૧૧૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
વસ્તુ આત્મા બાપુ! બહુ સૂક્ષ્મ અગમ્ય છે. તે રાગ કરવાથી કેમ જણાય? એમ તો અનંતકાળમાં ભગવાન! તેં હજારો રાણીઓ છોડીને, મુનિવ્રત ધારી નગ્ન દિગંબર થઈ જંગલમાં રહ્યો, પણ એક સમયમાત્ર આત્મામાં ન ગયો, શુદ્ધ ચૈતન્યતત્ત્વનો અનુભવ ન કર્યો, તેથી અંદર મિથ્યાત્વનો ત્યાગ ન થયો. ભાઈ! મિથ્યાત્વનો ત્યાગ ત્યાગ છે, બાકી બાહ્ય ગ્રહણ-ત્યાગ તો આત્મામાં કયાં છે? છે જ નહિ.
શું કહ્યું? આત્મામાં એક ત્યાગ-ઉપાદાનશૂન્યત્વ શક્તિ છે. તે વડે તે બાહ્યચીજના ત્યાગ-ગ્રહણથી રહિત છે. ભાઈ! બાહ્ય ચીજ જ્યાં ગ્રહણ જ નથી કરી તો તેનો ત્યાગ શું? તેણે પોતાની પર્યાયમાં કમજોરીથી રાગને ગ્રહ્યો છે, અને સ્વરૂપનું ગ્રહણ કરતાં તેનો ત્યાગ સહજ થઈ જાય છે. એણે રાગનો ત્યાગ કર્યો એમ કહેવું એ પણ વ્યવહાર છે. ગાથા ૩૪ (ટીકા)માં આવ્યું ને કે-આત્મા રાગના ત્યાગનો કર્તા છે તે પણ નામમાત્ર કથન છે; કેમકે ભગવાન આત્મા જે જ્ઞાનમય છે તે રાગમય થયો જ નથી ને. પોતે જ્ઞાનમય સ્વરૂપમાં ઠરી ગયો ત્યારે રાગ ઉત્પન્ન જ થયો નહિ, તો રાગનો ત્યાગ કર્યો એમ નામમાત્ર કહેવામાં આવે છે પરમાર્થે રાગના ત્યાગનો કર્તા આત્મા છે જ નહિ. સંયોગથી જુએ તેને ભાસે કે મેં સ્ત્રી-પુત્ર-પરિવાર, ધન-સંપત્તિ અને વસ્ત્ર આદિ છોડયાં, પણ એવી માન્યતા તો અજ્ઞાન છે ભાઈ! કેમકે એ બધાં તેં કે દિ’ ગ્રહ્યાં હતાં તે છોડયાં એમ માને છે?
અહીં કહે છે-જે આત્માને જાણતો નથી તે અનાત્માને-રાગાદિને પણ જાણતો નથી. વળી કહે છે-‘એ રીતે જે આત્મા અને અનાત્માને નથી જાણતો તે જીવ અને અજીવને નથી જાણતો.’
જે પોતાની શુદ્ધ ચૈતન્યસત્તાને જાણતો નથી તે એનાથી ભિન્ન રાગાદિ અનાત્માને જાણતો નથી, ભાઈ! આ વ્યવહારરત્નત્રયનો રાગ અનાત્મા છે, અજીવ છે. જીવ-અજીવ અધિકારમાં તેને અજીવ કહ્યો છે, જીવ નહિ. માટે વ્યવહારરત્નત્રય વડે મને લાભ છે વા તેનાથી નિશ્ચય પ્રગટે છે એમ જે માને છે તે અનાત્માને-અજીવને પોતાનો માને છે. તેથી તેને આત્મા-અનાત્મા બન્નેનું જ્ઞાન નથી; તે જીવ-અજીવ બન્નેને જાણતો નથી. આવી સૂક્ષ્મ પડે તેવી વાત છે, પણ ભાઈ! આ ભગવાનની દિવ્યધ્વનિમાં કહેલી વાત છે.
કહે છે-ભગવાન સચ્ચિદાનંદમય પ્રભુ આત્મા અનંત ગુણરત્નોથી ભરેલો ભંડાર છે. તેની સન્મુખ જેની દ્રષ્ટિ નથી, તેનો જેને આશ્રય નથી અને તેમાં નથી એવા રાગનો (વ્યવહારનો) જેને આશ્રય છે તેને આત્મા ને અનાત્માનું જ્ઞાન નથી અને તે બન્નેનું જ્ઞાન નથી તો જીવ-અજીવનું પણ જ્ઞાન નથી.