સમયસાર ગાથા-૨૦૦ ] [ ૮૧ લીન થવું. ભાઈ! આને જ જૈન પરમેશ્વર અરિહંત પરમાત્માએ ધર્મ કહ્યો છે અને શ્રી કુંદકુંદાચાર્ય આદિ દિગંબર સંતોએ ભગવાનના આડતિયા તરીકે તે જગત સામે જાહેર કર્યો છે. જન્મ-મરણથી છૂટવાનો આવો આ અલૌકિક માર્ગ છે.
જે કોઈ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, જાત્રા ઇત્યાદિના ભાવ છે તે બધો શુભરાગ છે. શુભરાગ ગમે તે હો, એનાથી પુણ્ય છે, ધર્મ નહિ; ધર્મ તો એક માત્ર વીતરાગભાવ છે અને તે જ્ઞાયકસ્વભાવના આશ્રયે પ્રગટ થાય છે. એ જ કહે છે કે-
‘અને એ રીતે તત્ત્વને જાણતો, સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગથી નીપજવાયોગ્ય પોતાના વસ્તુત્વને વિસ્તારતો કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવોને છોડે છે.’
બાપુ! વીતરાગ માર્ગ-જન્મ-મરણના દુઃખથી રહિત થવાનો માર્ગ-કોઈ અદ્ભુત અલૌકિક છે. લોકો તો બહારથી-આ જાત્રા કરીએ, ભક્તિ કરીએ, પૂજા કરીએ, ઉપવાસ કરીએ એટલે થઈ ગયો ધર્મ એમ માને છે. પણ એમાં તો ધૂળેય ધર્મ નથી, સાંભળને! એ તો બધો રાગ આસ્રવભાવ-દુઃખદાયક ભાવ છે. પુણ્ય ને પાપ આસ્રવતત્ત્વ છે, જ્યારે ભગવાન આત્મા જ્ઞાયક તત્ત્વ છે. બન્ને ભિન્ન છે એમ તત્ત્વને જ્ઞાની અંતર્દ્રષ્ટિ વડે જાણે છે. આ પ્રમાણે તત્ત્વને જાણતો જ્ઞાની જ્ઞાયકસ્વભાવી નિજ આત્માને ગ્રહતો-આશ્રય કરતો થકો રાગને છોડી દે છે. આ પ્રમાણે જ્ઞાની સ્વભાવનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ કરે છે. હવે આવો માર્ગ લોકોને આકરો લાગે છે, પણ શું થાય? આ સિવાય બીજો કોઈ માર્ગ નથી.
‘સ્વભાવનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ’-આ બેમાં આખો સિદ્ધાંત છે. જ્ઞાની સ્વને-જ્ઞાનાનંદસ્વભાવી શુદ્ધ જ્ઞાયકભાવને-સ્વ જાણે છે, ઉપાદેય જાણે છે અને અજીવને ભિન્ન અજીવ (ઉપેક્ષાયોગ્ય) જાણે છે. પુણ્ય, પાપ, આસ્રવ અને બંધને બુરાં-અહિતકારી જાણે છે, હેય જાણે છે અને સંવર, નિર્જરા અને મોક્ષને ભલાં- સુખદાયક પ્રગટ કરવા યોગ્ય જાણે છે. અહા! અજ્ઞાની બિચારો બહારમાં ને બહારમાં પૈસા રળવા-કમાવામાં ગુંચાઈ ગયો છે, આવું તત્ત્વ જાણવાની એને નવરાશ પણ કયાં છે?
પણ પૈસા હોય તો મજા આવે ને? ધૂળેય મજા નથી એમાં, સાંભળને. પૈસા ને પૈસાનો પ્રેમ એ મોટો પરિગ્રહ છે. પૈસાથી મજા છે એમ માનવું એ મિથ્યાત્વનું મહાપાપ છે.
અહીં એમ કહેવું છે કે-પુણ્ય, પાપ, આસ્રવ અને બંધના ભાવ ખરેખર અજીવ તત્ત્વ છે, જ્યારે અંદર એક ચિદાનંદમય જ્ઞાયકસ્વરૂપી ભગવાન આત્મા જીવતત્ત્વ છે.