સમયસાર ગાથા-૨૦૦ ] [ ૧૦પ
પ્રશ્નઃ– સર્વજ્ઞ છે એ તો માત્ર જાણે છે. તેને વળી ક્રમબદ્ધ કે અક્રમ (ક્રમરહિત) સાથે શું સંબંધ છે? તેઓ તો ક્રમે થાય તેને તેમ જાણે અને અક્રમે થાય તેને અક્રમે જાણે.
સમાધાનઃ– ભાઈ! તારી સમજમાં આખી ભૂલ છે. ખરેખર તો એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને યુગપત્ જાણે એવા સર્વજ્ઞનો જ્યાં નિર્ણય કરવા જાય ત્યાં બધું જ વ્યવસ્થિત ક્રમબદ્ધ છે એમ સિદ્ધ થઈ જાય છે. છયે દ્રવ્યમાં એક પછી એક એમ ધારાવાહી પર્યાય થાય છે જેને આયતસમુદાય કહે છે. ત્યાં પ્રતિસમય, દ્રવ્યમાં જે પર્યાય થવાની હોય છે તે જ અંદરથી આવે છે-થાય છે. આવો જે યથાર્થ નિર્ણય કરે છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા (ગાથા ૩૨૧ થી ૩૨૩) માં આવે છે કે ભગવાન સર્વજ્ઞદેવે જે કાળે જે દ્રવ્યમાં જ્યાં જેમ પરિણમન થવાનું જાણ્યું છે તે કાળે તે દ્રવ્યમાં ત્યાં તેમ જ પરિણમન થાય છે. આવું જે યથાર્થ શ્રદ્ધાન કરે છે તે સમકિતી છે અને એમાં જે શંકા કરે છે તે મિથ્યાદ્રષ્ટિ છે. ભાઈ! આ તો પરમ શાંતિનો-આનંદનો માર્ગ છે બાપુ! પણ તે પરમ શાંતિ કયારે થાય? કે બધું જ ક્રમબદ્ધ છે એમ યથાર્થ નિર્ણય કરી સ્વભાવ-સન્મુખ થાય ત્યારે. સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્માનો નિશ્ચય થયા વિના સર્વજ્ઞ પર્યાયનો નિર્ણય થઈ શકે નહિ. અર્થાત્ જ્યાં સર્વજ્ઞનો યથાર્થ નિર્ણય કરવા જાય ત્યાં જ્ઞાનસ્વભાવી નિજ આત્મદ્રવ્યનો નિર્ણય થઈ જાય છે. આવો માર્ગ છે.
અહા! જે કાળે જે પર્યાય ક્રમબદ્ધ થવાની છે તે થાય છે, જ્ઞાન તો તેને જાણે જ છે. ભાઈ! આ જ સર્વજ્ઞના નિર્ણયનું તાત્પર્ય છે. પરંતુ એમ ન માનતા અમે આમ કરીએ તો આમ થાય ને કર્મનો ઉદય આવે તેની ઉદીરણા કરીએ ઇત્યાદિ પ્રકારે જે માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે. અરે ભાઈ! ઉદીરણા આદિ બધી જ વાત ક્રમબદ્ધ જ થાય છે. કશુંય આઘુ- પાછું થાય, ક્રમરહિત થાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. હું આમ કરી દઉં અને તેમ કરી દઉં એ તો તારી ખોટી ભ્રમણા જ છે. સમજાણું કાંઈ...?
અહા! જેને સર્વજ્ઞનો નિર્ણય થાય છે તેને ભેગો ક્રમબદ્ધનો નિર્ણય થઈ જ જાય છે અને તેને આવો નિર્ણય સ્વભાવસન્મુખ પુરુષાર્થ વડે જ થતો હોય છે. આવો નિર્ણય થતાં વ્યવહાર પહેલો અને નિશ્ચય પછી એમ રહેતું જ નથી. વળી નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ થાય છે એ વાત પણ રહેતી નથી. અરે ભાઈ! આ અવસરે જો તું આ નહિ સમજે તો કયારે સમજીશ? (આવો અવસર વીતી ગયા પછી અનંતકાળે તે મળવો દુર્લભ છે).
ભગવાન! તું સર્વજ્ઞસ્વભાવી વસ્તુ પોતે જ છો. ભાઈ! તું અંતર્દ્રષ્ટિ કરી પોતાના સર્વજ્ઞસ્વભાવમાં એકાગ્ર થા. એમ કરતાં તને પોતાના જ્ઞસ્વભાવનો-સર્વજ્ઞસ્વભાવનો-