સમયસાર ગાથા-૨૦૦ ] [ ૮૭ આનંદમય વીતરાગતા આવે જ છે. પરંતુ આત્માનો આશ્રય છોડીને રાગને આદરણીય માનીને કોઈ મહાવ્રતાદિ પાળે તોપણ તે મિથ્યાદ્રષ્ટિ જ છે. રાગમાં સુખબુદ્ધિ છે તેવા જીવો, ભલે અમે સમકિતી છીએ એમ નામ ધરાવે અને બહારમાં સાધુપણાનું આચરણ કરે, આહાર-વિહાર આદિ ક્રિયાઓમાં જતનાથી પ્રવર્તે, પ્રાણ જાય તોપણ ઉદ્દેશિક આહાર ગ્રહણ ન કરે તોપણ તેઓ પાપી જ છે, મિથ્યાદ્રષ્ટિ જ છે-એમ અહીં કહે છે. જુઓ, છે કે નહિ કલશમાં? ‘आलंबन्तां समितिपरतां ते यतोऽद्यापि पापाः’ છે સ્પષ્ટ? અહા! જેને શુભરાગનો આદર છે, શુભરાગ કર્તવ્ય છે એમ જેણે માન્યું છે તે મહાવ્રતાદિ ગમે તે આચરણ કરે તોપણ તે પાપી જ છે. કલશમાં ‘पापाः’ એમ શબ્દ છે. છે કે નહિ? ભાઈ! મિથ્યાત્વનું પાપ મહાપાપ છે. લોકોને ખબર નથી, પણ વ્યવહારનો રાગ કર્તવ્ય છે, ધર્મ છે એમ જેણે માન્યું છે તે મિથ્યાદ્રષ્ટિ-પાપી જ છે.
પ્રશ્નઃ– પરંતુ તે પાપ (-અશુભભાવ) તો કાંઈ કરતો નથી? ઉત્તરઃ– ભલે તે પાપ-અશુભભાવનો-હિંસાદિનો કરનારો નથી તોપણ તેને આચાર્ય શ્રી અમૃતચંદ્રદેવે પાપી કહ્યો છે. બહુ ગંભીર વાત છે ભાઈ! પ્રચુર નિરાકુળ આનંદ અને અકષાયી શાંતિની પરિણતિમાં રહેનારા ધર્મના સ્થંભ એવા આચાર્યદેવનું આ કથન છે. મૂળ ગાથા આચાર્ય કુંદકુંદની છે અને ૧૦૦૦ વર્ષ પછી તેની આ ટીકા આચાર્ય અમૃતચંદ્રની છે. અહો! વીતરાગી મુનિવરો-જંગલમાં વસનારા મુનિવરોનો આ પોકાર છે; કે રાગને કર્તવ્ય ને ધર્મ જાણી કોઈ અહિંસાદિ મહાવ્રતનું આચરણ કરે તો કરો, પણ તે પાપી જ છે, કેમકે તેને મિથ્યાદર્શનના અભાવરૂપ સમ્યગ્દર્શન નથી વા આત્માનુભવ નથી. મિથ્યાદર્શન એ જ મૂળ પાપ છે.
પ્રશ્નઃ– પણ ચરણાનુયોગમાં મહાવ્રતાદિનું વિધાન તો છે? ઉત્તરઃ– હા છે; પણ ચારે અનુયોગનો સાર વીતરાગતા જ છે, રાગ નહિ. પંચાસ્તિકાયની ગાથા ૧૭૨ માં છે કે ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. વીતરાગના માર્ગમાં સર્વત્ર વીતરાગતાનું જ પોષણ છે. ચરણાનુયોગમાં પણ રાગનું પોષણ કર્યું નથી. તેમાં રાગને જણાવ્યો છે, પણ પોષણ તો વીતરાગતાનું જ કર્યું છે. ચરણાનુયોગમાં સાધકને વીતરાગપરિણતિ સાથે યથાસંભવ કેવો રાગ હોય છે તેનું જ્ઞાન કરાવ્યું છે, તેનું પોષણ નહિ; પુષ્ટિ તો એક વીતરાગતાની જ કરેલી છે અને એ જ વીતરાગનો માર્ગ છે. સમજાણું કાંઈ? શુભભાવના પ્રેમવાળાને કળશ બહુ આકરો પડે પણ શું થાય? વસ્તુસ્થિતિ જ આવી છે.
‘णमो लोह सव्व आइरियाणं’-એમ પાઠ આવે છે ને? પાઠમાં જેમને નમસ્કાર કર્યા છે એવા અમૃતચંદ્રસ્વામી એક આચાર્ય ભગવંત છે કે જેમને રાગની રુચિ છૂટી ગઈ છે અને આનંદના નાથની રુચિમાં અંતરરમણતા અતિ પુષ્ટપણે જામી ગઈ છે.