સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ] [ ૧૧૯
હા, પણ આપ વ્યવહારરત્નત્રયને અજીવ કેમ કહો છો? સમાધાનઃ– ભાઈ! વ્યવહારરત્નત્રયનો મુનિરાજને જે વિકલ્પ છે તે રાગ છે અને રાગ છે તે અજીવ છે. જો તે જીવ હોય તો જીવમાંથી તે નીકળે જ કેમ? પરંતુ તે તો સ્વરૂપમાં સ્થિર થતાં નીકળી જાય છે. માટે તે જીવના સ્વરૂપભૂત નહિ હોવાથી જીવ નથી, અજીવ છે. અજીવ અધિકારમાં પણ તેને અજીવ કહ્યો છે. માટે તે વ્યવહારનું-અજીવનું જેને યથાર્થ જ્ઞાન નથી તેને તેનાથી પૃથક્ જીવનું પણ યથાર્થ જ્ઞાન નથી, અને જીવ- અજીવને નહિ જાણતો તે સમકિતી કેમ હોય? એ જ કહે છે કે-
‘અને જે જીવ-અજીવને નથી જાણતો તે સમ્યગ્દ્રષ્ટિ જ નથી. માટે રાગી (જીવ) જ્ઞાનના અભાવને લીધે સમ્યગ્દ્રષ્ટિ હોતો નથી.’
જે વ્યવહારરત્નત્રયના રાગને પોતાનો જાણે છે તે જીવ-અજીવને જાણતો નથી અને તેથી તે સમ્યગ્દ્રષ્ટિ જ નથી, પછી શ્રાવક અને મુનિપણાની તો વાત જ કયાં રહી? બાપુ! પાંચમું ગુણસ્થાન શ્રાવકનું અને છઠ્ઠું મુનિરાજનું તો કોઈ અલૌકિક ચીજ છે ભાઈ!
રાગી જીવને રાગનો રાગ છે, રાગની રુચિ છે અને તેથી તેને જ્ઞાનનો-જ્ઞાનમય ભાવનો અભાવ છે; અર્થાત્ તેને આત્મા-અનાત્માના જ્ઞાનનો, સમ્યગ્જ્ઞાનનો અભાવ છે. આ કારણે આત્મા-અનાત્માના જ્ઞાનથી રહિત તે મિથ્યાદ્રષ્ટિ છે, પણ તે સમ્યગ્દ્રષ્ટિ નથી. અહાહા...! જેને વ્યવહારની રુચિ છે તે રાગી જીવ સમ્યગ્દ્રષ્ટિ નથી. આવી આકરી વાત છે, પણ ભાઈ! આ સત્ય વાત છે.
‘અહીં “રાગ” શબ્દથી અજ્ઞાનમય રાગદ્વેષમોહ કહેવામાં આવ્યા છે. ત્યાં “ અજ્ઞાનમય” કહેવાથી મિથ્યાત્વ-અનંતાનુબંધીથી થયેલા રાગાદિક સમજવા, મિથ્યાત્વ વિના ચારિત્રમોહના ઉદયનો રાગ ન લેવો;’...
જુઓ, ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ જ્ઞાતા-દ્રષ્ટા સ્વરૂપ છે. તેમાં (પર્યાયમાં) જે વિકલ્પ ઊઠે છે તે-ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ કે તપનો વિકલ્પ હો, - તોપણ તે રાગ છે, વિકાર છે, વિભાવ છે. તેને જે પોતાનો માની તેનાથી લાભ માને છે તે અજ્ઞાની છે, મિથ્યાદ્રષ્ટિ છે. એવા મિથ્યાદ્રષ્ટિના રાગદ્વેષમોહને અહીં (ગાથામાં) ‘રાગ’ ગણવામાં આવ્યો છે. ભગવાન! આવા અજ્ઞાનમય રાગને કરી કરીને ૮૪ ના અવતારમાં તું અનંતકાળ રખડી-રઝળી મર્યો છે. છહઢાલામાં આવે છે ને કે-