Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2030 of 4199

 

સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ] [ ૧૧૭ સ્વસ્વરૂપનો-આત્માનો નિશ્ચય થયા વિના એકલા રાગપણું કાંઈ નથી અર્થાત્ મિથ્યા છે. કહ્યું ને કે જે આત્માને નથી જાણતો તે અનાત્માને પણ નથી જાણતો. જે આત્માને જાણે છે તે અનાત્માને પણ જાણે છે અર્થાત્ તેને વ્યવહારનું સાચું જ્ઞાન હોય છે. આમાં વ્યવહારથી મને લાભ થાય વા નિશ્ચય પ્રગટે એ વાત કયાં રહી? (ન રહી); કેમકે વ્યવહારનું સાચું જ્ઞાન પણ જે આત્માને જાણે તેને જ થાય છે. સમજાણું કાંઈ...?

પ્રશ્નઃ– શ્રી કુંદકુંદાચાર્યદેવે (સમયસારની) ૧૨ મી ગાથામાં તો એમ કહ્યું છે કે જે વ્યવહારમાં પડયા છે તેમને વ્યવહારનો ઉપદેશ છે; એમ કે તેમને વ્યવહાર જ કરવાનું કહ્યું છે. નીચેની ભૂમિકાએ તો વ્યવહાર જ હોય છે ને તે ધર્મ છે. ચોથે, પાંચમે અને છટ્ઠે ગુણસ્થાને તો વ્યવહાર જ કરવો જોઈએ.

સમાધાનઃ– ભાઈ! તું શું કહે છે આ? જેને નિજ સ્વરૂપનાં દ્રષ્ટિ અને અનુભવ સહિત પોતાના ભૂતાર્થ સ્વભાવના આશ્રયે સમ્યક્ત્વ થયું છે તેની પર્યાયમાં કંઈક અશુદ્ધતા પણ છે. પ્રગટ શુદ્ધતા અને બાકી જે અલ્પ અશુદ્ધતા તે બન્નેને જાણવું તે વ્યવહાર છે. વ્યવહાર કરવો કે વ્યવહાર કરવાથી લાભ થાય એ પ્રશ્ન જ કયાં છે ત્યાં? અરે! લોકો શાસ્ત્રના અર્થ કરવામાં ભૂલ કરે છે! શું થાય? अपरमे ट्ठिदा भावे–એટલે કે જે અપરમ ભાવમાં સ્થિત છે તેને વ્યવહારનો ઉપદેશ છે-હવે આમાં વ્યવહાર કરવો એવો અર્થ કયાં છે? એવો અર્થ છે જ નહિ. ટીકામાં તેનો અર્થ સ્પષ્ટ કર્યો છે કે-‘व्यवहारनयो... परिज्ञायमानस्तदात्वे प्रयोजनवान्’ વ્યવહાર નય તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. એટલે કે તે કાળે વ્યવહાર છે એમ જાણેલો પ્રયોજનવાન છે. વાસ્તવમાં તો તે પોતાની પર્યાયને જાણે છે તેમાં તે જણાઈ જાય છે. આવી વાત છે.

ભગવાન કેવળી લોકાલોકને જાણે છે એમ આવે છે ને? હા, પણ એ તો અસદ્ભૂત વ્યવહારનય છે. ખરેખર તો ભગવાન જેમાં લોકાલોક પ્રકાશે છે એવી પોતાની પર્યાયને જ જાણે છે. તેમ જ્ઞાની રાગને જાણે છે એમ ઉપચારથી-વ્યવહારથી કથન છે. રાગ કરવો જોઈએ કે એનાથી લાભ થાય છે એવી ત્યાં (ગાથા ૧૨ માં) વાત જ કયાં છે? (નથી). तदात्वे–એટલે તે કાળે જેટલી શુદ્ધતા અને રાગની અશુદ્ધતા પ્રગટ છે તેને જાણવું પ્રયોજનવાન છે; બસ આ વાત છે. બીજે બીજે સમયે જે શુદ્ધિની વૃદ્ધિ થઈ અને ક્રમશઃ અશુદ્ધિની હાનિ થઈ તેને તે તે સમયે જાણેલાં પ્રયોજનવાન છે આમ અર્થ છે, પોતાની દ્રષ્ટિથી કોઈ ઊંધા અર્થ કરે તો શું થાય? અરે ભગવાન! તું પણ ભગવાન છે હોં; પર્યાયમાં ભૂલ છે તેથી અર્થ ન બેસે ત્યાં શું કરીએ? કહ્યું છે ને કે-