૬૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ અહાહા...! આત્મા પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. અહીં ‘આ’ શબ્દ પડયો છે ને? હું તો ‘આ’... આટલામાંથી ‘પ્રત્યક્ષ અનુભવગોચર’ છું-એમ કાઢયું છે. હું તો આ-આનંદસ્વરૂપ ભગવાન આત્મા-પ્રત્યક્ષ અનુભવગમ્ય અર્થાત્ સ્વસંવેદનમાં પ્રત્યક્ષ જણાય એવો છું.
અહાહા...! ધર્માત્મા એમ જાણે છે કે-હું તો આ-પ્રત્યક્ષ અનુભવગોચર ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું. અનાદિથી અકૃત્રિમ અણઘડેલો ઘાટ એવો શાશ્વત ધ્રુવ એક ચૈતન્યબિંબમાત્ર ભગવાન છું એમ ધર્મી જાણે છે. પોતે કોણ છે એની-પોતાના ઘરની- ખબર ન મળે અને માંડે આખી દુનિયાની! ભાઈ! એ તો જીવન હારી જવાનું છે. અહીં તો કહે છે-હું ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું-એમ જ્ઞાની જાણે-અનુભવે છે. છઠ્ઠી ગાથામાં આવ્યું ને કે-
અહાહા...! જાણનારને જાણ્યો ત્યાં જણાયું કે-હું એક શુદ્ધ જ્ઞાયકભાવમાત્ર વસ્તુ છું.
‘આ પ્રમાણે સામાન્યપણે સમસ્ત કર્મજન્ય ભાવોને સમ્યગ્દ્રષ્ટિ પર જાણે છે અને પોતાને એક જ્ઞાયકસ્વભાવ જ જાણે છે.’
ભાષા જોઈ! ‘સમસ્ત કર્મજન્ય ભાવોને’-એમ લીધું છે. કર્મજન્ય ભાવ એટલે પુણ્ય ને પાપના ભાવ; તે ભાવો સ્વભાવ નથી તેથી તે ભાવોને કર્મજન્ય કહ્યા છે; પરંતુ તેથી તે કર્મથી થયા છે એમ નથી. વિકાર થયો છે તો પોતાના ષટ્કારકના પરિણમનથી. પરંતુ તે વિકાર આત્મજન્ય નથી તેથી તેને કર્મજન્ય કહેવામાં આવ્યો છે.
ત્યાં પંચાસ્તિકાયમાં (ગાથા ૬૨માં) અસ્તિકાય સિદ્ધ કરવું છે. તેથી ત્યાં કહ્યું કે- વિકાર-મિથ્યાત્વ, રાગ-દ્વેષ, વિષયવાસનાનો ભાવ ઇત્યાદિ-જે છે તે પર્યાયના ષટ્કારકનું સ્વતંત્ર પરિણમન છે, તેને પરકારકોની અપેક્ષા નથી, તેમ જ તેને સ્વદ્રવ્યગુણની પણ અપેક્ષા નથી. પર્યાયમાં એટલું વિકારનું અસ્તિત્વ છે એમ ત્યાં અસ્તિકાય સિદ્ધ કર્યું છે. પણ જ્યારે સ્વભાવ સિદ્ધ કરવો હોય અને સ્વભાવનું આલંબન કરાવવું હોય ત્યારે તેનો નિષેધ કરીને કહ્યું કે-તે ભાવો મારા સ્વભાવો નથી, તેઓ પરના નિમિત્તે ઉત્પન્ન થયેલા છે તેથી પરના છે, કર્મજન્ય છે. સમજાણું કાંઈ...!
પણ આવું બધું (અનેક અપેક્ષા) યાદ શી રીતે રહે?