સમયસાર ગાથા-૧૯૮ ] [ ૬૧
જુઓ! સ્વભાવથી ઉત્પન્ન થયેલા નથી એટલે તે ભાવો દ્રવ્યકર્મના વિપાકથી થયા છે એમ કહ્યું છે, બાકી તો તે ભાવો પોતામાં પોતાના કારણે ઉત્પન્ન થયેલા છે.
ગાથામાં તો કર્મના ઉદયના વિપાકથી થયા લખ્યું છે; તો શું એનો અર્થ આવો છે? હા, ભાઈ! તેનો અર્થ આવો છે. કર્મનો ઉદય થયો કયારે કહેવાય? કે જ્યારે જીવ વિકારપણે થાય ત્યારે તેને કર્મનો ઉદય થયો એમ કહેવામાં આવે છે. એ તો પહેલાં આવી ગયું છે કે-કર્મનો ઉદય આવ્યો હોય છતાં વિકારપણે ન પરિણમે તો તે ઉદય ખરી જાય છે. જ્ઞાનીને જેવી રીતે ઉદય ખરી જાય છે તેવી રીતે અજ્ઞાનીને પણ જે ઉદય હોય છે તે ખરી જાય છે, પણ અજ્ઞાની ઉદયકાળે રાગનો સ્વામી થઈને રાગને કરે છે માટે તેને નવો બંધ કરીને ઉદય ખરી જાય છે. આવી વાત ખાસ નિવૃત્તિ લઈને સમજવી જોઈએ.
કહે છે-કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના ભાવો છે તે મારા સ્વભાવો નથી. જુઓ, કર્મનો ઉદય તો નિમિત્ત માત્ર છે, પણ નિમિત્ત વખતે જીવ પોતે તે ભાવોરૂપે પરિણમ્યો છે માટે ઉદયના વિપાકથી ભાવો ઉત્પન્ન થયા છે એમ કહ્યું છે. અર્થાત્ રાગ આત્માના આનંદનો વિપાક-આનંદનું ફળ નથી તેથી જે રાગ છે તે કર્મના વિપાકનું ફળ છે એમ કહ્યું છે.
પ્રશ્નઃ– તમે તો આમાં જે લખ્યું છે એનાથી બીજો અર્થ કરો છો. સમાધાનઃ– ભાઈ! તેનો અર્થ જ આ છે. અહા! ધર્મી એમ જાણે છે કે કર્મના નિમિત્તથી થયેલા ભાવો મારા સ્વભાવો નથી. ‘નિમિત્તથી થયેલા’-એનો અર્થ એ છે કે તેના ઉપર લક્ષ કરવાથી, તેને આધીન થઈને પરિણમવાથી જે પર્યાયની પરિણતિ થાય છે તેને નિમિત્તથી થઈ-એમ કહેવાય છે. બાકી તો તે પર્યાય પોતાનામાં પોતાથી થઈ છે. છતાં તે નિજ સ્વભાવ નથી.
અહાહા...! પોતાની ચીજ એક આનંદના સ્વભાવનું નિધાન પ્રભુ છે. તેને જાણનાર-અનુભવનાર ધર્મી જીવને જરા કર્મના નિમિત્તમાં જોડાતાં-તેને વશ થતાં-જે વિકાર થાય છે તે કર્મનો પાક છે, પરંતુ આત્માનો પાક નથી. અનેક પ્રકારના ભાવો એટલે કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ જે ભાવો છે તે મારા સ્વભાવો નથી કેમકે ‘હું તો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું’-આમ જ્ઞાની જાણે છે. હું તો પ્રત્યક્ષ અનુભવગમ્ય છું, અર્થાત્ મારી વર્તમાન જ્ઞાનપર્યાય પરની અપેક્ષા વિના પોતાને પ્રત્યક્ષ અનુભવે તે હું છું. અહાહા...! મારા પ્રત્યક્ષ અનુભવમાં જે આવે તે હું છું. (પ્રવચનસારમાં) અલિંગગ્રહણના છઠ્ઠા બોલમાં આવે છે કે-પોતાના સ્વભાવ વડે જાણવામાં આવે એવો પ્રત્યક્ષ જ્ઞાતા હું છું.