૧૦૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ સત્યાર્થ સમજી જાય તો તેને અવશ્ય સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય જ છે-તે અવશ્ય સમ્યગ્દ્રષ્ટિ બની જાય છે.’
જોયું? શું કહ્યું આ? સ્યાદ્વાદન્યાયથી સત્યાર્થ સમજવાવાળા જીવ કોઈક વિરલ જ હોય છે. માટે બીજા કેમ સમજતા નથી એવી અધીરાઈ છોડીને સ્વરૂપમાં જ સાવધાન રહેવું, બીજાની ચિંતા ન કરવી. ‘સ્યાદ્વાદ-ન્યાયથી સત્યાર્થ સમજી જાય’ -એમ કહ્યું મતલબ કે વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ છે ત્યાં દ્રવ્ય પણ છે, પર્યાય પણ છે પરંતુ દ્રવ્ય પર્યાયમાં નથી, પર્યાય દ્રવ્યમાં નથી એમ યથાર્થ સમજવું જોઈએ. શુદ્ધ આત્મદ્રવ્યમાં રાગ નથી અને રાગમાં શુદ્ધ આત્મા નથી-આવી વાત છે.
ભાઈ! ભગવાને નવ તત્ત્વ કહ્યાં છે ને? એ નવ તત્ત્વ કયારે સિદ્ધ થાય? એકમાં બીજાને ભેળવ્યા વિના પ્રત્યેકને ભિન્ન ભિન્ન માને ત્યારે સિદ્ધ થાય. શરીરાદિ અજીવમાં જીવ નહિ અને જીવમાં શરીરાદિ અજીવ નહિ એમ યથાર્થ સમજવું જોઈએ. વળી જેમ અજીવથી જીવ ભિન્ન છે તેમ દયા, દાન આદિ પુણ્યતત્ત્વથી અને હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના અને ક્રોધાદિ પાપતત્ત્વથી શુદ્ધ જ્ઞાયકતત્ત્વ ભગવાન આત્મા ભિન્ન છે. અહો! ભગવાનની દિવ્યધ્વનિમાં આવી અલૌકિક વાત આવી છે. આવી વાત સર્વજ્ઞદેવની વાણી સિવાય બીજે કયાંય હોઈ શકે નહિ.
અહા! કહે છે-જો કોઈ વિરલ જીવ સ્યાદ્વાદન્યાયથી સત્યાર્થ સમજી જાય તો તે અવશ્ય સમ્યગ્દ્રષ્ટિ થઈ જાય છે. સ્યાદ્વાદન્યાયથી એટલે શું? કે રાગ છે પણ તે શુદ્ધ દ્રવ્યમાં નથી, પર્યાય પર્યાયપણે છે પણ તે ત્રિકાળી દ્રવ્યમાં નથી. એક સમયની પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય ભગવાન આત્મા આવી જતો નથી. કોઈને વળી થાય કે આવી વ્યાખ્યા? એના કરતાં તો વ્રત કરો, દયા પાળો, બ્રહ્મચર્ય પાળો, તપ કરો, ભક્તિ કરો ઇત્યાદિ કહો તો સહેલું સમજાય તો ખરું! અરે ભાઈ! એ તો બધી રાગની ક્રિયાઓ છે. એમાં કયાં ભગવાન આત્મા છે? એમાં કયાં ધર્મ છે? ધર્મ તો વીતરાગતા છે અને તે શુદ્ધ આત્મદ્રવ્યના-સ્વના આશ્રયે જ પ્રગટ થાય છે.
જો કોઈ સ્યાદ્વાદન્યાયથી સત્યાર્થ સમજી જાય તો તેને સમ્યક્ત્વ થાય જ છે. જુઓ, ‘થાય જ છે’-એમ કહ્યું છે. અહાહા...! રાગ હો પણ રાગમાં આત્મા નહિ અને આત્મામાં રાગ નહિ આવું અનેકાન્તસ્વરૂપ જાણીને જે અંતરસન્મુખ થાય છે તેને સમકિત અવશ્ય થાય જ છે. ભગવાન પૂર્ણાનંદના નાથમાં કયાં રાગ છે? અને રાગમાં તે પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા કયાં રહ્યો છે? આવું સત્યાર્થ જાણી જે સ્વરૂપમાં-શુદ્ધ ત્રિકાળી દ્રવ્યમાં એકાગ્ર થાય છે તેને સમ્યક્ત્વ થાય જ છે અર્થાત્ તે અવશ્ય સમ્યગ્દ્રષ્ટિ બની જાય છે. આ સમકિત તે ધર્મનું પહેલું પગથિયું છે, ચારિત્ર તો તે પછીની વાત છે. ભાઈ! મોક્ષમાર્ગનો આવો જ ક્રમ છે, સર્વજ્ઞ ભગવાને એવો જ ક્રમ જાણ્યો અને કહ્યો છે.