સમયસાર ગાથા-૧૯પ ] [ ૩૩
‘જેમ કોઈ વિષવૈદ્ય, બીજાઓના મરણનું કારણ જે વિષ તેને ભોગવતો છતો પણ, અમોઘ (રામબાણ) વિદ્યાના સામર્થ્ય વડે વિષની શક્તિ રોકાઈ ગઈ હોવાથી, મરતો નથી,...’
જુઓ, શું કહ્યું? કે વિષ છે તે સામાન્યપણે બીજાઓના મરણનું જ કારણ છે અર્થાત્ જે વિષનું સેવન કરે તે અવશ્ય મરણને શરણ થાય. પરંતુ વિષવૈદ્ય છે તે વિષ ખાય છતાં મરતો નથી. કેમ? તો કહે છે કે તેની પાસે અમોઘ વિદ્યાનું સામર્થ્ય છે જે વડે વિષની શક્તિ રોકાઈ-હણાઈ જાય છે. ઝેર ખાય છતાં વિષવૈદ્ય મરે નહિ કેમકે તેની પાસે ઝેરને મારવાની-હણવાની રામબાણ-સફળ વિદ્યાની શક્તિ હોય છે. આ દાખલો કહ્યો; હવે કહે છે-
‘તેમ અજ્ઞાનીઓને રાગાદિભાવોના સદ્ભાવથી બંધનું કારણ જે પુદ્ગલકર્મનો ઉદય તેને જ્ઞાની ભોગવતો છતો પણ, અમોઘ જ્ઞાનના સામર્થ્ય દ્વારા રાગાદિભાવોનો અભાવ હોતાં (-હોઈને) કર્મોની શક્તિ રોકાઈ ગઈ હોવાથી, બંધાતો નથી.’
જુઓ, પુદ્ગલકર્મનો ઉદય અજ્ઞાનીઓને બંધનું જ કારણ છે કેમકે અજ્ઞાનીઓને રાગદ્વેષમોહના ભાવોનો સદ્ભાવ છે. પરંતુ જ્ઞાની કર્મના ઉદયને ભોગવે છતાં તે કર્મથી બંધાતો નથી. કેમ? તો કહે છે કે જેમ વૈદ્યજન પાસે વિષની શક્તિને રોકનારી અમોઘ વિદ્યા હોય છે તેમ જ્ઞાનીને કર્મોદયની શક્તિને રોકનારું અમોઘ જ્ઞાનનું સામર્થ્ય હોય છે. જ્ઞાનીને અંતર્જ્ઞાન-ભેદજ્ઞાન પ્રગટ થયું છે ને? તે ભેદજ્ઞાનના કારણે તેને રાગદ્વેષ-મોહના ભાવોનો સદ્ભાવ નથી. જ્ઞાનીને કર્મોદયને ભોગવવામાં ઉપાદેયબુદ્ધિ કે સુખબુદ્ધિ નથી. તેથી તે કર્મોદયને ભોગવતો છતો કર્મથી બંધાતો નથી.
જેને ભોગનો અભિપ્રાય છે એ તો અજ્ઞાની છે અને તે ભોગ ભોગવતાં નિયમથી બંધાય છે કેમકે તેને રાગદ્વેષમોહનો સદ્ભાવ છે. અહીં તો જેને ભોગનો અભિપ્રાય નથી એવો જ્ઞાની કર્મોદયને ભોગવતાં, તેને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી બંધાતો નથી -એમ કહે છે. ભોગ ભોગવે તોય બંધ ન થાય એમ અહીં સિદ્ધ નથી કરવું; અહીં તો જ્ઞાનીના જ્ઞાનનું સામર્થ્યવિશેષ સિદ્ધ કરવું છે. જો ભોગ ભોગવવાથી બંધ ન થાય એમ હોય તો તો ભોગને છોડીને મુનિપણું લેવાની શી જરૂર? (કાંઈ જરૂર ન રહે). ભાઈ! ભોગવવાનો ભાવ તો અશુભભાવ છે અને તે બંધનું જ કારણ છે. જ્યાં શુભભાવ પણ બંધનું કારણ છે ત્યાં અશુભભાવ અબંધનું-નિર્જરાનું કારણ કેમ હોય?