સમયસાર ગાથા-૧૯૪ ] [ ૨૧ શકતો નથી, કેમકે આત્મા ચૈતન્યસ્વરૂપ અરૂપી છે. અરે, જડને તો આત્મા અડતોય નથી પછી ભોગવે કયાંથી? ગાથા ૩ ની ટીકામાં કહ્યું ને કે-દ્રવ્ય પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે પણ પરદ્રવ્યને ચુંબતું-સ્પર્શતું નથી. ભાઈ! આવું જ દ્રવ્યનું સ્વરૂપ છે. દરેક દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયને સ્પર્શે છે પણ પરદ્રવ્યના દ્રવ્ય-ગુણ-પર્યાયને સ્પર્શતું જ નથી. ભોગકાળે જીવ સ્ત્રીના શરીરને અડયો જ નથી અને સ્ત્રીનું શરીર જીવને અડયું જ નથી કેમકે શરીર તો જડ પરદ્રવ્ય છે. પરદ્રવ્યને આત્મા અડે શી રીતે કે તેને ભોગવે?
પ્રશ્નઃ– તો આ (-જીવ) શરીરને ભોગવે છે, મોસંબીનો રસ પીવે છે, મૈસૂબ ખાય છે ઇત્યાદિ ભોગવતો પ્રત્યક્ષ દેખાય છે ને?
ઉત્તરઃ– ધૂળેય ભોગવતો નથી, સાંભળને; મોસંબી, મૈસૂબ આદિ તો જડ, રૂપી છે; સ્પર્શ-રસ-ગંધ-વર્ણવાળી ચીજ છે તથા સ્ત્રીનું શરીર છે તે પણ સ્પર્શ-રસ-ગંધ- વર્ણવાળી જડ રૂપી ચીજ છે. જ્યારે તું અરૂપી ભગવાન ચૈતન્યસ્વરૂપ એનાથી-એ સર્વથી ભિન્ન છો. તું કદીય એ કોઈને અડયોય નથી અને અડી શકતોય નથી. પણ સંયોગ દેખીને અજ્ઞાની જીવ એમ માને છે કે મેં ખાધું-પીધું-ભોગ લીધો. ખરેખર તો તે પદાર્થોમાં ઠીકપણાનો જે રાગ થયો તે રાગને અજ્ઞાની ભોગવે છે. પરદ્રવ્યને ભોગવે છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે.
આ કઈ જાતનો ઉપદેશ? દયા પાળો, વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો -એવો ઉપદેશ હોય તો કાંઈક સમજાય, પણ આવા ઉપદેશમાં હવે સમજવું શું?
ભાઈ! દયા પાળવી, વ્રત કરવાં, તપ કરવું અને ઉપવાસ કરવા ઇત્યાદિ તો બધી રાગની ક્રિયા છે. એમાં આત્મા કયાં આવ્યો? એ રાગની અજ્ઞાનમય ક્રિયાઓમાં શું સમજવું છે? નિશ્ચયથી તો ચૈતન્યસ્વરૂપી પરમાત્મદ્રવ્ય પ્રભુ આત્મા રાગને અડતોય નથી કેમકે રાગ છે એ તો દુઃખ છે. જ્ઞાનસ્વભાવી અનાકુળ આનંદનું ઢીમ પ્રભુ આત્મા દુઃખ એવા રાગને કેમ અડે? ચાહે અશુભ રાગ હો કે શુભરાગ-બન્ને દુઃખ છે. માટે સુખધામ આનંદસ્વરૂપી આત્મા તે દુઃખને કેમ અડે? આવું ભેદજ્ઞાન કરવું તે યથાર્થ સમજવું છે. સમજાણું કાંઈ...?
અહીં આચાર્યદેવ એમ કહે છે કે-પરદ્રવ્યને ભોગવવામાં આવતાં તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ જીવનો ભાવ નિયમથી ઉદય થાય છે. એટલે શું કહે છે? કે આ શરીર, મન, વાણી, ધન, ભોજન, સ્ત્રી ઇત્યાદિ ઉપર લક્ષ જતાં, તે વસ્તુને જીવ ભોગવે છે એમ કહેવામાં આવ્યું છે અને તેના નિમિત્તે જીવને સુખ કે દુઃખની કલ્પના થાય જ છે, થયા વિના રહેતી નથી. જ્ઞાનીને પણ સુખરૂપ કે દુઃખરૂપ ભાવ થાય છે, અર્થાત્ તે સમયે તેને સુખ કે દુઃખની પર્યાય થઈ જાય છે.
જુઓ, ૧૯૩ ગાથામાં ઉપભોગમાં જ્ઞાનીને દ્રવ્યકર્મ ખરી જાય છે એની વાત