સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ] [ ૧૧પ રાગના અંધકાર આડે ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા દેખાતો નથી. અહા! જેને લેશમાત્ર પણ રાગની હયાતી છે તે આત્માને જાણતો નથી. હવે કહે છે-
‘અને જે આત્માને નથી જાણતો તે અનાત્માને પણ નથી જાણતો કારણ કે સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા-એ બન્ને વડે એક વસ્તુનો નિશ્ચય થાય છે.’
શું કહે છે? કે જે આત્માને નથી જાણતો તે અનાત્માને એટલે રાગાદિને પણ નથી જાણતો; અર્થાત્ રાગ પણ અનાત્મા છે તેવું જ્ઞાન તેને થતું નથી. કેમ? કારણ કે સ્વરૂપે સત્ તે પરરૂપે અસત્ છે. શું કહ્યું આ? સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા સ્વરૂપથી સત્ છે ને પરરૂપથી-રાગથી અસત્ છે. જે! વસ્તુ પોતાથી અસ્તિપણે છે તે પરદ્રવ્યથી નાસ્તિપણે છે. અહો! સ્વદ્રવ્યથી સત્ ને પરદ્રવ્યથી અસત્ એવું જ વસ્તુનું સ્વરૂપ છે; અર્થાત્ એ બન્ને વડે જ વસ્તુનો નિશ્ચય થાય છે. આવો ઝીણો ભગવાનનો માર્ગ છે. લોકોને બિચારાઓને રળવું-કમાવું, બૈરાં-છોકરાં સાચવવાં અને વિષયભોગ ભોગવવા ઇત્યાદિ પાપની મજુરી આડે નવરાશ મળે નહિ તો આનો નિર્ણય તો કયારે કરે? ખરે! આવા મનુષ્યદેહમાં પણ વીતરાગના-પરમાત્માના માર્ગનો નિર્ણય કરતા નથી તે કયાં જશે? (એકેન્દ્રિયાદિમાં-ચારગતિમાં કયાંય ખોવાઈ જશે).
કહે છે-જેને રાગાદિથી ભિન્ન નિજ ચૈતન્યસ્વરૂપનું જ્ઞાન નથી તેને રાગાદિ અનાત્માનું પણ જ્ઞાન હોતું નથી; કારણ કે આત્મા સ્વરૂપથી-ચૈતન્યસ્વરૂપથી સત્તા છે અને પરરૂપથી-રાગથી અસત્તા છે. વસ્તુ સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા છે; છે અંદર? ભાઈ! પોતાના સ્વરૂપથી આત્મા છે અને પરરૂપથી તે અસત્તા છે. આ પંચપરમેષ્ઠી જગતમાં છે તેનાથી પણ આ આત્મા અસત્ છે. તેવી રીતે જે પંચ પરમેષ્ઠી છે તે પોતાથી સત્ છે અને પરથી અસત્ છે, આ આત્માથી અસત્ છે. માટે જેને પોતાના સત્નું યથાર્થ જ્ઞાન નથી તેને સત્થી વિરુદ્ધ રાગનું પણ યથાર્થ જ્ઞાન નથી. નિશ્ચય નિજ પરમાત્મદ્રવ્યનું જ્ઞાન નથી તેને વ્યવહારનું પણ યથાર્થ જ્ઞાન નથી.
પ્રશ્નઃ– પણ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય ને? ઉત્તરઃ– ભાઈ! એમ નથી; અહીં તો કહે છે-જેને સ્વરૂપનું જ્ઞાન નથી તેને વ્યવહારનું પણ સાચું જ્ઞાન નથી કેમકે સ્વસત્તાનું જ્ઞાન નથી તેને પરની પોતામાં અસત્તા છે એનું પણ જ્ઞાન નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ! લોકો તો બહારથી બધું માની બેસે છે. અંદર આનંદસ્વરૂપ ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદના અનુભવ અને જ્ઞાન વિના જો કોઈ ‘રાગ મારો છે’ એવું માને છે તો તે સ્વસત્તાને જાણતો નથી અને તેથી પરસત્તાને-રાગને પણ યથાર્થ જાણતો નથી. નિર્વિકલ્પ નિજસત્તાને ઓળખ્યા વિના દયા, દાન, વ્રત ઇત્યાદિ વિકલ્પને તે યથાર્થ કેવી રીતે જાણે? ભાઈ! આ તો