Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2005 of 4199

 

૯૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ સ્વરૂપમાં રમણતારૂપ શુદ્ધોપયોગ છે અને તે ચારિત્ર છે. જ્યારે શુભાશુભભાવ અશુદ્ધોપયોગ છે અને તે અચારિત્ર છે. અહીં કહે છે-શુદ્ધોપયોગરૂપ ચારિત્રથી બંધ છેદાય છે, શુભરાગથી નહિ. અરે! લોકોને બિચારાઓને આનો અભ્યાસ નથી એટલે ક્રિયાકાંડના રાગમાં જ બધો કાળ વ્યર્થ ગુમાવી દે છે! પરંતુ ભાઈ! સર્વજ્ઞ પરમેશ્વર શું કહે છે અને કઈ સ્થિતિએ બંધ છેદાય છે તે યથાર્થ જાણવું જોઈએ. એ સિવાય જન્મ-મરણના અંત કેમ આવશે પ્રભુ?

કહે છે-સમ્યગ્દર્શન થયા પછી પણ જ્ઞાનીને શુભભાવ આવે છે પરંતુ તે બંધનું જ કારણ છે; જ્યારે શુદ્ધોપયોગરૂપ જે અંતર્લીનતા તે બંધના અભાવનું કારણ છે. માટે રાગ હોવા છતાં, મને બંધ થતો નથી કેમકે હું સમકિતી છું-એમ માનીને જે રાગમાં સ્વચ્છંદ થઈ નિરર્ગલ પ્રવર્તે છે તે મિથ્યાદ્રષ્ટિ જ છે. શ્રી જયચંદજીએ બહુ સરસ વાત કરી છે.

‘અહીં કોઈ પૂછે કે-વ્રત-સમિતિ તો શુભકાર્ય છે, તો પછી વ્રત-સમિતિ પાળતાં છતાં તે જીવને પાપી કેમ કહ્યો?’

જોયું? શું કહ્યું આ? કે વ્રત-સમિતિના પરિણામ શુભકાર્ય છે, ધર્મ નહિ હોં; તો પછી અહિંસા, સત્ય, અદત્ત, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ-એમ મહાવ્રત પાળે, જીવોની વિરાધના ન થાય એમ ગમનાદિ સાધે, હિતમિત વચન બોલે, નિર્દોષ આહાર લે ઇત્યાદિ શુભકાર્ય કરે તેને પાપી કેમ કહ્યો?

તેનું સમાધાનઃ– ‘સિદ્ધાંતમાં પાપ મિથ્યાત્વને જ કહ્યું છે; જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભ-અશુભ સર્વ ક્રિયાને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવાય છે.’

જુઓ, સિદ્ધાંતમાં પાપ મિથ્યાત્વને જ કહ્યું છે-એમ એકાન્ત નાખ્યું છે. તો શું બીજું (રાગાદિભાવ) પાપ નથી? સાંભળને ભાઈ! મિથ્યાત્વ એ જ સંસાર છે, મિથ્યાત્વ એ જ આસ્રવ છે ને મિથ્યાત્વ એ જ બંધનું કારણ છે. અન્ય રાગાદિભાવ (અશુભભાવ) પાપ તો છે, પણ તે અહીં ગૌણ છે. અહીં તો મૂળ પાપ મિથ્યાત્વ જ છે એમ વાત છે. વ્રતાદિ પુણ્યના પરિણામને ધર્મ વા ધર્મનું કારણ માને તે મિથ્યાત્વ છે અને તે મિથ્યાત્વ જ મૂળ પાપ છે. જુઓ, વિશેષ સ્પષ્ટ કરે છે કે-જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભાશુભ સર્વ ક્રિયાને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવાય છે. ભાઈ! કોઈ મહાવ્રતાદિનું આચરણ કરે અને એ વડે ધર્મ થવો માને તો તેને એ બધાં શુભાચરણ પાપ જ છે. આકરી લાગે પણ ચોકખી વાત કહી છે કે અધ્યાત્મમાં મિથ્યાત્વ સહિત શુભક્રિયાને પરમાર્થે પાપ જ કહે છે. પણ એને કયાં વિચારવું છે? બિચારો એમ ને એમ હાંકે રાખે છે. અહીં તો ભગવાનના આગમમાં આવેલી આ વાત છે કે-

૧. મિથ્યાત્વ એ જ મૂળ પાપ છે.