૧૮૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ છે તેની ઓથે જા, તેનો આશ્રય કર; ભાઈ! ભવ ટળીને તારો મોક્ષ થશે, તને પૂર્ણ આનંદ થશે. અહો! આવું જ્ઞાનના અવલંબનનું અચિંત્ય માહાત્મ્ય છે!
પદ્મનંદી પંચવિંશતિમાં કહ્યું છે કે આ ચૈતન્યસ્વરૂપની વાર્તા પણ જેણે પ્રસન્ન ચિત્તે સાંભળી છે તે ભાવિ મોક્ષનું ભાજન છે. મોક્ષનું ભાજન છે એટલે કે તેનો મોક્ષ થશે જ, અલ્પકાળમાં થશે. પ્રસન્ન ચિત્તે એટલે અંતરમાં મહિમા લાવી અત્યંત આલ્હાદથી ભગવાન ચૈતન્યસ્વરૂપ, અબંધસ્વરૂપ આત્માની વાર્તા પણ જેણે સાંભળી છે તે મોક્ષનું પાત્ર થશે. જેમણે વ્યવહારને બંધનું કારણ કહ્યું છે તે દિગંબર સંત પદ્મનંદી મુનિરાજ આમ કહે છે કે અબંધસ્વરૂપની વાત પણ પ્રસન્ન ચિત્તે સાંભળનાર અબંધ દશાને-મોક્ષ દશાને પામશે.
તો શું અબદ્ધસ્પૃષ્ટની વાર્તા સાંભળી છે તેને સમકિત છે કે તે મોક્ષનું ભાજન છે? અરે ભાઈ! જેને સ્વરૂપનો મહિમા જાગ્યો અને પ્રસન્ન ચિત્તે તેના સ્વરૂપને સાંભળ્યું તેને ‘હું અબદ્ધ છું’ એવો નિર્ણય થયો છે. ભલે તે વિકલ્પરૂપ હો, પણ ‘આ હું છું’ એમ સ્વરૂપનો પક્ષ કરનારને રાગનો-વ્યવહારનો પક્ષ છૂટી જાય છે અને તેથી તે સ્વરૂપનો આશ્રય કરી અલ્પકાળમાં મુક્તિને પાત્ર થઈ જાય છે. અહાહા...! જેણે ચિત્ચમત્કારસ્વરૂપ ભગવાન આત્માના અપરિમિત સામર્થ્યની વાત ઉલ્લસિત વીર્યથી સાંભળી છે તેને ‘હું અબંધ છું, મુક્તસ્વરૂપ છું, આનંદનું ધામ છું’-એમ અંતરમાં પક્ષ- પ્રેમ થયો છે અને તેથી તે રાગથી ભિન્ન પડીને ભાવિમાં સ્વરૂપનો આશ્રય લઈ અવશ્ય મુક્તિને પાત્ર થઈ જશે. જુઓ! આ સ્વરૂપની વાર્તા સાંભળવાનો મહિમા! સ્વરૂપના આશ્રયનું તો કહેવું જ શું?
અહી દશ બોલથી કહે છે- ૧. જ્ઞાનનું જ એકનું આલંબન કરવું, કેમકે ૨. તેના આલંબનથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે, ૩. તે વડે ભ્રાન્તિનો નાશ થાય છે, ૪. ભ્રાન્તિનો નાશ થતાં આત્માનો લાભ થાય છે, પ. તે વડે અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે, અને ૬. તેનાથી કર્મ જોરાવર થઈ શકતું નથી, તથા ૭. રાગ-દ્વેષ-મોહ ઉત્પન્ન થતા નથી, ૮. તેનાથી કર્મ આસ્રવતું નથી, નવું કર્મ બંધાતું નથી, ૯. પૂર્વનાં બંધાયેલાં કર્મ નિર્જરી જાય છે તથા ૧૦. સમસ્ત કર્મનો અભાવ થતાં સાક્ષાત્ મોક્ષ થાય છે.