું કાર્ય પુદ્ગલમાં છે અને કેવળજ્ઞાનાદિ શુદ્ધતા થવી તે ચૈતન્યનું કાર્ય છે. તેથી ઘાતીકર્મ નાશ થયાં માટે કેવળજ્ઞાન થયું વા કેવળજ્ઞાન કર્મનું કાર્ય છે એમ નથી.
જુઓ, અહીં નિર્જરાની વ્યાખ્યા કરી છે કે પૂર્વે (સંવર થયા પહેલાં) બંધાયેલાં કર્મોનો નાશ કરીને નિર્જરા એટલે આત્માનું શુદ્ધતારૂપ પરિણમન ફેલાય છે એટલે વૃદ્ધિ પામે છે. અહાહા...! ચૈતન્યપ્રકાશનો પુંજ-અનંત ચૈતન્યપ્રકાશનો સાગર પ્રભુ આત્મા છે. તેને, પૂર્વના કર્મોનો નાશ કરીને અર્થાત્ પર્યાયમાં રહેલી અશુદ્ધતાનો નાશ કરીને પૂર્ણ શુદ્ધતાનો પ્રકાશ-જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. એ જ કહે છે-
જે પૂર્વે બંધાયેલું કર્મ છે તેને બાળવાને હવે નિર્જરા ફેલાય છે ‘यतः’ કે જેથી ‘ज्ञानज्योतिः’ જ્ઞાનજ્યોતિ ‘अपावृत्तं’ નિરાવરણ થઈ થકી ‘रागादिभिः न हि मूर्छति’ રાગાદિભાવો વડે મૂર્છિત થતી નથી-સદા અમૂર્છિત રહે છે.
પહેલાં (મિથ્યાત્વદશામાં) રાગમાં તે મૂર્છિત થઈ હતી તે હવે (સંવર-નિર્જરા પ્રગટતાં) મૂર્છિત થતી નથી; અરે અસ્થિર પણ થતી નથી, અર્થાત્ રાગ-વિકલ્પ થતો નથી એમ કહે છે. રાગ કોને કહેવો? કે આત્મામાં પર તરફના વલણવાળી વૃત્તિનું ઉત્થાન થવું તે રાગ છે. હવે પર તરફના વલણવાળી વૃત્તિ નાશ પામી જતાં જે જ્ઞાન છે તે નિશ્ચલ થઈ અંદર સ્વભાવમાં ઠર્યું છે-સ્થિત થયું છે. જુઓ, આનું નામ ભેદવિજ્ઞાન છે, સંવર છે અને સંવરપૂર્વક નિર્જરા છે.
પુણ્ય ને પાપના ભાવથી ભિન્ન ભગવાન આત્માનું અવલંબન લેતાં જે શુદ્ધિ પ્રગટ થઈ અને જે વડે નવાં કર્મ આવતાં રોકાયાં તે સંવર છે. આવો સંવર થયા પછી નવાં કર્મ બંધાતાં નથી અને જે પૂર્વે બંધાયાં હતાં તે કર્મો નિર્જરી જાય છે, ખરી જાય છે. અને જ્યારે કર્મ ખરી જાય છે ત્યારે જ્ઞાનજ્યોતિ નિરાવરણ થાય છે અર્થાત્ જ્ઞાનનું આવરણ દૂર થાય છે. ભાષા તો વ્યવહારથી એમ છે કે-જ્ઞાનસ્વરૂપી ચૈતન્ય-ભગવાન આત્માનું આવરણ દૂર થાય છે. વાસ્તવમાં તો જ્ઞાન, જ્ઞેયપણે (રાગાદિપણે) પરિણમે તે જ એનું ખરું આવરણ છે. જ્ઞાનનું વિપરીતપણે પરિણમવું એ તેનું ભાવ-આવરણ છે, અને દ્રવ્યઆવરણ (જડકર્મ) તો એમાં નિમિત્તમાત્ર છે. જ્યારે જ્ઞાન જ્ઞાનમાં સ્થિત થઈ જ્ઞાનભાવે પરિણમે છે ત્યારે ભાવઆવરણ દૂર થઈ જાય છે અને ત્યારે સ્વયં દ્રવ્ય-આવરણ (જડકર્મ) પણ દૂર થઈ જાય છે.
‘જ્ઞાનજ્યોતિ નિરાવરણ થઈ થકી’ અર્થાત્ જ્ઞાનનું આવરણ દૂર થવાથી-એમ પાઠમાં વાંચીને-સાંભળીને અજ્ઞાની દલીલ કરે છે કે-જુઓ! આ શું કહ્યું છે અહીં?