૧૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ લોજીકથી-ન્યાયથી વાત છે. ભગવાનનો માર્ગ ન્યાયનો છે, હઠનો નહિ. જેવી વસ્તુની સ્થિતિ છે તે તરફ જ્ઞાનને દોરી જવું તેનું નામ ન્યાય છે. સમજાણું કાંઈ...?
ભાઈ! જે સ્વરૂપે સત્તા છે તે પરરૂપે અસત્તા છે. આત્મા પોતાના સ્વરૂપે સત્તા છે તે પંચપરમેષ્ઠી તથા તે તરફના રાગથી અસત્તા છે. ‘સ્વરૂપે સત્તા’-એમ છે ને? મતલબ કે પોતાના જ્ઞાનાનંદસ્વરૂપથી સત્તા છે અને પરરૂપથી-પંચપરમેષ્ઠી, દેહ કે રાગથી અસત્તા છે. જેમ સ્વરૂપથી સત્તા છે તેમ પરરૂપથી સત્તા હોય તો સ્વ અને પર બન્ને એક થઈ જાય, એકમેકમાં ભળી જાય. આત્મા જેમ જ્ઞાનથી સત્ છે તેમ પરથી-રાગથી પણ સત્ હોય તો જ્ઞાન અને રાગ એક થઈ જાય, જ્ઞાન અને પર એક થઈ જાય. પણ એમ છે નહિ, બાપુ! આ કોઈ પંડિતાઈની ચીજ નથી, આ તો અંતરઅનુભવની વાત છે. મૂળ ગાથામાં દોહીને અમૃતચંદ્રાચાર્યે આ અર્થ કાઢયો છે.
કહે છે-‘એ બન્ને વડે...’ -કયા બે? કે જ્ઞાનાનંદમય ભગવાન આત્મા પોતાથી છે ને રાગાદિ પરદ્રવ્યથી નથી-એમ તે બન્ને વડે એક વસ્તુનો નિશ્ચય થાય છે. અહાહા...! હું મારામાં છું અને પર રાગાદિ મારામાં નથી એમ બે (અસ્તિ-નાસ્તિ) વડે આત્માનો- પોતાનો યથાર્થ નિશ્ચય થાય છે. આ રીતે જેને પોતાના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થયો તેને દયા, દાન, વ્રતાદિના વિકલ્પ પર અનાત્મા છે, આત્મભૂત નથી એવો અનાત્માનો ભેગો નિશ્ચય થઈ જ જાય છે. આમ બે વડે એકનો (આત્માનો) નિશ્ચય થાય છે અને એકનો (આત્માનો) નિશ્ચય થતાં બેનો (આત્મા-અનાત્માનો) નિશ્ચય સાથે થઈ જ જાય છે. આવું ઝીણું અટપટું છે. ભાઈ! આ તો વીતરાગ પરમેશ્વરની ૐધ્વનિમાં આવેલી વાત છે. આવે છે ને કે-
હાલ પરમાત્મા (સીમંધરસ્વામી) મહાવિદેહમાં વિરાજે છે. તેમને હોઠ કે કંઠ કંપ્યા વિના આખા શરીરમાંથી ૐધ્વનિ-દિવ્ય વાણી છૂટે છે. તે ૐકારધ્વનિ સાંભળી ‘અર્થ ગણધર વિચારૈ’ અર્થાત્ ગણધરદેવ તેનો વિચાર અર્થાત્ જ્ઞાન કરે છે. અને આગમ- ઉપદેશની રચના કરી તે દ્વારા ભવ્ય જીવોના સંશયને મટાડી દે છે, મિથ્યાત્વનો નાશ કરે છે. અહા! ભવ્ય જીવો આગમ-ઉપદેશને જાણી મોહનો નાશ કરી આત્માનો અનુભવ કરે છે. ભાઈ! એ ૐધ્વનિમાં આવેલી આ વાત છે.
કહે છે-જે આત્માને જાણે છે તે અનાત્માને-રાગને પણ જાણે છે. વળી જેને અનાત્મા-રાગનો યથાર્થ નિશ્ચય થયો છે તેને આત્મા-અનાત્મા બન્નેનો નિશ્ચય થવો જોઈએ કેમકે રાગને જે જાણે તે રાગરહિત હું આત્મા છું એમ જાણે છે. અહાહા...! રાગને જાણે તો ‘મારામાં રાગ નથી’-તેમ પોતાના આત્માને પણ જાણે છે. ભાઈ!