સમયસાર ગાથા-૧૯પ ] [ ૩પ વિના જ ઝરી જાય છે. જ્યારે અજ્ઞાની ભોગના ભાવને ઉપાદેયબુદ્ધિથી વેદે છે તેથી તે અવશ્ય નવીન કર્મથી બંધાય છે.
ભાઈ! આ તો પકડ-પકડમાં ફેર છે. બિલાડી પોતાના બચ્ચાને પકડે અને ઉંદરને પકડે-એ બન્નેમાં ફેર છે. બચ્ચાને પકડે એમાં રક્ષાનો ભાવ છે તો મોઢું પોચું રાખીને પડી ન જાય તેમ પકડે છે અને ઉંદરને પકડે એમાં હિંસાનો ભાવ છે તો ભીંસ દઈને ત્યાં જ મરી જાય એમ પકડે છે. તેમ અજ્ઞાનીને રાગમાં ઉપાદેયબુદ્ધિ છે રાગમાં રુચિ છે. રાગમાં ઊભેલો તે બંધ કરવાની શક્તિસહિત છે, અને તેથી તે કર્મોદયને ભોગવતાં બંધાય જ છે. જ્યારે અતીન્દ્રિય આનંદનો જેને સ્વાદ આવ્યો છે એવા ધર્મી જીવને રાગના સ્વાદની રુચિ નથી બલ્કે તેને તે ઝેર જેવો લાગે છે. જ્ઞાનીને રાગ હોય છે ખરો પણ તેને તે હેયબુદ્ધિએ હોય છે. જ્ઞાની રાગને આદરણીય કે કર્તવ્ય માનતો નથી પણ જે રાગ છે તેને હેય માને છે. તેથી તે કર્મોદયને ભોગવતાં બંધાતો નથી. ભાઈ! આ બધો દ્રષ્ટિનો ફેર છે. દ્રષ્ટિ ફેરે બંધ ને દ્રષ્ટિ ફેરે અબંધ છે.
જુઓ, બ્રહ્મ નામ નિર્મળાનંદસ્વરૂપ પ્રભુ આત્મા; તેના આનંદનો જેને રંગ લાગ્યો છે તેને બ્રહ્મચારી કહીએ. આવા બ્રહ્મચારીને વિષયના રાગનો સ્વાદ ઝેર જેવો દુઃખમય લાગે છે. કાળો નાગ દેખીને જેમ કોઈ દૂર ભાગે તેમ વિકલ્પ ઊઠતાં જ્ઞાનીને થાય છે. આત્માના આનંદના સ્વાદની આગળ તેને વિષયભોગનો સ્વાદ ફીકો-ફચ લાગે છે. જ્યારે અજ્ઞાનીની દ્રષ્ટિમાં ફેર છે. તે રાગને ઉપાદેય માને છે, ભલો- હિતકારી માને છે. તે કારણે તેને કષાય શક્તિ વિદ્યમાન રહેતી હોવાથી બંધ કરવાની શક્તિ તેવી ને તેવી ઊભી રહે છે. તેથી અજ્ઞાની ભોગ ભોગવતાં બંધાય જ છે. જ્ઞાની, પોતાને જે અંતરઅનુભવના આનંદનો સ્વાદ આવ્યો છે તેની સાથે રાગના સ્વાદને મીંઢવે-મેળવે છે અને તે વિષયના સ્વાદને વિરસ જાણી તત્કાલ ફગાવી દે છે અર્થાત્ તેમાં હેયબુદ્ધિએ પરિણમે છે અને તેથી કષાયશક્તિનો અભાવ થતાં (ભોગના પરિણામમાં) જે બંધ કરવાની શક્તિ હતી તે ઉડી જાય છે. આ કારણે કર્મોદયને ભોગવતાં જ્ઞાની બંધાતો નથી. આવો ધર્મ! અને આવી વાત!
ભાઈ! જેને વ્યવહારની-રાગની રુચિ છે તેને પરમ વીતરાગસ્વરૂપ ભગવાન આત્માની અરુચિ છે, તેને ભગવાન આત્મા પ્રતિ દ્વેષ છે. કહ્યું છે ને કે-‘દ્વેષ અરોચક ભાવ’. અનાકુળ આનંદનો કંદ પ્રભુ આત્મા છે. તે જેને રુચતો નથી ને રાગ રુચે છે તેને આત્મા પ્રતિ અરુચિ-દ્વેષ છે. અજ્ઞાનીને મૂળ આત્માની રુચિ નથી, દર્શનશુદ્ધિ જ નથી અને બહારમાં વ્રત, તપ આદિ લઈને બેસી જાય છે. પરંતુ ભાઈ! સમ્યગ્દર્શન વિના કષાયશક્તિ વિદ્યમાન હોવાથી તે બધાં વ્રત, તપ ફોગટ-નિરર્થક છે અર્થાત્ સંસારમાં રખડવા માટે જ સાર્થક છે.