૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
સમકિતીને આત્માની રુચિ પ્રગટ થઈ છે; તેને રાગની રુચિ નથી. કોઈ સમકિતી તીર્થંકર કે ચક્રવર્તી હોય અને ગૃહસ્થદશામાં અનેક રાણીઓના વૃંદમાં રહેતો હોય તો પણ તેને ભોગની-રાગની અરુચિ છે; આત્માના આનંદના રસ આગળ તે રાગના રસ તેને વિરસ ઝેરમય લાગે છે. તેથી ભોગના પરિણામ હોવા છતાં તે નવીન બંધ કર્યા વિના જ નિર્જરી જાય છે. માટે જ્ઞાનીના ભોગને નિર્જરાનો હેતુ કહ્યો છે. ભાઈ! ભોગના પરિણામ છે તો પાપના જ પરિણામ; પણ જ્ઞાનીને તેમાંથી રસ-રુચિ ઉડી ગયાં છે તેથી તે નવો બંધ કરવા સમર્થ નથી માટે તેને નિર્જરાનું કારણ કહ્યું છે. વેદન વેદનમાં ફેર છે ને? અજ્ઞાનીને ભોગના-રાગના વેદનમાં તેના એકત્વની ચીકાશ છે અને જ્ઞાનીને તેમાં ભિન્નપણાની અરુચિરૂપ ફીકાશ છે. તેથી અજ્ઞાની તે ભાવના કારણે બંધાય છે જ્યારે જ્ઞાનીને બંધ વિના જ તે ભાવની નિર્જરા જ થાય છે.
ત્યારે કોઈ કહે છે-આના કરતાં તો સામાયિક કરવી, પ્રતિક્રમણ કરવું, પોસા કરવા, ઉપવાસ કરવા ઇત્યાદિ સહેલો-સટ માર્ગ છે; તેમાં વળી વચ્ચે આ કયાં આવ્યું?
ઉત્તરઃ– બાપુ! એ બધી ક્રિયાઓમાં તું ધર્મ માને છે પણ ધર્મ તો બીજી ચીજ છે, ભાઈ! ધર્મ તો વસ્તુનો સ્વભાવ છે. ‘वथ्थुसहावो धम्मो’ વસ્તુનો સ્વભાવ ધર્મ છે. અનંતગુણસ્વરૂપે એકસ્વરૂપ પ્રભુ આત્મા ધર્મી છે. તેના ઉપર જ્યાં દ્રષ્ટિ પડી ત્યાં ધર્મનું પહેલું પગથિયું જે સમ્યગ્દર્શન તે પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન થતાં જે અનંતા ગુણ છે તે બધાય એક અંશે સમકિતીને વ્યક્ત-પ્રગટ થઈ જાય છે. ‘સર્વગુણાંશ તે સમ્યક્ત્વ’ એમ શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે. વળી શ્રી ટોડરમલજીએ ‘રહસ્યપૂર્ણ ચિટ્ઠી’માં પણ કહ્યું છે કે સમકિતીને ચોથે ગુણસ્થાને જ્ઞાનાદિ ગુણો એકદેશ વ્યક્ત થયા છે. ભાઈ! રાગની ક્રિયા કાંઈ ધર્મ નથી પણ ગુણોની- સમ્યગ્દર્શનાદિની પ્રગટતા થવી તે ધર્મ છે.
જુઓ! આકાશના પ્રદેશ અનંત-જેનો અંત ન આવે એટલા છે. ભાઈ! તું વિચાર કરે તો ખબર પડે કે સર્વત્રવ્યાપી આકાશનો અંત કયાં? જો અંત આવે તો પછી શું? આકાશ તો સર્વ દિશાઓમાં અનંત અનંત અનંત વિસ્તરેલું જ છે; તેનો કયાંય અંત આવે જ નહિ એવી તે ચીજ છે. હવે આકાશમાં જેટલા અનંત પ્રદેશ છે તેથી અનંત ગુણા એક જીવમાં ગુણ છે. આવો ગુણી ભગવાન આત્મા જેની દ્રષ્ટિ અને રુચિમાં આવ્યો તેને રાગનો-ક્ષણિક વિકૃત દશાનો-રસ ઉડી જાય છે. તેથી તેના ભોગને નિર્જરાનો હેતુ કહ્યો છે. જ્ઞાનીને જેટલો અલ્પ રાગ થયો છે તેટલો અલ્પ રસ અને સ્થિતિ તો બંધાય છે પણ તેને અહીં ગણતરીમાં લીધો નથી. અલ્પ સ્થિતિ ને રસ જે બંધાય છે તેને ગૌણ કરીને જ્ઞાનીને બંધ નથી એમ કહ્યું છે. આ પ્રમાણે