Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2069 of 4199

 

૧પ૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭

ધૂળમાંય સુખ નથી સાંભળને! પાંચ-પચાસ લાખ કે કરોડ-બે કરોડ મળે એટલે અજ્ઞાનીને એમ થઈ જાય કે ‘હું પહોળો ને શેરી સાંકડી;’ પણ બાપુ! એ માનમાં ને માનમાં તું અનંતકાળ મરી ગયો છે-રખડી મર્યો છે. સાંભળને-એ પૈસા આદિ કયાં તારામાં છે? જે તારામાં નથી એમાં તારું સુખ કેમ હોય? અહીં તો આ કહ્યું કે-શુદ્ધ ચૈતન્યના આનંદપદ આગળ રાગનો-વ્રત, તપ, ભક્તિ આદિનો વિકલ્પ પણ અપદ અર્થાત્ વિપદા ભાસે છે. અહો! દિગંબર મુનિવરોએ એકલું અમૃત રેડયું છે! આવી વાત બીજે કયાંય મળે એમ નથી.

તો દાન કરીએ તો ધર્મ થાય કે નહિ? ધૂળેય ત્યાં ધર્મ ન થાય. શાનું દાન? શું પૈસા આદિ પરદ્રવ્યનું તું દાન કરી શકે છે? બીલકુલ નહિ. તથાપિ એમાં જો રાગની મંદતા કરી હોય તો પુણ્ય થાય છે, પણ એ તો વિપદા જ છે. કહ્યું ને કે-શુદ્ધ ચૈતન્યના આનંદપદ આગળ રાગાદિ સર્વ અપદ એટલે દુઃખનાં જ સ્થાન છે. ભાઈ! આ અરિહંતદેવ સર્વજ્ઞ પરમાત્માનો હુકમ છે. ભાઈ! તેં નિજપદને છોડીને પરપદમાં બધું (સુખ) માન્યું છે પણ એ માન્યતા જ સર્વ દુઃખનું મૂળ છે.

તો સમ્મેદશિખરજીની જાત્રા કરો તો પાપ ધોવાઈ જાય છે એ તો બરાબર છે કે નહિ?

શું બરાબર છે? અરે! સાંભળને બાપા! એ જાત્રા તો શુભભાવ છે અને શુભભાવ બધોય વિપદા જ છે. હવે આવી વાત સંપ્રદાયમાં કરે તો બહાર કાઢે; પણ અહીં તો સંપ્રદાયની બહાર એકકોર જંગલમાં બેઠા છીએ. અહાહા...! મારગ તો વીતરાગનો આ જ છે પ્રભુ! કે આનંદકંદ પ્રભુ આત્મામાં જા તો તને પાપ ધોવાઈ જાય તેવી અંતરમાં જાત્રા થશે; બાકી જાત્રાના વિકલ્પ કોઈ ચીજ નથી, અપદ છે. ત્રણે કાળ પ્રભુ! પરમાર્થનો આ જ પંથ છે. શ્રીમદે કહ્યું છે ને કે-‘એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ.’ બાપુ! સ્વપદ સિવાયનાં અન્ય સર્વ પદ વિપદાનાં જ પદ છે.

* કળશ ૧૩૯ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘એક જ્ઞાન જ આત્માનું પદ છે.’ જુઓ, છે અંદર? અહાહા...! જે જાણગ-જાણગ-જાણગસ્વભાવ અંદર ત્રિકાળ શાશ્વત છે તે આત્માનું પદ છે. ‘એક જ્ઞાન જ’-એમ કહ્યું ને? મતલબ કે જ્ઞાન જે અખંડ અભેદ એકરૂપ વસ્તુ છે તે જ આત્માનું પદ છે. અહા... હા... હા...! અભેદ એકરૂપ જે જ્ઞાયકભાવ છે તે જ સ્વપદ છે એમ કહેવું છે. અહો! દિગંબર સંતોએ