સમયસાર ગાથા-૧૯૯ ] [ ૭પ થયેલાં જે શુભરાગ અને ઇન્દ્રિયજ્ઞાન તે પણ મારાં કાર્ય નહિ; કેમકે હું તો શુદ્ધ જ્ઞાયકમાત્ર છું. ભાઈ! આવું સમજવા માટે પણ પાત્રતા જોઈએ, કેમકે એને આખો સંસાર ઉથલાવી નાખવો છે!
પ્રશ્નઃ– અહીં એમ કહેવું છે કે ઉદયભાવ આત્માનો નથી, કર્મપુદ્ગલનો છે; જ્યારે તત્ત્વાર્થસૂત્રમાં ઉદયભાવ ‘जीवस्य स्वतत्त्वम्’–જીવનો છે એમ કહ્યું છે. તો આ કેવી રીતે છે?
ઉત્તરઃ– ઉદયભાવ જીવની પર્યાયમાં છે તે અપેક્ષાએ તે જીવનો છે, પણ તે જીવસ્વભાવમાં નથી એ અપેક્ષાએ તે કર્મનો છે એમ કહ્યું છે. બીજે એમ પણ આવે છે કે ઉદયભાવ પારિણામિકભાવે છે. ત્રિકાળી વસ્તુ પરમ પારિણામિકભાવે છે જ્યારે જે વિકાર છે તે પારિણામિકભાવે છે. ત્યાં સ્વની (પર્યાયની) અપેક્ષા તેને પારિણામિકભાવ કહ્યો છે, પરંતુ પરની અપેક્ષા લેતાં તેને ઉદયભાવ કહેવાય છે. જ્ઞાની કહે છે-વિકારને ચાહે પારિણામિક ભાવ કહો, ચાહે ઉદયભાવ કહો-તે મારો સ્વભાવ નથી, તે મારી ચીજ નથી, તે પુદ્ગલનું કાર્ય છે.
તો આ પરમ પારિણામિકભાવ શું છે? ભાઈ! સહજ અકૃત્રિમ સદાય એકરૂપ અનાદિ-અનંત પોતાની એક ચૈતન્યમય ચીજ છે તે પરમ પારિણામિકભાવ છે. અને બદલતા વિકારના પરિણામને નિમિત્તની અપેક્ષાએ ઉદયભાવ કહે છે અને સ્વની અપેક્ષા પારિણામિકભાવની પર્યાય કહે છે. જ્ઞાની તેને, તે પોતાનો સ્વભાવ નથી તેથી પુદ્ગલકર્મનો જાણી કાઢી નાખે છે. આ પ્રમાણે જે તે અપેક્ષા જાણવી જોઈએ.
હવે ચક્ષુ પછી ‘ઘ્રાણ-’ ઘ્રાણ એટલે નાક. આ નાક છે તે જડ કર્મનું કાર્ય છે. આત્માનું નહિ. નાક મારું નથી કેમકે એ તો માટી જડ ધૂળ છે માટે તે જડનું કાર્ય છે.
પણ સૂંઘવાનું જ્ઞાન તો નાકથી થાય છે? ભાઈ! જ્ઞાન તો પોતાથી થાય છે. મૂઢ અજ્ઞાની જીવ માને છે કે જ્ઞાન ઇન્દ્રિયો વડે થાય છે, પણ એમ છે નહિ. જ્ઞાન તો અંદર જ્ઞાનની પર્યાય છે એનાથી થાય છે. નાકથી જ્ઞાન થાય છે એમ છે જ નહિ. ભાઈ! ધર્મ ચીજ બહુ સૂક્ષ્મ છે. લોકોને તેની વાત કાને પડી નથી, પછી તેની પ્રાપ્તિ તો કયાંથી થાય?
હવે ‘રસન’. રસન કહેતાં જીભ. આ જીભ છે તે જડ પુદ્ગલ છે. ધર્મી જીવ તેને જડ કર્મનું કાર્ય જાણે છે કેમકે તે જીવસ્વભાવ નથી. અહાહા...! હું શુદ્ધ જ્ઞાયકમાત્ર છું એમ અનુભવનાર જ્ઞાની જીભને ભિન્ન પુદ્ગલમય જાણે છે.