Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2102 of 4199

 

સમયસાર ગાથા-૨૦૪ ] [ ૧૮૯

અહા! આ દસ બોલ લીધા છે.
* ગાથા ૨૦૪ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘કર્મના ક્ષયોપશમ અનુસાર જ્ઞાનમાં જે ભેદો થયા છે તે કાંઈ જ્ઞાનસામાન્યને અજ્ઞાનરૂપ નથી કરતા, ઉલટા જ્ઞાનને પ્રગટ કરે છે.’

જુઓ, શું કહે છે? કે કર્મના ક્ષયોપશમ અનુસાર એટલે કે કર્મના વિઘટનને અનુસરીને જે જ્ઞાનમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન આદિ વિશેષો-ભેદો પડે છે તે જ્ઞાનસામાન્યને અજ્ઞાનરૂપ નથી કરતા, ઉલટું જ્ઞાનને જ પ્રગટ કરે છે, સામાન્યજ્ઞાનની જ તેઓ પુષ્ટિ કરે છે. અહીં નિર્મળ જ્ઞાનના ભેદો જે પ્રગટ થયા તે કર્મના ક્ષયોપશમ અનુસાર થયા છે એમ કહ્યું એ તો નિમિત્તથી કથન છે, બાકી તે ભેદો પોતાની એવી ક્ષયોપશમ-યોગ્યતાથી જ પ્રગટ થયા છે. કહે છે-જ્ઞાનના આ ભેદો જ્ઞાનસામાન્યને જ પ્રગટ કરે છે.

‘માટે ભેદોને ગૌણ કરી એક જ્ઞાનસામાન્યનું આલંબન લઈ આત્માનું ધ્યાન ધરવું; તેનાથી સર્વ સિદ્ધિ થાય છે.’

જુઓ, ભેદોને ગૌણ કરી... એમ કહ્યું ને? મતલબ કે ભેદો છે, તે ભેદો છે જ નહિ એમ નથી. પરંતુ તેમને ગૌણ કરી અર્થાત્ તેમનું લક્ષ છોડી દઈ નિશ્ચય વસ્તુ સામાન્ય છે તેને લક્ષમાં લઈ અર્થાત્ જ્ઞાનસામાન્યનું આલંબન લઈ આત્માનું ધ્યાન ધરવું એમ કહે છે. લ્યો, આ કરવાનું છે, કેમકે તેનાથી સર્વ સિદ્ધિ થાય છે. અહીં વ્રતાદિ કરવાની વાત જ નથી. અહીં તો ભગવાન આત્માને ધ્યાનનો વિષય બનાવી-ધ્યાનમાં આત્માને ધ્યેય બનાવી-તેનું ધ્યાન કરતાં સર્વ સિદ્ધિ થાય છે એમ કહે છે; અર્થાત્ તેના ધ્યાનથી ક્રમે સંવર, નિર્જરા ને મોક્ષની પ્રાપ્તિ અને આસ્રવ-બંધના અભાવની સિદ્ધિ થાય છે. આવો માર્ગ છે!

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૧૪૧ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘निष्पीत–अखिल–भाव–मण्डल–रस–प्राग्भार–मत्ताः इव’ પી જવામાં આવેલો જે સમસ્ત પદાર્થોના સમૂહરૂપી રસ તેની અતિશયતાથી જાણે કે મત્ત થઈ ગઈ હોય એવી...

શું કહ્યું આ? કે નિર્મળ જ્ઞાનની પર્યાય સમસ્ત પદાર્થોના સમૂહરૂપી રસને પી બેઠી છે અને તેને અતિશયતાથી જાણે કે મત્ત થઈ ગઈ છે. અર્થાત્ શ્રુતજ્ઞાનની પર્યાય પણ ત્રણકાળ-ત્રણલોકને જાણે છે અને તેથી જાણે મત્ત થઈ છે. આવું એનું જ્ઞાનસામર્થ્ય છે છતાં અરે! અજ્ઞાનીએ એને દયા, દાન આદિ રાગમાં વેચી દીધો છે!