૭૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
તેવી રીતે ‘સ્પર્શન’. જે આ સ્પર્શ-ઇન્દ્રિય છે તે જડની પર્યાય છે, આત્માની નહિ. તે મારો સ્વભાવ નથી એમ ધર્મી જીવ જાણે છે. અજ્ઞાની પાંચે ઇન્દ્રિયો મારી છે અને તે વડે હું જાણું છું-એમ માને છે. પણ એ તો વિપરીતતા છે. જ્ઞાન-જાણવું એ આત્માનો સ્વભાવ છે અને ઇન્દ્રિયો જડ સ્વભાવ છે. માટે ઇન્દ્રિયો મારી છે અને તે વડે હું જાણું છું એ માન્યતા મિથ્યા છે.
આ રીતે જુદાજુદા શબ્દો મૂકીને સોળ સૂત્રો વ્યાખ્યાન રૂપ કરવાં અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં. અહાહા...! વિકારના, રાગના, દ્વેષના, વિકલ્પના, હાસ્યના અને તેના નિમિત્તરૂપ વસ્તુના જેટલા અસંખ્ય પ્રકાર પડે છે તે બધાય પર પુદ્ગલના કાર્યરૂપ છે, મારો સ્વભાવ નથી. હું તો શુદ્ધ જ્ઞાયકમાત્ર ભગવાન આત્મા છું, ચિદાનંદમય પરમાત્મા છું-એવી દ્રષ્ટિ થવી એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે અને એના વિના બધાં થોથેથોથાં છે. આવી વાત છે.