૧પ૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ શરીર આદિ સંબંધી જે પાપના ભાવ અને ભગવાનની ભક્તિ, પૂજા ઇત્યાદિ સંબંધી જે પુણ્યના ભાવ તે પણ ભગવાન! તારામાં-આત્મામાં નથી, અને આત્મા તેમાં નથી; આત્માનું તે સ્થાન નથી. આ નિર્જરા અધિકાર છે ને! તો કર્મની-અશુદ્ધતાની નિર્જરા કોને થાય? કે જેને પરમાનંદસ્વરૂપ પ્રભુ આત્માના આનંદનો સ્વાદ આવે છે તેને અશુદ્ધતા નિર્જરી જાય છે.
હા, પણ ઉપવાસ આદિ તપ વડે નિર્જરા થાય કે નહિ? ધૂળેય થાય નહિ સાંભળને. ઝીણી વાત છે ભાઈ! જેને તું ઉપવાસ કહે છે એ તો વિકલ્પ છે, રાગ છે; એ વડે કાંઈ નિર્જરા ન થાય, અશુદ્ધતા ન ઝરી જાય. ઉપવાસ નામ નિર્મળાનંદના નાથ ભગવાન આત્માની ઉપ નામ સમીપમાં વસવું, તેનો આસ્વાદ લેવો, તેમાં રમવું તે વાસ્તવિક ઉપવાસ છે અને તે વડે નિર્જરા થાય છે. કોઈને થાય કે આ તો નિશ્ચયની વાતો છે, પણ ભાઈ! નિશ્ચય એટલે જ સત્ય. ભાઈ! મારગ તો આ છે બાપા! અહીં (સમયસારમાં) તો વ્યવહારને અપદ કહી ઉથાપી નાખે છે. જુઓને! આ શું કહે છે? કે વ્યવહાર હોય છે પણ તે દુઃખરૂપ છે, અસ્થાયી છે; તે તારું પદ-સ્થાન બનવા યોગ્ય નથી, તે તારું સ્વધામ નથી. તારું ધામ એક ભગવાન આત્મા જ છે અને તે જ અનુભવવાયોગ્ય-આસ્વાદવાયોગ્ય છે.
‘પૂર્વે વર્ણાદિક ગુણસ્થાનપર્યંત ભાવો કહ્યા હતા તે બધાય, આત્મામાં અનિયત, અનેક, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે.’
શું કહ્યું? કે પહેલાં વર્ણાદિક એટલે રંગ, ગંધ આદિથી ગુણસ્થાન પર્યંત જે ભાવો કહ્યા હતા તે આત્મામાં અનિયત છે અર્થાત્ કાયમ રહેવાવાળા નથી. ભાઈ! આ છટ્ઠું, તેરમું અને ચૌદમું ગુણસ્થાન આત્મામાં અનિયત છે. વળી તેઓ અનેક છે, ક્ષણિક છે અને વ્યભિચારી છે. ભગવાનની ભક્તિ કરતાં કરતાં અને વ્રતાદિ કરતાં કરતાં મોક્ષ થઈ જશે એમ માનનારને આકરું લાગે છે, પણ શું થાય? અહીં તો સ્પષ્ટ કહ્યું છે કે તે બધા અનિયત, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે. છે કે નહિ અંદર? લોકોને સત્ય નામ સત્સ્વભાવ સાંભળવા મળ્યો જ નથી એટલે ‘નિશ્ચય છે નિશ્ચય છે’-એમ કહીને તેને ટાળે છે; પણ ભાઈ! નિશ્ચય એટલે જ સત્ય અને વ્યવહાર એટલે ઉપચાર.
હવે કહે છે-‘આત્મા સ્થાયી છે અને તે બધા ભાવો અસ્થાયી છે, તેથી તેઓ આત્માનું સ્થાન-રહેઠાણ-થઈ શકતા નથી અર્થાત્ તેઓ આત્માનું પદ નથી.’
જોયું? નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્મા સ્થાયી છે અને તે ગુણસ્થાન આદિ બધા ભાવો અસ્થાયી છે એમ કહે છે. ભાઈ! જે ભાવ વડે તીર્થંકર ગોત્ર બંધાય