Pravachan Ratnakar (Gujarati). Gatha: 200.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1990 of 4199

 

ગાથા–૨૦૦
एवं सम्मद्दिट्ठी अप्पाणं मुणदि जाणगसहावं।
उदयं कम्मविवागं च मुयदि तच्चं वियाणंतो।। २००।।
एवं सम्यग्द्रष्टिः आत्मानं जानाति ज्ञायकस्वभावम्।
उदयं कर्मविपाकं च मुञ्चति तत्त्वं विजानन्।।
२००।।

આ રીતે સમ્યગ્દ્રષ્ટિ પોતાને જાણતો અને રાગને છોડતો થકો નિયમથી જ્ઞાનવૈરાગ્યસંપન્ન હોય છે-એમ હવેની ગાથામાં કહે છેઃ-

સુદ્રષ્ટિ એ રીત આત્મને જ્ઞાયકસ્વભાવ જ જાણતો,
ને ઉદય કર્મવિપાકરૂપ તે તત્ત્વજ્ઞાયક છોડતો. ૨૦૦.

ગાથાર્થઃ– [एवं] આ રીતે [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [आत्मानं] આત્માને (પોતાને) [ज्ञायकस्वभावम्] જ્ઞાયકસ્વભાવ [जानाति] જાણે છે [च] અને [तत्त्वं] તત્ત્વને અર્થાત્ યથાર્થ સ્વરૂપને [विजानन्] જાણતો થકો [कर्मविपाकं] કર્મના વિપાકરૂપ [उदयं] ઉદયને [मुञ्चति] છોડે છે.

ટીકાઃ–આ રીતે સમ્યગ્દ્રષ્ટિ સામાન્યપણે અને વિશેષપણે પરભાવસ્વરૂપ સર્વ ભાવોથી વિવેક (ભેદજ્ઞાન, ભિન્નતા) કરીને, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવું જે આત્માનું તત્ત્વ તેને (સારી રીતે) જાણે છે; અને એ રીતે તત્ત્વને જાણતો, સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગથી નીપજવાયોગ્ય પોતાના વસ્તુત્વને વિસ્તારતો (-પ્રસિદ્ધ કરતો), કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવોને છોડે છે. તેથી તે (સમ્યગ્દ્રષ્ટિ) નિયમથી જ્ઞાનવૈરાગ્યસંપન્ન હોય છે (એમ સિદ્ધ થયું).

ભાવાર્થઃ–જ્યારે પોતાને તો જ્ઞાયકભાવરૂપ સુખમય જાણે અને કર્મના ઉદયથી થયેલા ભાવોને આકુળતારૂપ દુઃખમય જાણે ત્યારે જ્ઞાનરૂપ રહેવું અને પરભાવોથી વિરાગતા-એ બન્ને અવશ્ય હોય જ છે. આ વાત પ્રગટ અનુભવગોચર છે. એ (જ્ઞાનવૈરાગ્ય) જ સમ્યગ્દ્રષ્ટિનું ચિહ્ન છે.

“જે જીવ પરદ્રવ્યમાં આસક્ત-રાગી છે અને સમ્યગ્દ્રષ્ટિપણાનું અભિમાન કરે છે તે સમ્યગ્દ્રષ્ટિ છે જ નહિ, વૃથા અભિમાન કરે છે” એવા અર્થનું કળશરૂપ કાવ્ય હવે કહે છેઃ-