સમયસાર ગાથા-૨૦૩ ] [ ૧પ૭ કેવળીનાં પેટ ખોલીને જગતને ન્યાલ કરી નાખ્યું છે. પરંતુ વારસો સંભાળે તેને ને? ભાઈ! આ તો ભગવાનનો વારસો સંતો મૂકતા ગયા છે; તેને સંભાળ; તું ન્યાલ થઈ જઈશ. અરેરે! અજ્ઞાનીને તેની દરકાર નથી!
કહે છે-‘એક જ્ઞાન જ આત્માનું પદ છે. તેમાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી. અને તેની આગળ અન્ય સર્વ પદો અપદસ્વરૂપ ભાસે છે.’
લ્યો, સ્વપદમાં-ચિદાનંદઘનસ્વરૂપ પ્રભુ આત્મામાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી. અહાહા...! આત્મા એકલો ચિદ્ઘન-ચૈતન્યનો ઘન પ્રભુ છે. તેમાં રાગાદિ આપદા કેમ પ્રવેશે? પ્રવેશી શકે જ નહિ. અને તેની આગળ અન્ય સર્વ પદો અપદસ્વરૂપ જ ભાસે છે કેમકે તેઓ આકુળતામય જ છે. આ વ્રત, તપ, ભક્તિ, પૂજા, જાત્રા ઇત્યાદિના વિકલ્પ આકુળતામય જ છે. લ્યો, આવું! પણ એને બેસે કેમ? ભગવાનની ભક્તિ આકુળતામય છે, દુઃખરૂપ છે, આપત્તિરૂપ છે એવું એને બેસે કેમ? ભાઈ! અશુભથી બચવા ભગવાનની ભક્તિ આદિનો શુભરાગ જ્ઞાનીને પણ આવે છે, પણ છે એ આકુળતામય. ક્રિયાકાંડવાળાને આકરું લાગે ને રાડ નાખે; એમ કે-ભગવાનની ભક્તિથી મુક્તિ ન થાય? એમ બિચારો વલોપાત કરે, દુઃખ કરે. પણ ભાઈ! શું થાય? (જ્યાં માર્ગ જ આવો છે ત્યાં શું થાય?)
દિગંબર સંત પદ્મનંદી મુનિવરે ‘પદ્મનંદી પંચવિંશતિમાં બ્રહ્મચર્યની બહુ વ્યાખ્યા કરી છે. બ્રહ્મચર્ય કહેવું કોને? બ્રહ્મ નામ આનંદસ્વરૂપ આત્મા તેમાં ચરવું તે બ્રહ્મચર્ય છે. એની વ્યાખ્યા કરતાં છેલ્લે કહ્યું કે-હે યુવાનો! મારી આ વ્યાખ્યા તમને ન બેસે તો માફ કરજો. અહા! પ્રચુર આનંદની મસ્તીમાં ઝૂલનારા દિગંબર સંત આમ કહે છે કે હે યુવાનો! તમને આ વાત ન ગોઠે તો માફ કરજો, કેમકે અમે મુનિ છીએ. (મતલબ કે અમારી પાસે બીજી શી વાત હોય?) તેમ અહીં સંતો કહે છે કે-ભાઈ! અમે આ વાત કહીએ છીએ તે તને ન રુચે, ન ગોઠે તો માફ કરજે ભાઈ! પણ ભગવાનનો કહેલો મારગ તો આ જ છે. બાપા! ક્રિયાકાંડ કોઈ મારગ નથી.
પદ્મનંદીસ્વામી નગ્ન દિગંબર સંત આત્માના આનંદમાં રમનારા આત્મજ્ઞાની- ધ્યાની મુનિવર હતા. તેમણે બ્રહ્મચર્યનું વ્યાખ્યાન કરતાં એવી વ્યાખ્યા કરી કે-આ શરીર કેળના ગર્ભ જેવું તું માને છે પણ આ તો હાડ-માંસ અને ચામડું છે. અરે! તેને તું ચુંથવામાં આનંદ માને છે? મૂરખ છો, પાગલ છો? શું થયું છે તેને! અહા! જાણે શરીરને ભોગવતાં એમાંથી શું લઈ લઉં? હાડ-માંસમાંથી શું લઈ લઉં? એવી પાગલની ચેષ્ટા કરે છે? છેલ્લે કહે છે-તને આવી વ્યાખ્યા ઠીક ન પડે-એમ કે યુવાન અવસ્થા હોય, ફુટડું શરીર હોય, ઇન્દ્રિયો પૃષ્ટ હોય ને સ્ત્રી પણ રૂપાળી હોય, ભોગની રુચિ હોય ને પૈસા પણ કરોડ-બે કરોડ હોય એટલે તને મારી વાત