સમયસાર ગાથા-૨૦૩ ] [ ૧પપ ચૈતન્યધામ પ્રભુ આત્મામાં રાગની વિપદાનો અભાવ છે. ‘विपदां अपदम्’ વિપદાનું તે અપદ છે અર્થાત્ રાગનું અપદ છે કેમકે રાગ વિપદા જ છે. આવો વીતરાગનો મારગ શૂરાઓનો મારગ છે પ્રભુ! કાયરોનું ત્યાં કામ નથી.
અહા! ભાષા તો બહુ ટૂંકી કરી છે કે-એક જ પદ અર્થાત્ આનંદકંદ પ્રભુ આત્મા એક જ આસ્વાદ કરવા લાયક છે, કે જે વિપદાઓનું અપદ છે. આ વિકલ્પ-રાગાદિ જે છે તે વિપદા છે. પંચમહાવ્રતના વિકલ્પ કે શાસ્ત્ર ભણવાનો વિકલ્પ વિપદા છે અને ભગવાન આત્મા તે વિપદાનું અપદ છે, અર્થાત્ આત્મામાં તે વિપદા નથી. આવું સાંભળીને રાગના પક્ષવાળા રાડ નાખે છે, પણ શું થાય! સ્વરૂપ જ એવું છે. અવ્રતના પરિણામ છે તે પાપ છે ને વ્રતના પરિણામ છે તે પુણ્ય છે. તે બન્ને વિપદા છે અને ભગવાન આત્મા તે સર્વ વિપદાનું અપદ છે, અસ્થાન છે. લ્યો, આવું સ્પષ્ટ છે તોય લોકો પુણ્યને ધર્મ માને છે! પણ બાપુ! સર્વજ્ઞ પરમેશ્વરનો શું હુકમ છે અને તું શું માને છે એ જરી મેળવ તો ખરો.
કોઈ તો આ સોનગઢનું એકલું નિશ્ચય છે, નિશ્ચય છે-એમ કહી વિરોધ કરે છે. પણ કોનો વિરોધ? અહીંનો વિરોધ નથી; ભાઈ! તને ખબર નથી બાપા! કે તું તારો જ વિરોધ કરે છે. અરે પ્રભુ! તું શું કરે છે? તું ભગવાન છો ને પ્રભુ! તું તને ભૂલી ગયો! કેવળી પરમાત્માએ તો એમ જોયું ને કહ્યું છે કે એક દ્રવ્યમાં અન્યદ્રવ્યનો બહિષ્કાર છે. અરે! તારા જ્ઞાયકસ્વભાવમાં રાગનોય બહિષ્કાર છે. કળશમાં છે ને કે-‘विपदाम् अपदम्’–જ્ઞાયક પ્રભુ આત્મા વિપદાઓનું-રાગાદિનું અપદ છે. અહા... હા... હા...! શું કળશ મૂકયો છે! કહે છે-રાગાદિ રહિત તારું આનંદમય પદ છે તે એકનો જ અનુભવ કરવા યોગ્ય છે, માટે તેનો આસ્વાદ કર, અનુભવ કર.
હવે કહે છે-‘यत् पुरः’ જેની આગળ ‘अन्यानि पदानि’ અન્ય (સર્વ) પદો ‘अपदानि एव भासन्ते’ અપદ જ ભાસે છે.
અહા... હા... હા...! એકલા જ્ઞાન ને આનંદનો પિંડ પ્રભુ આત્મા ભગવાન છે. ભગ નામ અનંત જ્ઞાન અને આનંદની લક્ષ્મી અને વાન નામ સ્વરૂપ. આમ અનંત જ્ઞાનાનંદની લક્ષ્મીસ્વરૂપે જ ભગવાન આત્મા છે. તે એક જ આસ્વાદવાયોગ્ય નિજ પદ છે. અહીં કહે છે-તેની આગળ બીજાં સર્વ શુભાશુભ રાગનાં પદો અપદ જ ભાસે છે, દુઃખનાં પદ જ ભાસે છે. ભગવાન! તારા નિરાકુલ આનંદના સ્વાદ આગળ વ્રત, ભક્તિ આદિના વિકલ્પ અપદ જ ભાસે છે, દુઃખરૂપ જ ભાસે છે. ભાઈ! જે વડે તીર્થંકર નામકર્મ બંધાય તે ભાવ પણ અપદ એટલે દુઃખ-વિપદા જ ભાસે છે. આવી ઝીણી વાત છે.
હા, પણ લક્ષ્મી અને સ્ત્રીમાં તો સુખ છે ને?