સમયસાર ગાથા-૨૦૩ ] [ ૧પ૩ તે ભાવ પણ વ્યભિચારી અને અસ્થાયી ભાવ છે, તે ભાવ ધર્મ નથી કેમકે ધર્મથી કાંઈ બંધ ન થાય અને જે ભાવે બંધ પડે તે ધર્મ ન હોય. આ પ્રમાણે આત્મા સિવાયના બીજા બધા ભાવ અસ્થાયી છે માટે તેઓ આત્માનું સ્થાન થઈ શકતા નથી. શુભાશુભ વિકલ્પ, દયા, દાન આદિના વિકલ્પ ને ગુણસ્થાનના ભેદ આત્માનું સ્થાન થઈ શકતા નથી; અર્થાત્ તેઓ આત્માનું પદ નથી.
‘જે આ સ્વસંવેદનરૂપ જ્ઞાન છે તે નિયત છે, એક છે, નિત્ય છે, અવ્યભિચારી છે. આત્મા સ્થાયી છે અને આ જ્ઞાન પણ સ્થાયી ભાવ છે તેથી તે આત્માનું પદ છે.’
અહાહા...! કહે છે-જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું સ્વસંવેદનરૂપ જ્ઞાન અથવા સ્વનું- આત્માનું પ્રત્યક્ષવેદનરૂપ જ્ઞાન નિયત છે, કાયમી ચીજ છે, એક છે, અવ્યભિચારી છે અને નિત્ય છે. અહાહા...! જેમ જાણગસ્વભાવી પ્રભુ આત્મા શાશ્વત સ્થાયી ચીજ છે તેમ તેનું જ્ઞાન પણ સ્થાયીભાવરૂપ છે, સ્થિર છે, અક્ષય છે. તેથી તે આત્માનું પદ છે. તેથી કહે છે-
‘તે એક જ જ્ઞાનીઓ વડે આસ્વાદ લેવા યોગ્ય છે.’ જોયું? ધર્મી પુરુષો દ્વારા તે એક જ આસ્વાદવાયોગ્ય છે. અહાહા...! ધર્માત્માને તે એક જ અનુભવવા લાયક છે; એક આત્માને નિરાકુલ આનંદ જ આસ્વાદવા લાયક છે. હવે આવી વાત શુભભાવના પક્ષવાળાને આકરી લાગે, પણ બાપુ! શુભભાવ કરી કરીને તું અનંતકાળથી રખડી મર્યો છે પણ ભવભ્રમણ મટયું નથી. ભવરહિત થવાની ચીજ તો આત્માનો અનુભવ કરવો તે એક જ છે.
આ માર્ગ ભલે હો, પણ તેનું કાંઈ સાધન તો હશે ને? અહિંસા પાળવી ઇત્યાદિ સાધન છે કે નહિ?
ઉત્તરઃ– અરે ભગવાન! તને ખબર નથી બાપા! ભગવાન આત્મા અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનું નિધાન છે. તેનું સ્વસંવેદન એટલે પોતાથી પોતાનામાં પ્રત્યક્ષ આનંદનું વેદન થવું તે ધર્મ છે. ‘અહિંસા પરમો ધર્મઃ’ કહ્યું છે ને? પણ તે અહિંસા કઈ? કે દયા, દાન, વ્રતના વિકલ્પ જેમાં ન થાય તેવા વીતરાગી પરિણામની ઉત્પત્તિને ભગવાને અહિંસા કહી છે અને તે પરમ ધર્મ છે, અને તે મોક્ષનું સાધન છે, દયાના વિકલ્પ કાંઈ સાધન નથી; એ તો અપદ છે એમ અહીં કહે છે. સમજાણું કાંઈ...?
આકરું લાગે કે નહિ, ત્રિલોકનાથ વીતરાગ પરમેશ્વરનો આ હુકમ છે કે-રાગથી ભિન્ન પડીને સચ્ચિદાનંદમય ભગવાન આત્માનો સ્વાદ-અનુભવ લેવામાં આવે ત્યારે ધર્મ થાય છે. આ જ માર્ગ છે, આ જ સાધન છે. આ સિવાય બહારના ક્રિયાકાંડમાં