સમયસાર ગાથા-૨૦૪ ] [ ૧૯૯
આપ તો જ્ઞાન-શ્રદ્ધાનની વાત કરો છો પણ અમારાં જે આચરણ છે તેની તો કાંઈ કિંમત કરતા જ નથી?
જ્યાં મારગ જ આવો છે ત્યાં બીજું શું થાય ભાઈ? આ તો જેનો સંસારનો અંત નજીક આવ્યો છે તેને જ વાત બેસશે. તને ન બેસે તો શું થાય? વસ્તુનો તો કાંઈ વાંક નથી; અજ્ઞાનનો જ વાંક છે. વસ્તુ તો જેમ છે તેમ છે.
અહીં કહે છે-‘उत्कलिकाभिः’ એટલે કે જ્ઞાનપર્યાયોરૂપી તરંગો વડે આત્મા ડોલાયમાન થાય છે. જેમ સમુદ્ર ભરતીની છોળો મારતો ઉછળે છે તેમ ભગવાન આત્મા ચૈતન્યરત્નાકર પ્રભુ જ્ઞાનપર્યાયોરૂપી તરંગોની છોળો મારતો ઉછળે છે. અહા! અનંતગુણથી ભરેલો ભગવાન આત્મા અંદરમાં અંતરએકાગ્રતાનું દબાણ થતાં, જેમ ફુવારો ફાટીને ઉડે છે તેમ, અનંત પર્યાયોથી ઉછળે છે. છે અંદર? કે ‘ડોલાયમાન થાય છે-ઉછળે છે.’ અહાહા...! એક એક કળશ તો જુઓ! ભગવાન! આ તારાં ગાણાં ગાય છે હોં. તું જેવો છો તેવાં તારાં ગાણાં ગાય છે ભાઈ! તને તારી મોટપ બતાવવા-મોટપ તરફ નજર કરાવવા-તારી મોટપ ગાઈ બતાવે છે. આવી વાત છે.
‘જેમ ઘણાં રત્નોવાળો સમુદ્ર એક જળથી જ ભરેલો છે અને તેમાં નાના મોટા અનેક તરંગો ઉછળે છે તે એક જળરૂપ જ છે.’
શું કહ્યું? કે જે તરંગો ઊઠે છે તે બધા એક જળરૂપ-પાણીરૂપ જ છે. ‘તેમ ઘણા ગુણોનો ભંડાર આ જ્ઞાનસમુદ્ર આત્મા એક જ્ઞાનજળથી જ ભરેલો છે.’
જુઓ, આકાશના પ્રદેશોનો અંત નથી. આકાશનો અંત કયાં આવે? (કયાંય ન આવે.) બસ એમ ને એમ ચાલ્યું જ જાય છે. આકાશ... આકાશ... આકાશ. તે કયાં થઈ રહે? જો થઈ રહે તો તેના પછી શું? ઓહોહોહો...! દશે દિશામાં આકાશ અનંત-અનંત- અનંત ચાલ્યું જાય છે.
આ લોકના અસંખ્ય જોજનમાં તો આકાશ છે અને તે પછી પણ (અલોકમાં) આકાશ છે. તે કયાં આગળ થઈ રહે? કયાં પુરું થાય? જો થઈ રહે તો તે કેવી રીતે રહે? ભાઈ! તે અનંત છે ને અનંતપણે રહે છે, અંત ન આવે એવું થઈને રહે છે. હવે આવું અમાપ-અનંત ક્ષેત્ર બેસવું કઠણ પડે એને ક્ષેત્રનો ‘ક્ષેત્રજ્ઞ’ કેમ બેસે? (ન બેસે).
અહાહા...! તારા આત્મદ્રવ્યનો મહિમા શું કહેવો? જેમ આકાશના અનંત પ્રદેશ છે તેનાથી અનંતગણા ગુણરત્નોથી ભરેલો આત્મા જ્ઞાનસમુદ્ર છે. તે એક જ્ઞાનજળથી જ ભરેલો છે. અહાહા...! તેની નિર્મળથી નિર્મળ ઉદ્ભવતી પર્યાયનો પણ શું મહિમા કહેવો?