સમયસાર ગાથા-૧૯૩ ] [ ૭ કે પૂર્વે બંધાયેલાં કર્મો જે હતાં તે જ્યારે નિર્જરે છે ત્યારે જ્ઞાનનું આવરણ દૂર થાય છે. આવું સ્પષ્ટ લખેલું તો છે?
અરે ભાઈ! એ તો નિમિત્તની પ્રધાનતાથી કરેલું કથન છે. ભાષા ટૂંકી કરવા અને નિમિત્તનું જ્ઞાન કરાવવા આમ બોલાય છે. ખરેખર તો પરિણમનની અશુદ્ધતા (ભાવ- આવરણ) નાશ થઈને શુદ્ધતા પ્રગટ થઈ છે અને ત્યારે નિમિત્તની મુખ્યતાથી ‘આવરણ દૂર થયું’ એમ કહેવાય છે.
અહાહા...! કહે છે કે-જ્ઞાનજ્યોતિ નિરાવરણ થવાથી આત્મા એવો પ્રગટ થયો કે ફરીને હવે રાગાદિભાવે પરિણમતો નથી. પરિણમન નિર્મળ થયું તે થયું, હવે ફરીને રાગમય (અજ્ઞાનમય) પરિણમન થતું નથી. આ તો પૂર્ણતાની વાત છે, પરંતુ અહીં શૈલી તો એવી છે કે અધૂરા પરિણમનના કાળે પણ એમ જ છે અર્થાત્ આત્માને જે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિરૂપ નિર્મળ પરિણમન થયું તે હવે ફરીને રાગમય પરિણમન થવાનું નથી. અહો! આ કળશમાં અદ્ભુત વાત છે. આવા નિકૃષ્ટ કાળમાં પણ જેને સમ્યગ્દર્શન-જ્ઞાન થયું તેને તે હવે પડી જઈને ફરીને મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન થશે નહિ એવા અપ્રતિહત પુરુષાર્થની શૈલીથી અહીં વાત છે. કહે છે કે-જ્ઞાનાનંદના સ્વભાવે જે આત્મા પ્રગટ થયો તે હવે સદાય એવો ને એવો જ રહે છે, સદા ચૈતન્યના નિર્મળ પ્રકાશરૂપ જ રહે છે, હવે તે રાગાદિભાવ સાથે મૂર્છિત થતો નથી અર્થાત્ રાગના અંધકારરૂપ પરિણમતો નથી.
આમ છે છતાં રાગથી લાભ થાય, ધર્મ થાય એમ માનનારા અજ્ઞાનીઓ કહે છે કે-વ્યવહારને હેય ન કહેવાય.
તેને કહીએ છીએ કે-ભાઈ! પંડિત શ્રી ટોડરમલજી સાહેબે ઠેકઠેકાણે લખ્યું છે કે રાગનું-રાગથી લાભ થવાનું જે તને શ્રદ્ધાન છે તે વિપરીત હોવાથી મિથ્યા શ્રદ્ધાન છે. રાગ હો ભલે, પરંતુ ભાઈ! તું શ્રદ્ધાન તો એવું જ કર કે-આ પણ બંધનું-દુઃખનું જ કારણ છે અને તેથી હેય જ છે. જ્યાંસુધી રાગ છે ત્યાંસુધી તે હેય ને હેય જ છે અને એક ભગવાન આત્મા જ ઉપાદેય છે. પરમાત્મપ્રકાશમાં પણ રાગને હેય અને એક આત્માને જ ઉપાદેય કહ્યો છે.
ભાવાર્થઃ– સંવર થયા પછી નવાં કર્મ તો બંધાતાં નથી. જે પૂર્વે બંધાયાં હતાં તે કર્મો જ્યારે નિર્જરે છે ત્યારે જ્ઞાનનું આવરણ દૂર થવાથી અર્થાત્ અશુદ્ધતાનો નાશ થવાથી જ્ઞાન એવું થાય છે કે ફરીને રાગાદિરૂપે પરિણમતું નથી-સદા પ્રકાશરૂપ જ રહે છે.
હવે દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ કહે છેઃ-